Gujarat Result Analysis 2022: 156 બેઠક સાથે ગુજરાતમાં નરેન્દ્ર ભાઈ – નરેન્દ્ર ભાઈનો જયઘોષ, આ રહ્યા એ 7 તીર કે જેણે દુશ્મનોની છાતી વિંધી નાખી
ભાજપ(BJP)ની સત્તાની આ સફરમાં ભલે બેઠકો ઉપર-નીચે જતી રહી છે, પરંતુ મત ટકાવારીની દૃષ્ટિએ ભાજપનો દેખાવ અકબંધ રહ્યો છે. સત્તામાં આવ્યા બાદ પ્રથમ બે ચૂંટણીઓને બાદ કરતાં ભાજપ 48 ટકાથી 52 ટકાની રેન્જમાં છે. એટલે કે લગભગ અડધી વસ્તીનું સમર્થન હંમેશા ભાજપને જ રહ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના પરિણામ આવી ચુક્યા છે અને 56ની છાતી હવે ગુજરાતમાં 156 સુધી પહોચી ગઈ છે. હિન્દુત્વથી લઈને વિકાસની રાજનીતિની કેડી પર વળનારા ભાજપ માટે માર્ગદર્શક ગણો કે ચેહરો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ એક સુપરમેન તરીકે સાબિત થયા છે. ના માત્ર પક્ષ માટે પરંતુ ગુજરાત માટે પણ હવે નરેન્દ્ર ભાઈ- નરેન્દ્ર ભાઈ થઈ ચુક્યું છે. ગુજરાતમાં ભાજપની એન્ટ્રી બાદ પક્ષ અને વિકાસના રેકોર્ડ તુટતા રહ્યા છે અને તેનો દાવો થતો રહ્યો છે. વર્ષ 2022ની ચૂંટણીમાં પણ કઈંક એવું જ થયું છે કે જેમાં કોંગ્રેસના ધુરંધર મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના સમયમાં 149 બેઠક બાદ ભાજપે 156 બેઠક લાવીને જુના રેકોર્ડને ઈતિહાસ કરી નાખ્યો છે. તો આ ચમત્કાર એમનેમ થયો છે એ માની લેવા કરતા તેની પાછળના કારણો જાણવા જરૂરી છે કે જેમે વિરોધીઓને ઘુટણીએ પાડી દીધા છે.
ગુજરાતની રેકોર્ડબ્રેક જીત એ વડાપ્રધાન મોદીની મહેનતનું પરિણામ છે, જે તેમણે માત્ર 27 દિવસમાં કરી બતાવ્યું. વડાપ્રધાન મોદીએ 6 નવેમ્બરે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. કુલ 39 રેલી અને 2 મોટા રોડ શો કર્યા. તેમની 39 રેલીઓ દરમિયાન, PM એ ગુજરાતની 134 વિધાનસભા બેઠકોને આવરી લીધી, જ્યારે રોડ શો માટે તેમણે 17 વિધાનસભા બેઠકોને આવરી લીધી અને પરિણામો બધાની સામે છે.
આ રહ્યા એ કારણો જેણે સર્જી નાખ્યો ઈતિહાસ
ચૂંટણીના એક વર્ષ પહેલા આખી સરકાર બદલાઈ ગઈ
મોટા નેતાઓને ટિકિટ આપવામાં આવી નથી
વિજેતા ઉમેદવારો, કોંગ્રેસના નેતાઓને ટિકિટ ફાળવણીમાં ધ્યાન અપાયુ
ભાજપ 2017માં હારી ગયું હતું ત્યાં પહેલેથીજ આ વખતે આક્રમક પ્રચાર કર્યો
પાંચ વર્તમાન મંત્રીઓની ટિકિટ કાપીને જનતામાં પોઝીટીવ સંદેશ આપવાનો પ્રયાસ
બળવાખોરો સામે કડક કાર્યવાહી કરી
પીએમ મોદીએ કહ્યું- હું ગુજરાતનો દીકરો છું. તે એક મોટું પરિબળ બની ગયું
ભાજપનો વોટ શેર વધ્યો
ભવિષ્યમાં શું થશે તે કોઈ જાણતું નથી, પરંતુ પરિણામોના આધારે એમ કહી શકાય કે ગુજરાતની ચૂંટણી દરમિયાન વિપક્ષ સંપૂર્ણપણે નિષ્ક્રિય રહ્યો હતો, જ્યારે ભાજપે સક્રિય રીતે ચૂંટણી લડવાનું ચાલુ રાખ્યું હતું. આ જ કારણ છે કે ભાજપને ગત વખત કરતા 59 બેઠકો અને 3 ટકા વધુ મત મળ્યા છે. 2017માં ભાજપને 99 બેઠકો મળી હતી. આ વખતે 156 સીટો મળી છે. 2017માં બીજેપીને 49.1% વોટ મળ્યા હતા, આ વખતે તેને 52.5% વોટ મળ્યા છે.
જો ચૂંટણીમાં ત્રિકોણીય મુકાબલો થાય તો જે પક્ષને 35% મત મળે તે આરામથી ચૂંટણી જીતે છે, પરંતુ અહીં ભાજપને 52.5% મત મળ્યા છે. આ જ કારણ છે કે તે ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવવામાં સફળ રહી હતી. આ જીત એટલા માટે પણ મહત્વની છે કારણ કે ગુજરાતમાં ભાજપ જ્યારથી સત્તા પર આવ્યો છે ત્યારથી સતત જીતી રહી છે અને આ વખતેની જીત સૌથી મોટી છે.
1995માં પહેલીવાર ગુજરાતમાં ભાજપની જીત થઈ હતી
ગુજરાતમાં ભાજપની સત્તા સુધીની સફર પર નજર કરીએ તો 1995માં ભાજપે પ્રથમ વખત જીત મેળવી હતી, ત્યારબાદ તેને 121 બેઠકો મળી હતી. 1998માં ફરીથી ચૂંટણી થઈ ત્યારે ભાજપને 117 બેઠકો મળી હતી. 2002માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપને 127 બેઠકો મળી હતી. 2007ની ચૂંટણીમાં ભાજપને 117 બેઠકો મળી હતી. 2012માં ભાજપે 2 વધુ બેઠકો ગુમાવી અને આંકડો 115 પર અટકી ગયો. 2017ની ચૂંટણીમાં, ભાજપે સીટોની દ્રષ્ટિએ સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું અને પાર્ટી માત્ર 99 બેઠકો મેળવીને 100ના આંકડાને સ્પર્શી શકી નહોતી.
ભાજપની સત્તાની આ સફરમાં ભલે બેઠકો ઉપર-નીચે જતી રહી છે, પરંતુ મત ટકાવારીની દૃષ્ટિએ ભાજપનો દેખાવ અકબંધ રહ્યો છે. સત્તામાં આવ્યા બાદ પ્રથમ બે ચૂંટણીઓને બાદ કરતાં ભાજપ 48 ટકાથી 52 ટકાની રેન્જમાં છે. એટલે કે લગભગ અડધી વસ્તીનું સમર્થન હંમેશા ભાજપને જ રહ્યું છે.