Stock Market : સોમવારે વાગશે ડંકો ! નરેન્દ્ર મોદીની આ 9 જાહેરાતોથી શેરબજાર ‘ફુલ એક્શન મોડમાં’, જાણો કયા સ્ટોક ચમકી શકે છે
15 ઓગસ્ટના રોજ પીએમ મોદીએ ભારતના આગામી વિકાસ અધ્યાય માટેનો રોડમેપ રજૂ કર્યો હતો. આ રોડમેપથી રોકાણકારોને આશા છે કે, સ્ટોક માર્કેટ સોમવારે એટલે કે 18 ઓગસ્ટના રોજ તેજી જોવા મળી શકે છે.

79માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી પોતાના 12માં સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના આગામી વિકાસ અધ્યાય માટેનો રોડમેપ રજૂ કર્યો. મોદીનો સંદેશ સ્પષ્ટ હતો કે, ભારત પોતાનું ભાગ્ય પોતે લખશે, પોતાના નિયમો પોતે નક્કી કરશે અને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધશે.

1. આ વર્ષના અંત સુધીમાં ભારતમાં પહેલી મેડ ઇન ઇન્ડિયા ચિપ: પીએમ મોદીએ કહ્યું હતું કે, 50-60 વર્ષ પહેલાં ભારતમાં સેમિકન્ડક્ટર ફેક્ટરી સ્થાપવાના પ્રયાસોને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા, જ્યારે અન્ય દેશો આગળ વધ્યા હતા. ભારત હાલ મિશન મોડમાં છે અને આ વર્ષના અંત સુધીમાં પહેલી સ્વદેશી ચિપ તૈયાર થઈ જશે તેવી સંભાવના છે.

સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ડિઝાઇન અને ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇન સાથે સંકળાયેલી કંપનીઓ માટે પોઝિટિવ સેન્ટિમેન્ટ્સ છે. ઘરેલુ ચિપ ઉત્પાદન 'આયાત નિર્ભરતા' ઘટાડશે, જેનાથી ઇલેક્ટ્રોનિક્સ, ઓટો, મોબાઇલ અને ડિફેન્સ સેક્ટરનો ખર્ચ ઘટશે. મીડિયા રિપોર્ટસ અનુસાર વેદાંતા, ટાટા એલેક્સી, ડિક્સન ટેક્નોલોજીસ, સિર્મા SGS, SPEL સેમિકન્ડક્ટર, મોસ્ચિપ ટેક્નોલોજીસ સ્ટોક વધુ ચર્ચામાં રહેશે.

2. પરમાણુ ઉર્જા ક્ષમતામાં 10 ગણા ગ્રોથનો લક્ષ્ય: આગામી 20 વર્ષમાં ન્યુક્લિયર પાવર જનરેશન ક્ષમતામાં 10 ગણો વધારો કરવાનો લક્ષ્યાંક છે. આ માટે, 10 નવા પરમાણુ રિએક્ટર પર કામ ચાલી રહ્યું છે. આમાં ન્યુક્લિયર પાવર પ્લાન્ટ EPC (એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રકશન) કંપનીઓ, ટર્બાઇન અને રિએક્ટર સાધનો સપ્લાયર્સ અને યુરેનિયમ ખાણકામ કંપનીઓને ફાયદો થઈ શકે છે. એવામાં લાર્સન એન્ડ ટુબ્રો, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ (BHEL), હિન્દુસ્તાન એરોનોટિક્સ (HAL), ન્યુક્લિયર પાવર કોર્પોરેશન (PSU સપ્લાયર્સ), હિન્દુસ્તાન કોપર, NMDC અને MOIL જેવા શેર્સ પર લોકોનું ધ્યાન હશે.

