US-Venezuela Tension : અમેરિકાના વેનેઝુએલા પર હુમલાની… ભારતીય શેરબજાર, સોના-ચાંદી અને ક્રૂડ ઓઇલ પર શું અસર પડશે? જાણો
યુએસ-વેનેઝુએલા વચ્ચેના તણાવે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધારી છે. આનાથી રોકાણકારો સુરક્ષિત વિકલ્પો જેવા કે સોના અને ચાંદી તરફ વળી રહ્યા છે, જેના પરિણામે તેમના ભાવોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી શકે છે.

વેનેઝુએલા પર અમેરિકાના લશ્કરી હુમલાને લઈને વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધી છે. અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે વધતા તણાવની સીધી અસર આંતરરાષ્ટ્રીય નાણાકીય બજારો પર પડી શકે છે. આવી પરિસ્થિતિમાં રોકાણકારો જોખમી રોકાણોથી દૂર રહીને સુરક્ષિત વિકલ્પો તરફ વળે છે, જેના કારણે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં માંગ વધવાની સંભાવના રહે છે.

ભૂરાજકીય તણાવ વધે ત્યારે ઇતિહાસે સાબિત કર્યું છે કે શેરબજાર પર દબાણ વધે છે, જ્યારે સોના અને ચાંદી જેવા સુરક્ષિત રોકાણ વિકલ્પોમાં તેજી જોવા મળે છે. અગાઉ રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યારે વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે સોના અને ચાંદીના ભાવોમાં નોંધપાત્ર વધારો થયો હતો. એ જ પ્રકારની સ્થિતિ હવે યુએસ-વેનેઝુએલા કટોકટીમાં સર્જાઈ શકે છે.

ભારતીય બજાર પર તેની સીધી અસર મર્યાદિત રહેવાની શક્યતા છે, કારણ કે વેનેઝુએલાની અર્થવ્યવસ્થા ભારતીય શેરબજારને મોટો ફટકો પહોંચાડે એટલી વિશાળ નથી. તેમ છતાં, ટૂંકા ગાળામાં ભારતીય બુલિયન બજારમાં અસ્થિરતા જોવા મળી શકે છે અને શેરબજારમાં હળવી નકારાત્મક અસર પણ થઈ શકે છે.

અહેવાલો અનુસાર, યુએસના આ પગલાથી વૈશ્વિક અનિશ્ચિતતા વધી છે, જેનો સીધો લાભ સોના અને ચાંદીને મળી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં COMEX પર સોનાનો ભાવ પ્રતિ ઔંસ 4,380 ડોલર સુધી પહોંચી શકે છે, જ્યારે ચાંદીના ભાવ પ્રતિ ઔંસ 75 થી 78 ડોલર સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક બજારમાં MCX પર સોનું પ્રતિ 10 ગ્રામ લગભગ ₹1,40,000 અને ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹2,45,000 સુધી પહોંચી શકે છે. 3 જાન્યુઆરીએ MCX પર સોનાનો ભાવ ₹1,35,752 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ ₹2,36,599 પ્રતિ કિલોગ્રામ નોંધાયો હતો.

અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે યુએસ-વેનેઝુએલા કટોકટીના કારણે કેટલાક મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગો જોખમમાં આવી શકે છે. આ માર્ગોનો ઉપયોગ વિશ્વના મુખ્ય ચાંદી નિકાસક દેશો કરે છે. પરિણામે ચાંદીના વૈશ્વિક પુરવઠા પર અસર પડી શકે છે, જેનાથી તેના ભાવને વધુ ટેકો મળી શકે છે. આ પરિસ્થિતિમાં સોનાની સરખામણીમાં ચાંદીમાં વધુ ઝડપી ભાવ પ્રતિક્રિયા જોવા મળવાની સંભાવના છે.

તેલની વાત કરીએ તો, વેનેઝુએલા વિશ્વના સૌથી મોટા તેલ ભંડાર ધરાવતો દેશ છે, જેમાં અંદાજે 303 અબજ બેરલ તેલનો જથ્થો છે. કોઈપણ મોટા તેલ ઉત્પાદક દેશમાં તણાવ વધે ત્યારે વૈશ્વિક તેલ પુરવઠા અંગે ચિંતા વધે છે અને ભાવોમાં અસ્થિરતા આવે છે. જોકે ભારત અગાઉ વેનેઝુએલાનું તેલ ખરીદતું હતું, પરંતુ યુએસ પ્રતિબંધોને કારણે હાલમાં ભારત વેનેઝુએલા પાસેથી લગભગ કોઈ તેલ આયાત કરતું નથી. તેથી હાલની પરિસ્થિતિનો ભારતના તેલ પુરવઠા પર મોટો પ્રભાવ પડતો હોવાનું લાગતું નથી.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)
વેનેઝુએલા પર હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું સૌથી પહેલું નિવેદન, કહ્યું.. હવે અમેરિકા કરશે શાસન
