SL vs BAN: બાંગ્લાદેશ સામે શ્રીલંકાની રોમાંચક જીત, નો-બોલની મદદથી સુપર-4માં પ્રવેશ
SL Vs BAN T20 Asia Cup : શ્રીલંકાએ હવે સુપર ફોરની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાન સામે લડવું પડશે, જેની સામે તેઓ પહેલેથી જ એક વખત હારી ચૂક્યા છે.

શ્રીલંકાએ આખરે એશિયા કપ 2022ના (Asia Cup 2022) બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. શ્રીલંકાએ (Sri Lanka) કરો યા મરો વાળી મેચમાં બાંગ્લાદેશને (Bangladesh) માત્ર 2 વિકેટથી હરાવીને સુપર ફોરમાં પ્રવેશ કર્યો હતો. આ રોમાંચક મુકાબલો છેલ્લી ઓવર સુધી ચાલ્યો હતો, જ્યાં મેચનો વિજયી રન, નો-બોલની મદદથી શ્રીલંકાના ખાતામાં આવ્યો હતો. મેચ પહેલા બંને ટીમના ખેલાડીઓ, કોચ અને પૂર્વ ખેલાડીઓ વચ્ચે ઉગ્ર શાબ્દિક યુદ્ધનો માહોલ સર્જાયો હતો અને પછી મેદાન પરની મેચ પણ આ વાતાવરણને બંધબેસતી હતી, જ્યાં બંને ટીમોએ ભૂલો પણ કરી હતી અને સારી રમત પણ દર્શાવી હતી.
ગુરૂવારે 1 સપ્ટેમ્બરે દુબઈમાં રમાયેલી શ્રીલંકા વિરુદ્ધ બાંગ્લાદેશ વચ્ચેની મેચ બંને ટીમો માટે મહત્વની હતી. આ બંનેને ગ્રુપ સ્ટેજની પોતાની પ્રથમ મેચમાં અફધાનિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ આ મેચમાં બંને માટે જીત જરૂરી હતી. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશે તેના મિડલ ઓર્ડર અને લોઅર ઓર્ડરના બેટ્સમેનોની મદદથી 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા, જે શ્રીલંકાએ આઠ વિકેટના ભોગે હાંસલ કરીને એશિયા કપ T20માં સૌથી સફળ રન ચેઝ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
મિડલ ઓર્ડરે ઇનિંગ્સ સંભાળી
બાંગ્લાદેશે ત્રીજી ઓવરમાં જ તેની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ કેપ્ટન શાકિબ અલ હસન અને ઓપનર મેહદી હસન મિરાજે 24 બોલમાં 39 રન જોડીને રનની ગતિ ઝડપી બનાવી હતી. જોકે, મિરાજ અને મુશફિકુર રહીમ સતત બે ઓવરમાં આઉટ થયા હતા, જ્યારે શાકિબે 11મી ઓવરમાં 87 રનના સ્કોર પર આઉટ થયો હતો. આવી સ્થિતિમાં અફીફ હુસૈન (39 રન, 22 બોલ), મેહમુદુલ્લાહ (27 રન) અને મોસાદ્દક હુસૈને જોરદાર ઇનિંગ્સ રમીને ટીમને 183ના સ્કોર સુધી પહોંચાડી હતી.
શ્રીલંકાને ઈબાદતે આપ્યો આંચકો
જવાબમાં પથુમ નિસાંકા અને કુસલ મેન્ડિસે શ્રીલંકા માટે સારી શરૂઆત કરી હતી અને છઠ્ઠી ઓવર સુધી 45 રન જોડ્યા હતા. મેચ પહેલા શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ માત્ર શાકિબ અલ હસન અને મુસ્તાફિઝુર રહેમાનને અફઘાનિસ્તાન માટે વર્લ્ડ ક્લાસ બોલર તરીકે નામ આપ્યા હતા, પરંતુ મેન્ડિસે શાકિબની ઓવરમાં 18 રન ફટકારીને શરૂઆતમાં આ બંનેને સૌથી વધુ ફટકાર્યા હતા. તેનાથી વિપરીત, ઝડપી બોલર ઇબાદત હુસૈન (3/51) એ શ્રીલંકા માટે મુશ્કેલી ઊભી કરી અને એક જ ઓવરમાં નિસાંકા અને ચરિત અસલંકાની વિકેટ મેળવી. થોડી જ વારમાં ઈબાદતે ગુણતિલકાને પણ પોતાનો શિકાર બનાવી લીધો.
મેન્ડિસ-શનાકા અને ફર્નાન્ડોની અદ્ભુત
નવમી ઓવર સુધીમાં, શ્રીલંકાએ 77 રનમાં ભાનુકા રાજપક્ષે સહિત 4 વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં, કેપ્ટન શનાકા (45 રન, 33 બોલ, 3 ચોગ્ગા, 2 છગ્ગા) અને મેન્ડિસ (60 રન, 37 બોલ, 4 ચોગ્ગા, 3 છગ્ગા) વચ્ચે મજબૂત ભાગીદારી જોવા હતી. મેન્ડિસને આ દરમિયાન 4 વખત લાઈફલાઈન મળી, જેમાં તેનો એક કેચ ચૂકી જવાયો હતો. તો નો-બોલ ઉપર પણ આઉટ થયો હતો, એક વખત તે કેચ આઉટ હોવા છતા, બાંગ્લાદેશના કોઈ ખેલાડીએ અપીલ ન કરી અને પછી રન આઉટની તક ગુમાવી. મેન્ડિસે 32 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને શનાકા સાથે મળીને 34 બોલમાં 54 રન આપ્યા. જોકે, શ્રીલંકાએ આગામી 20 બોલમાં બંને વિકેટ ગુમાવી દીધી હતી.