Amreli: એપાર્ટમેન્ટ પરથી પટકાતા મહિલાના મોતનો મુદ્દો, સુસાઇડ નોટમાં અમરેલી પોલીસ ‘મોરી’ સહિત ત્રણ નામનો ઉલ્લેખ, જાણો સમગ્ર મામલો
શહેરના લાઠી રોડ ઉપર આવેલ ગોકુલધામ એપારમેન્ટમાં ચોથા માળેથી ગીતાબેન કરશનભાઈ બોદર 42 વર્ષીય મહિલાએ પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. સ્યૂસાઈડ નોટમાં ચોંકાવનારી હકીકત સામે આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

Amreli: અમરેલી શહેરમાં ગઈકાલે સાંજે બનેલી ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. શહેરના લાઠી રોડ ઉપર આવેલ ગોકુલધામ એપારમેન્ટમાં ચોથા માળેથી ગીતાબેન કરશનભાઈ બોદર 42 વર્ષીય મહિલાએ પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. જોકે આ ઘટના બાદ પોલીસ દ્વારા મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના ડોકટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. જે બાદ મૃતદેહને પી.એમ.માટે ખસેડવામાં આવ્યો હતો. મોડી રાત સુધી પોલીસ તપાસનો ધમધમાટ ચાલ્યો હતો પરંતુ કોઈ કારણ સીટી પોલીસ જાણી શકી ન હતી.
ત્યારબાદ આજે મહિલાના ઘરેથી જ આજે એક ડાયરીમાં સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. સ્યૂસાઈડ નોટમાં ચોંકાવનારી હકીકત સામે આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. જોકે આ બનાવમાં પોલીસને મળેલી સ્યૂસાઈડ નોટમાં અનેક રહસ્ય ખુલી શકે છે. હાલ અમરેલી સીટી પોલીસ ખાનગી રાહે તપાસ કરી રહી છે. પરંતુ સ્યૂસાઈડ નોટમાં લખેલા નામોની સમગ્ર વિસ્તારમાં સર્ચા થઈ રહી છે જોકે મૃતલ મહિલા ગીતાબેને પોલીસનું નામ ઉલ્લેખ કર્યો છે તે પોલીસ કોણ છે?
હાલ આ સમગ્ર મામલે ટીવી નાઇન ડિજિટલ દ્વારા અમરેલી ઇન્ચાર્જ SP કે.જે.ચૌધરીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનામાં સ્યૂસાઈડ નોટ મળી આવી છે તે સ્યૂસાઈડ નોટ મામલે હાલ સીટી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
સ્યૂસાઈડ નોટમાં પોલીસનો પણ ઉલ્લેખ!
અમરેલીમાં આ મૃતક મહિલાએ લખેલી સ્યૂસાઈડ નોટના કારણે પોલીસ અધિકારી સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જોકે અધિકારીનું નામ પોલીસ દ્વારા હજુ સત્તાવાર રીતે ખુલ્યું નથી પરંતુ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. જ્યારે સ્યૂસાઈડ નોટ મામલે ઊંડાણ પૂર્વક તપાસ થશે તો હજુ ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે. મહત્વની વાત એ છે આ સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ છે અમરેલી પોલીસ “મોરી” તે કોણ છે? કેમ આ પોલીસ મોરીનું નામ આવ્યુ? આ રહસ્યમય ઘટનામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.