અમરેલી લેટરકાંડની તપાસ હવે પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ, પાયલ ગોટીની ખોટી રીતે ધરપકડ કરનારા ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ- Video
અમરેલી જિલ્લાના ચકચારી લેટરકાંડની તપાસ હવે સ્ટેટ મોનિટરીંગ સેલને સોંપવામાં આવી છે. આ અગાઉ આ કેસની તપાસ માટે SIT બનાવવામાં આવી હતી. જો કે હવે આ સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય કરશે.
અમરેલીના ચકચારી લેટરકાંડના તપાસ હવે સ્ટેટ મોનિટરીંગ સેલને સોંપવામાં આવી છે. સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય આ કેસની તપાસ કરશે અને પાયલ ગોટીની ધરપકડમાં પોલીસની ભૂમિકા અને કામગીરીનું ચેકિંગ કરશે. અત્રે નોંધનીય છે કે નિર્લિપ્ત રાય અમરેલીની જિલ્લાની પૃષ્ઠભૂમિ અને પોલીસબેડાથી સંપૂર્ણ રીતે વાકેફ છે. અગાઉ તેઓ અમરેલી જિલ્લાના પોલીસ વડા તરીકે ફરજ બજાવી ચુક્યા છે.
અમરેલીના SP રહી ચુકેલા નિર્લિપ્ત રાયને સોંપાઈ લેટરકાંડની તપાસ
આ લેટરકાંડમાં ચાર આરોપીઓની સાથે પાયલ ગોટીને પણ આરોપી બનાવવામાં આવી અને રિકન્સ્ટ્રક્શનના નામે ભરબજારમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યુ આ તમામ બાબતોમાં પોલીસની ભૂમિકા અંગે નિર્લિપ્ત રાય તપાસ કરશે. નિર્લિપ્ત રાય કડક, તટસ્થ અને એકદમ સાફ ઓફિસર તરીકેની છાપ છે. આ કેસમાં જિલ્લા પોલીસ વડાએ ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે. SP અને LCBમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીને બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા છે. પાયલ ગોટીની ખોટી રીતે ધરપકડ કરી તેને પાંચ દિવસ સુધી કસ્ટડીમાં રાખનારા પોલીસ કર્મીઓ સામે ગંભીર આક્ષેપોને લઈને તપાસનો ધમધમાટ તેજ કરાયો છે. પાયલે કહ્યુ હતુ કે પોલીસ દ્વારા પટ્ટા મારવામાં આવ્યા હતા. ત્યારે પાયલ ગોટીના પોલીસ સામેના આક્ષેપોને લઈને SIT ની રચના કરવામાં આવી હતી. જેમાં Dy.SP એ. જી. ગોહિલ, મહિલા P.I. આઇ. જે. ગીડા, મહિલા PSI એચ. જે. બરવાડીયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
શું છે પોલીસ સામેના આરોપો?
અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતો લેટર વાયરલ થયા બાદ મનિષ વઘાસિયા સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમા રાત્રિના 12 વાગ્યે પાયલ ગોટીના ઘરે જઈ તેને ઉઠાડીને તેની પૂછપરછના બહાને રાત્રે જ ધરપકડ કરી લેવામાં આવી હતી. જે બાદ પાંચ દિવસ સુધી તેને કસ્ટડીમાં રાખવામાં આવી. આ દરમિયાન બે વાર અન્ય આરોપીઓની સાથે રાખી સમગ્ર શહેરમાં પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યુ અને એક અપરિણિત દીકરીની આબરુના ધજાગરા ઉડાડાવાનું કામ અમરેલી પોલીસ દ્વારા કરવામાં આવ્યુ. આ સમગ્ર મામલે રાજકીય દબાણ ઉભુ થયા બાદ 3 જાન્યુઆરીએ પાયલને જામીન મળ્યા. જેલમાંથી બહાર આવ્યા બાદ પાયલે કસ્ટડી દરમિયાન તેની સાથે કરવામાં આવેલા વ્યવહાર અંગે ગંભીર આક્ષેપ કર્યા.
કોંગ્રેસ દ્વારા પણ આ મુદ્દાને મજબુતાઈ ઉઠાવી જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરી પાયલ ગોટીને ન્યાય આપવા માટે સરકાર પર દબાણ લાવવામાં આવ્યુ છે. કોંગ્રેસે આ સમગ્ર મુદ્દાને એક નારીના સ્વાભીમાન અને પાટીદારો સાથે જોડી દઈ સરકારને ભીંસમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. જે બાદ મામલો વધુ ગરમાયો છે અને સમગ્ર કેસના ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે.