વિરાટ કોહલી જ્યારે પણ ક્રિઝ પર આવે છે ત્યારે કોઈને કોઈ રેકોર્ડ ચોક્કસપણે તોડતો હોય છે. અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં પણ કંઈક આવું જ બન્યું હતું. વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી બાઉન્ડ્રી ફટકારતાની સાથે જ ઘર આંગણા પર સૌથી ઝડપી 5000 રન બનાવનાર ખેલાડી બની ગયો હતો.
વિરાટ કોહલીએ માત્ર 96 ઇનિંગ્સમાં ઘરઆંગણે 5000 ODI રન પૂરા કર્યા. વિરાટ કોહલીએ 5000 રન માટે 121 ઇનિંગ્સ રમનાર સચિનનો રેકોર્ડ તોડ્યો હતો. જ્યારે જેક્સ કાલિસે 130 અને રિકી પોન્ટિંગે 138 રનની ઇનિંગ્સ રમી હતી.
વિરાટ કોહલી ઘરેલુ ધરતી પર 5000 ODI રન બનાવનાર ચોથો બેટ્સમેન છે. સચિન તેંડુલકરે ઘરઆંગણે સૌથી વધુ 6976 રન બનાવ્યા છે. પોન્ટિંગના નામે 5406, કાલિસના નામે 5178 રન છે.
વિરાટ કોહલીએ ઘરઆંગણે 60.25ની એવરેજથી 5000 રન બનાવ્યા છે. વિશ્વનો અન્ય કોઈ બેટ્સમેન 50ની એવરેજ સાથે પણ આ કારનામું કરી શક્યો નથી. સચિને ઘરઆંગણે 48.11ની એવરેજથી 6976 રન બનાવ્યા છે.
જોકે, અમદાવાદમાં પ્રથમ બે બોલમાં બે ચોગ્ગા મારવા છતાં વિરાટ કોહલી મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. વિરાટ કોહલીએ 8 રનમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. અલઝારી જોસેફના બાઉન્સરે તેને પેવેલિયન પરત ફરવાની ફરજ પાડી હતી.