હોટલોની રેકી, 3થી વધુ આતંકવાદી અને લશ્કર-એ-તૈયબાનું કાવતરું, 30ના મોતની આશંકા, પહેલગામ આતંકવાદી હુમલામાં સૌથી મોટો ખુલાસો
પહેલગામના બાઈસરન ખાતે થયેલા આતંકવાદી હુમલામાં 30 લોકોના મોતની આશંકા છે. તેમાંથી બે વિદેશી નાગરિક પણ હોવાની વાત છે, જે પૈકી એક ઈઝરાયેલનો નાગરિક છે અને બીજો ઈટાલીનો નાગરિક હોવાનું કહેવાઈ રહ્યું છે. દરમિયાન હુમલાને લઈને મહત્વની માહિતી સામે આવી છે. પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ એપ્રિલના પહેલા અઠવાડિયામાં કાશ્મીરના ઘણા પ્રવાસન સ્થળોની રેકી કરી હતી. આમાં પહેલગામની હોટલોનો પણ સમાવેશ થાય છે. એવું પણ સામે આવ્યું છે કે પહેલગામ આતંકી હુમલો ત્રણથી વધુ આતંકવાદીએ કર્યો હતો.

કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને મોટો ખુલાસો થયો છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોએ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કાશ્મીરમાં કેટલાક પર્યટન સ્થળો, ખાસ કરીને હોટલોની રેકી કરી હતી. આતંકવાદીઓએ કરેલ રેકીમાં પર્યટન સ્થળોમાં પહેલગામની કેટલીક હોટલોનો પણ સમાવેશ થતો હતો. સુરક્ષા એજન્સીઓને આ મામલે પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા પર શંકા છે. 1 થી 7 એપ્રિલ દરમિયાન રેકી કરવામાં આવી હતી. કેન્દ્રીય એજન્સીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણથી વધુ આતંકવાદીઓએ આ હુમલો કર્યો હતો.
પહેલગામ આતંકી હુમલામાં 30 લોકોના મોતની આશંકા છે. તેમાં બે વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે, બે વિદેશી પૈકી એક ઈઝરાયેલનો અને બીજો ઈટાલીનો છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હુમલા બાદ પ્રવાસીઓને મદદ અને માહિતી આપવા માટે ઈમરજન્સી હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી છે. પોલીસનો સંપર્ક કરવા માટે 9596777669, 01932225870 (9419051940 WhatsApp) નંબર જાહેર કરવામાં આવ્યા છે.
NIA પહલગામ પહોંચી શકે છે
NIAની ટીમ પણ પહેલગામ પહોંચી શકે છે. આ સિવાય આર્મી ચીફ આવતીકાલે જમ્મુ-કાશ્મીર પણ પહોંચી શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીર પહોચી ગયા છે. તેઓ આવતીકાલે બુધવારે ઘટના સ્થળની મુલાકાત લેશે. જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હા પણ તેમની સાથે રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ભારે નિંદા કરી છે.
તેમણે કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલો આતંકવાદી હુમલો આઘાતજનક અને પીડાદાયક છે. આ એક ક્રૂર અને અમાનવીય કૃત્ય છે જેની નિંદા થવી જોઈએ. નિર્દોષ નાગરિકો, પ્રવાસીઓ પર હુમલો કરવો એ અત્યંત ભયાનક અને અક્ષમ્ય છે. હું એવા પરિવારો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરું છું જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે.
આપણા જવાનોનું લોહી ઉકળી રહ્યું છે
આતંકવાદી હુમલા અંગે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના કાર્યાલયે કહ્યું છે કે આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આખો દેશ ગુસ્સામાં છે અને આપણા સૈનિકોનું લોહી ઉકળી રહ્યું છે. હું રાષ્ટ્રને ખાતરી આપવા માંગુ છું કે પહેલગામ હુમલાના ગુનેગારોને તેમના ઘૃણાસ્પદ કૃત્યની ખૂબ જ ભારે કિંમત ચૂકવવી પડશે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના.
જમ્મુ કાશ્મીર સહીત દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.