RBIની મોટી જાહેરાત, 15 માર્ચ પછી પણ Paytm વોલેટનો ઉપયોગ કરી શકશે આ 85 ટકા યુઝર્સ
RBIએ Paytm વોલેટ ગ્રાહકોને મોટી રાહત આપી છે. વોલેટ સેવાનો ઉપયોગ કરતા 80 થી 85 ટકા ગ્રાહકો 15 માર્ચ પછી પણ તેનો આરામથી ઉપયોગ કરી શકશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે જણાવ્યું હતું કે Paytm વોલેટના આ ગ્રાહકોને તેના પ્રતિબંધને કારણે કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

જાન્યુઆરીના અંતમાં ભારતીય રિઝર્વ બેંકે Paytm પેમેન્ટ્સ બેંકને નવા ગ્રાહકો એડ કરવા અને ફાસ્ટેગથી લઈને વોલેટમાં નવી રકમ જમા કરાવવા પર રોક લગાવી હતી. આ પ્રતિબંધ માટે પહેલા લોકોને 29 ફેબ્રુઆરી સુધીની છૂટ આપવામાં આવતી હતી અને બાદમાં તેને 15 માર્ચ સુધી લંબાવી દેવામાં આવી હતી. હવે આ મામલે RBIએ Paytm વોલેટ ગ્રાહકોને મોટી રાહત આપી છે. વોલેટ સેવાનો ઉપયોગ કરતા 80 થી 85 ટકા ગ્રાહકો 15 માર્ચ પછી પણ તેનો આરામથી ઉપયોગ કરી શકશે.
RBI ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે જણાવ્યું હતું કે Paytm વોલેટના 80-85 ટકા ગ્રાહકોને તેના પ્રતિબંધને કારણે કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં, કારણ કે તેમના એકાઉન્ટ Paytm પેમેન્ટ્સ બેંકને બદલે અન્ય બેંકો સાથે જોડાયેલા છે. તેમણે બાકીના ગ્રાહકોને સલાહ આપી છે કે તેઓ તેમની પેટીએમ પેમેન્ટ્સ બેંક સેવાઓને અન્ય બેંકના ખાતા સાથે લિંક કરે.
ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે Paytm પેમેન્ટ્સ બેંક સાથે જોડાયેલા વોલેટને અન્ય બેંકો સાથે લિંક કરવાની અંતિમ તારીખ 15 માર્ચ નક્કી કરવામાં આવી છે. તેમણે આ સમયમર્યાદા વધારવાની શક્યતા નકારી કાઢી છે. 15 માર્ચ સુધીનો સમય પૂરતો છે અને તેને આગળ વધારવાની જરૂર નથી. તેમણે કહ્યું કે પેટીએમ વોલેટના 80-85 ટકા ગ્રાહક અન્ય બેંકો સાથે જોડાયેલા છે અને બાકીના 15 ટકાને તેમના વોલેટને અન્ય બેંકો સાથે લિંક કરવાની સલાહ આપવામાં આવે છે.
એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે Paytm પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ લેવામાં આવેલી કાર્યવાહી તેના નિયમનના દાયરામાં તપાસના ભાગ રૂપે લેવામાં આવી છે. આ એક વ્યક્તિગત કેસ છે, તેને અન્ય ફિનટેક કંપનીઓ સાથે કોઈ લેવાદેવા નથી. આરબીઆઈ ફિનટેક સેગમેન્ટમાં નવીનતાને આવકારે છે. તેમણે નવા ઉત્પાદનોના પરીક્ષણ માટે સેન્ડબોક્સ આધારિત સિસ્ટમ પણ રજૂ કરી છે.
NPCI Paytmના પેમેન્ટ એપ લાયસન્સ પર નિર્ણય લેવા અંગે પૂછવામાં આવ્યું તો શક્તિકાંત દાસે કહ્યું કે, આ અંગે આંતરિક તપાસ બાદ જ કાર્યવાહી કરવાની રહેશે. જ્યાં સુધી આરબીઆઈનો સવાલ છે, તો જો NPCI પેટીએમને કાર્યરત રાખવાનું નક્કી કરે તો તેને કોઈ વાંધો નથી.