ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનો પહેલો ગોલ્ડ અથવા સિલ્વર મેડલ પાક્કો, મહેસાણાની ભાવિના પટેલે ટેબલ ટેનિસની વુમન સિંગલ્સમાં ક્લાસ-4 કેટેગરીની ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે ચીનની ઝાંગ મિયાઓને 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી હરાવી.
ભાવિના પટેલની આ પ્રથમ પેરાલિમ્પિક્સ છે અને તેના પ્રથમ પ્રયાસમાં જ તેણે રમતના સૌથી મોટા મંચ પર શાનદાર કામ કર્યું છે.
મહેસાણામાં ભાવિના પટેલના ઘરે ખુશીનો માહોલ છવાયો છે. તેમના માતાપિતા તથા સ્નેહીઓએ મીઠાઈ ખવડાવીને ભાવિનાની આ ખુશીને સેલિબ્રેટ કરી હતી.
ભાવિના પટેલ મૂળ વડનગર તાલુકાના સુંઢિયા ગામની વતની છે. તેની આ સફળતાથી તેના નાનકડા એવા ગામમાં ખુશીનો માહોલ છવાયો છે.
ભાવિના પટેલ હવે ગોલ્ડ મેડલને પોતાના નામે કરવા માટે 29 ઓગસ્ટે મેદાન પર ઉતરશે. ફાઇનલમાં પણ ભાવિના સામે ચીનનો પડકાર છે. ભાવિનાને ફાઇનલમાં ચીનની ઝાઉ યિંગ સામે બાથ ભીડવાની છે.
ભાવિના પટેલ પહેલા કોઇપણ ભારતીય ખેલાડી પેરાલિમ્પિક ગેમ્સમાં ટેબલ ટેનિસની ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચવામાં સફળ નથી રહ્યો.
ભાવિના પટેલે ફાઇનલમાં પ્રવેશતાની સાથે જ પીએમ મોદીએ ટ્વીટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. ગોલ્ડ મેડલ મેચ માટે એક મેસેજ પણ આપ્યો હતો.
ફાઈનલમાં પહોંચ્યા બાદ હવે ભાવિના ભારતીય સમય અનુસાર રવિવારે સવારે 7:30 કલાકે ગોલ્ડ માટે ચીનની ઝોઉ યિંગ સાથે રમશે.