Gujarat Election 2022 : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે રાજકોટ અને સુરત જિલ્લામાં ગજવશે સભા, મોડે- મોડે જાગેલા કોંગ્રેસ નેતાઓની રણનીતિ પર સવાલ !
દરેક વિધાનસભા ચૂંટણીમાં રહી-રહીને પણ પ્રચાર કરતી કોંગ્રેસ અમુક બેઠકો હાંસલ કરવામાં કામયાબ રહી છે. જો કે આ વખતે રાજકીય સમીકરણો કંઈક જુદો જ રાગ આલાપી રહી છે.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાનને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દિગ્ગજ નેતાઓ ગુજરાત ખુંદી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતમાં મતદારોને રીઝવવા ધૂંઆધાર ચૂંટણી પ્રચાર કરશે. સુરત જિલ્લાના મહુવાના પાંચકાકડા ખાતે રાહુલ ગાંધીની જાહેરસભા યોજાશે. સભાને લઈ તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.
વિવાદો વચ્ચે રાહુલ ગાંધીનો ગુજરાતમાં પ્રચાર
ગુજરાત ઈલેક્શન 2022: વિપક્ષનો રાષ્ટ્રીય ચહેરો એવા રાહુલ ગાંધી પણ આજે રાજકોટમાં પણ પ્રચાર કરશે. મહત્વનુ છે કે આ પ્રચારની વચ્ચે હવે વિવાદોની એન્ટ્રી પણ થઈ ચુકી છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાયેલા નર્મદા ડેમના આંદોલનકારી મેધા પાટકરની હાજરીથી ભાજપ પ્રહાર કરી રહી છે. તો કોંગ્રેસના ચંદનજી ઠાકોરના મુસ્લિમ પ્રેમ દર્શાવતા વીડિયોને લઈ ભાજપ નેતાઓ શાબ્દિક પ્રહાર કરી રહ્યા છે.
રાહુલ ગાંધીનું મિશન સૌરાષ્ટ્ર
આ બધાની વચ્ચે રાહુલ ગાંધી આજે મિશન સૌરાષ્ટ્ર પર છે. આપને જણાવી દઈએ કે, દરેક વિધાનસભા ચૂંટણીમાં રહી-રહીને પણ પ્રચાર કરતી કોંગ્રેસ અમુક બેઠકો હાંસલ કરવામાં કામયાબ રહી છે. જો કે આ વખતે રાજકીય સમીકરણો કંઈક જુદો જ આલાપ લઈ રહી છે, તેની વચ્ચે કોંગ્રેસને આ વખતે પણ આ રણનીતિ કામ લાગે છે કે કેમ તે તો ચૂંટણીના પરિણામ જ બતાવશે.