શિક્ષણ જગતના જાણીતા ગામની સરકારી શાળામાં તસ્કરો ત્રાટક્યા, ફરિયાદની મંજૂરી આપવામાં 2 સપ્તાહ વિત્યા!
હિંમતનગર શહેર નજીક આવેલા હડીયોલની પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. હિંમતનગર સહિત જિલ્લામાં તસ્કરોનો ત્રાસ છેલ્લા કેટલાક સમયથી વધતો જ જઈ રહ્યો છે. આ દરમિયાન શાળાઓ પણ તસ્કરોના નિશાને ચડી છે. શાળાની ગ્રીલ તોડીને બારી વાટે હોલમાં ઘૂસીને તોડફોડ કરીને નુક્સાન પહોંચાડ્યુ છે.
સાબરકાંઠામાં મંદિર અને શાળાઓમાં પણ ચોરીનું પ્રમાણ વધવાનું શરુ થયુ છે. તસ્કરોના ત્રાસથી હિંમતનગર અને વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે, ત્યાં હવે શાળાને પણ નિશાન બનાવી છે. હિંમતનગર શહેરને અડકીને આવેલા હડીયોલ ગામની પ્રાથમિક શાળામાં તસ્કરોએ હાથ ફેરો કરવાનો પ્રયાસ કરી નુક્સાન પહોંચાડ્યુ છે.
હડીયોલ ગામ શિક્ષણ નગરી તરીકે રાજ્યભરમાં જાણીતું છે. આ ગામ અને આસપાસના વિસ્તારમાંથી રાજ્ય ભરમાં શિક્ષકો ફરજ બજાવે છે. ગામમાં દરેક ઘરમાં શિક્ષક છે અને ગામની સરકારી શાળા ઉત્તમ શિક્ષણ આપવા માટે જાણીતી છે.
LED સહિતના સામાનની ચોરીનો પ્રયાસ
તસ્કરોના ત્રાસથી હિંમતનગર અને જિલ્લાના લોકો પરેશાન થઈ ચૂક્યા છે. ચોરીના બનાવો જાણે કે રોજબરોજના થઈ ચૂક્યા છે. સવાલો પણ થઈ રહ્યા છે કે, ચોરીના બનાવો ચોપડે નોંધાય છે એના કરતા વધારે બની રહ્યા છે. આ દરમિયાન હવે હડીયોલ ગામની પ્રાથમિક શાળામાં ચોરીનો પ્રયાસ કરાયો છે. શિક્ષણના ધામ સમાન હડીયોલ ગામમાં તસ્કરોએ નુક્સાન પહોંચાડવાના બનાવે ચોંકાવી મૂક્યા છે. ગામની સુંદર પ્રાથમિક શાળામાંથી તસ્કરોએ સરકારી મિલક્ત અને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ઉપયોગી સામાનની ચોરીનો પ્રયાસ કરી નુક્સાન પહોંચાડ્યુ છે.
ઉત્તરાયણની રજા બાદ ગત 16 જાન્યુઆરીએ શાળા ખુલી હતી. શાળા ખુલવા સમયે આચાર્ય અને શિક્ષકો પહોંચતા હોલમાં ગોઠવેલ સરસામાન વેરવિખેર પડ્યો હતો. જેમાંથી LED અને અન્ય સામાનને નુક્સાન પહોંચાડ્યું હોવાનું જણાયું હતુ. 3 LED, વેલ કેમેરા 22 નંગ, કોમ્પ્યુટર માઉસ તથા કી બોર્ડ સહિતના 25 હજાર કરતા વધુના સામાનને નુક્સાન કર્યુ હતુ.
સરકારી મિલક્ત છતાં બે સપ્તાહે ફરિયાદ!
જોકે આ મામલે ફરિયાદ નોંધાતા બે સપ્તાહ કરતા વધારે સમય લાગ્યો છે, તે વધારે અચરજ સર્જી રહ્યુ છે. ઉત્તરાયણ સમયે ચોરી કરવાના પ્રયાસે નુક્સાન થવા છતાં 29 જાન્યુઆરીએ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે ફરીયાદમાં શિક્ષક પિયુષ પ્રજાપતિએ લખાવ્યુ છે કે, વડી કચેરીએ આજરોજ હુકમ કરતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. સવાલ એ થઈ રહ્યો છે કે, સરકારી મિલક્ત હોવા છતાં ફરિયાદ નોંધવા માટે 13 દિવસ જેટલો સમય ફરિયાદ નોંધવાની મંજૂરી લેવામાં સમય વિતી ચૂક્યો.
આ પણ વાંચો: સાબરકાંઠાઃ ધામડી ગામે ઘરમાં ગેસ લીકેજને લઈ બ્લાસ્ટ! દાઝી જતા આધેડ ગંભીર
તો વળી, ઘટના સર્જાવા છતાં પણ પોલીસને અત્યાર સુધી જાણ જ કરી નહોતી કે કેમ એ પણ સવાલ થવા લાગ્યો છે. તો બીજી તરફ શિક્ષણના અધિકારીઓએ અત્યાર સુધી આટલો સમય કેમ પસાર કર્યો એ પણ સવાલ થઈ રહ્યા છે. આમ કરવાને લઈ પોલીસ તપાસને અસર પહોંચશે કે, કેમ તેવા પણ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યા છે. જો સમયસર ફરિયાદ નોંધાય તો, પોલીસને નુક્સાન કરનારાઓ સુધી પહોંચવામાં કડીઓ મેળવવામાં યોગ્ય સમય મળી રહે. પરંતુ હવે પોલીસે ફરિયાદ નોંધવામાં વિલંબ કર્યો કે શિક્ષણ વિભાગે જ સમય પસાર કર્યો એ ચર્ચાનું કારણ જરુર બન્યુ છે.