GG vs DC WPL Match Result: દિલ્હી કેપિટલ્સેનો 10 વિકેટે વિજય, ગુજરાત સામે શેફાલીની આક્રમક અડધી સદી
Gujarat Giants vs Delhi Capitals WPL Match Result: ગુજરાત જાયન્ટ્સ ટીમની ટુર્નામેન્ટમાં ચોથી મેચ હતી જેમાં ત્રીજી હાર સહન કરી છે. જ્યારે દિલ્હીની ટીમે ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત નોંધાવી હતી.

શનિવારે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થઈ હતી. WPL 2023 ની 9મી મેચમાં ગુજરાતની કેપ્ટન સ્નેહ રાણાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ગુજરાતે ખરાબ શરુઆત કરી હતી. એક બાદ એક ઝડપથી 5 વિકેટ ગુમાવી દીધી હતી. નિર્ધારિત 20 ઓવરમાં 105 રન નોંધાવ્યા હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સે ઓપનર શેફાલી વર્માની આક્રમક અડધી સદી વડે લક્ષ્યને આસાનીનીથી પાર કરી લીધુ હતુ. માત્ર 7. 1 ઓવરમાં જ દિલ્હીની ટીમે 106 રનના લક્ષ્યને વિના વિકેટે પાર કરી લીધુ હતુ.
દિલ્હીની ટીમ ટૂર્નામેન્ટની મજબૂત ટીમો પૈકીની એક છે. પોઈન્ટ ટેબલમાં બીજુ સ્થાન ધરાવતી દિલ્હીની ટીમે ટૂર્નામેન્ટમાં માત્ર એક જ મેચમાં પરાજય સહન કર્યો છે. ગુજરાત સામે ટૂર્નામેન્ટમાં પોતાની ચોથી મેચ રમતા ત્રીજી જીત મેળવી હતી. દિલ્હીની ટીમે બોલિંગ, ફિલ્ડીંગ અને બેટિંગ એમ ત્રણેય વિભાગમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. જેને લઈ ગુજરાતની ટીમના ઈરાદાઓ મેચની શરુઆતથી જ ધોવાઈ ચુક્યા હતા.
શેફાલીની તોફાની અડધી સદી
રન ચેઝ કરવા માટે મેદાને આવેલ દિલ્હીની ઓપનર જોડીએ તોફાની રમતની શરુઆત કરી હતી. ખાસ કરીને શેફાલી વર્માએ આક્રમક અંદાજ દર્શાવ્યો હતો.તેણે શરુઆતથી જ બેટ ખોલીને રમત દર્શાવી હતી. શેફાલી વર્માએ 28 બોલમાં 76 રનની ઈનીંગ રમી હતી. જેમાં તેણે 5 વિશાળ છગ્ગા જમાવ્યા હતા. જ્યારે 10 ચોગ્ગા ફટકાર્યા હતા. શેફાલી વર્માની રમત શાનદાર રહી હતી. અને તેની રમતે દર્શકોને મોજ કરાવી દીધી હતી. કેપ્ટન મેગ લેનિંગે 15 બોલનો સામનો કરીને 21 રન નોંધાવ્યા હતા. લેનિંગે ત્રણ ચોગ્ગા જમાવ્યા હતા.
એક સમયે શેફાલીની રમત જોઈને લાગી રહ્યુ હતુ કે, પાવર પ્લેમાં જ લક્ષ્યને દિલ્હી પાર કરી લેશેય. જોકે પાવર પ્લે સમાપ્ત થવાના 7 બોલ બાદ જીત મેળવી લીધી હતી. આતશી ઈનીંગ શેફાલી દર્શાવી હતી. ગુજરાત જાયન્ટ્સની ટીમના બોલરો શેફાલીની રમત સામે લાચાર લાગી રહ્યા હતા.
ગુજરાતની કંગાળ રમત
બેટિંગ અને બોલિંગ બંને રીતે ગુજરાતની ટીમે કંગાળ રમત દર્શાવી હતી. પહેલા એક બાદ એક ઝડપથી વિકેટ ગુમાવી મુશ્કેલ શરુઆત રમતની કરી હતી. ટોસ જીતીને 105 રનનો સ્કોર 9 વિકેટના નુક્શાન પર નોંધાવ્યો હતો. મેરિઝાન કેપ્પે ગુજરાતના 5 ખેલાડીઓને પોતાના શિકાર બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં ગુજરાતના બોલરોએ ખૂબ રન લૂટાવ્યા હતા. એશ્લે ગાર્ડનરે એક જ ઓવરમાં 22 રન ગુમાવ્યા હતા. જ્યારે માનસી જોષીએ 2 ઓવરમાં 31, કિમ ગાર્થે 2 ઓવરમાં 20 રન, તનુજા કંવરે 2 ઓવરમાં 27 રન ગુમાવ્યા હતા.