Breaking News: અમદાવાદના પાલડી વિસ્તારમાંથી ઝડપાયો સોનાનો મોટો જથ્થો, 95.5 કિલો સોનું અને ₹70 લાખ રોકડ કબજે
ગુજરાત ATS અને DRIએ સંયુક્ત દરોડામાં 95.5 કિલો સોનું અને 70 લાખ રોકડા જપ્ત કર્યા છે. પાલડીના આવિષ્કાર અપાર્ટમેન્ટમાંથી મળેલું આ સોનું 86 કરોડથી વધુનું છે. મુંબઈના મેઘ શાહ નામના વ્યક્તિ પર શંકા છે, જે શેરબજાર અને ડબ્બા ટ્રેડિંગ સાથે જોડાયેલો છે.
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) ને સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર અપાર્ટમેન્ટમાંથી 95.5 કિલો સોનું અને ₹70 લાખ રૂપિયા રોકડા કબ્જે કરવામાં આવ્યા છે. સોનાની કુલ કિંમત 86 કરોડ રૂપિયાથી વધુ અંદાજવામાં આવી છે. આ અપાર્ટમેન્ટમાં મુંબઈના મેઘ શાહ નામના વ્યક્તિ દ્વારા ફ્લેટ ભાડે રાખવામાં આવેલો હતો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે મેઘશાહ શેરબજાર અને ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલો છે. એટીએસ અને ડીઆરઆઈએ આ મામલામાં વધુ તપાસ શરૂ કરી છે. સોનાની ગેરકાયદેસર હેરાફેરી અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકો વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
86 કરોડથી વધુની કિંમતનું સોનુ અને ₹70 લાખ રોકડ જપ્ત
મુંબઈનો મેઘ શાહ આ એપાર્ટમેન્ટમાં ભાડે મકાન રાખીને રહેતો હતો અને તેને ત્યાંથી આ સોનાનો જથ્થો DRI દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. રેન્ટ પર આપવામાં આવેલા આ ફ્લેટમાં અવરજવર ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી હતી. આ અવરજવર શંકાસ્પદ લાગતા આસપાસના સ્થાનિકો દ્વારા એક ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ આ સમગ્ર કેસ બહાર આવ્યો છે. આજ બપોરના 2.30 થી 3 કલાકના સુમારે ATS અને DRIની ટીમ ત્યાં પહોંચી હતી અને સઘન ચેકિંગ હાથ ધરાયુ હતુ. આ દરમિયાન મોટા પ્રમાણમાં સોનાનો જથ્થો મળી આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર 95.5 કિલો જેટલો સોનાનો જથ્થો જપ્ત કરાયો છે. જેની બજાર કિંમત હાલ 86 કરોડ જેટલી અંદાજવામાં આવી રહી છે. ઉપરાંત ₹70 લાખથી વધુની કેશ પણ જપ્ત કરવામાં આવી છે. હાલ પણ ATS અને DRIની ટીમ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે.
સોનાની હેરાફેરીનું નેટવર્ક
જો કે તપાસમાં સ્પષ્ટ થયું નથી કે 95.5 કિલો સોનું ક્યાંથી મંગાવવામાં આવ્યું હતું. શક્યતા છે કે આ સોનું વિદેશથી તસ્કરી કરીને લાવવામાં આવ્યું હોય. તેની ખાતરી કરવા માટે DRI અને ATS અન્ય સંડોવાયેલા લોકોને શોધવા તપાસ હાથ ધરી છે. આ ગેરકાયદેસર સોનાની હેરાફેરી માટે દેશની અંદર એક મોટું નેટવર્ક કાર્યરત છે. પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા તે નેટવર્કના અન્ય સભ્યોને શોધવાની તજવીજ પણ હાથ ધરાઈ છે.
મની લોન્ડરિંગ ની દિશામાં તપાસ
આ ફ્લેટમાંથી ₹70 લાખ રોકડ મળી આવ્યા બાદ એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે શું આ કેસમાં મની લોન્ડરિંગનું કોઈ કનેક્શન છે કે કેમ. નોંધનિય છે કે સોનાની ખરીદી અને વેચાણ સામાન્ય રીતે હવાલા નેટવર્ક અથવા બેનામી ટ્રાન્ઝેક્શન દ્વારા થતા હોય છે. તેથી તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે.
હાલ, ATS અને DRI આ મામલામાં વધુ પુછપરછ અને પુરાવા એકત્ર કરવા માટે મેઘ શાહ અને અન્ય શખ્સોની ધરપકડ કરવાની તૈયારી કરી રહી છે. શંકાસ્પદ નેટવર્કને નષ્ટ કરવા માટે અન્ય શહેરોમાં પણ તપાસની શકયતા છે. આ કેસમાં આગામી દિવસોમાં હજુ વધુ મોટા ખુલાસાઓ થઈ શકે છે.