3. દિવાળી પર GSTને લઈને સુધારો: દિવાળી પર આગામી પેઢીના GST સુધારાઓની જાહેરાત કરવામાં આવશે, જે આવશ્યક ચીજવસ્તુઓ પરના ટેક્સ ઘટાડશે અને MSME તેમજ સામાન્ય ગ્રાહકોને રાહત આપશે. કર ઘટાડાના કારણે FMCG, રિટેલ, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને MSME ક્ષેત્રોમાં માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. FMCG ક્ષેત્રમાં HUL, ITC, ડાબર અને મેરિકો જેવી કંપનીઓને તેનો ફાયદો મળી શકે છે. આ સિવાય હેવેલ્સ, ક્રોમ્પ્ટન અને વ્હર્લપૂલ જેવી બ્રાન્ડ્સને પણ લાભ થઈ શકે છે. રિટેલ ક્ષેત્રમાં એવન્યુ સુપરમાર્ટ્સ (DMart) અને V-Mart રિટેલ જેવી કંપનીઓ પર સકારાત્મક પ્રભાવ પડી શકે છે.

4. $10 ટ્રિલિયન ભારત માટે રિફોર્મ ટાસ્ક ફોર્સ: એક ખાસ રિફોર્મ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે, જેનો ધ્યેય આર્થિક વિકાસને વેગ આપવા, શાસનને આધુનિક બનાવવા અને વર્ષ 2047 સુધીમાં ભારતને $10 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ સર્વિસ, બેંકિંગ, લોજિસ્ટિક્સ અને ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસથી લગતા ક્ષેત્રોને ફાયદો થશે. આમાં L&T, અદાણી પોર્ટ્સ, IRB ઇન્ફ્રા, KNR કન્સ્ટ્રક્શન્સ, TCS, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા,HDFC બેંક, ICICI બેંક અને SBIના સ્ટોક્સ પર દરેકની નજર રહેશે.

5. ₹1 લાખ કરોડ પીએમ વિકસિત ભારત રોજગાર યોજના: આ યોજના હેઠળ 3 કરોડ યુવાનોને લાભ થશે. નવી નોકરી મેળવનારાઓને દર મહિને ₹15,000 આપવામાં આવશે. આનો ઉદ્દેશ રોજગાર વધારવાનો અને સ્વતંત્ર ભારતથી સમૃદ્ધ ભારતમાં આગળ વધવાનો છે. જોબ ક્રિએશનથી ગ્રાહક ખર્ચમાં વધારો થશે, જેનાથી ઓટો, રિયલ એસ્ટેટ, બેંકિંગ, કન્ઝ્યુમર ગુડ્સની માંગ વધશે. એવામાં મારુતિ સુઝુકી, એમ એન્ડ એમ, ટાટા મોટર્સ, ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટીઝ, સનટેક રિયલ્ટી, એવન્યુ સુપરમાર્ટ્સ, આઇટીસી અને એચયુએલ જેવા સ્ટોક્સ સારું પ્રદર્શન કરી શકે છે.

6. હાઈ-પાવર્ડ ડેમોગ્રાફી મિશન: આ મિશન સરહદી વિસ્તારોમાં ઘૂસણખોરી અને ગેરકાયદેસર સ્થળાંતરને કારણે થતા વસ્તી વિષયક અસંતુલનને દૂર કરવા માટે ચલાવવામાં આવશે. આનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાનો છે.

7. ઉર્જા આત્મનિર્ભરતા - સમુદ્ર મંથનની શરૂઆત: ભારતનું મોટું બજેટ હજુ પણ પેટ્રોલ, ડીઝલ અને ગેસની આયાત પર ખર્ચાય છે. આ માટે, રાષ્ટ્રીય ડીપવોટર એક્સપ્લોરેશન મિશન શરૂ કરવામાં આવશે. આ સાથે સૌર, હાઇડ્રોજન, હાઇડ્રો અને ન્યુક્લિયર પાવર માટે ખાસ વિસ્તરણ થશે. આની અસરથી ડીપવોટર ઓઇલ અને ગેસ એક્સપ્લોરેશન, ઓફશોર ડ્રિલિંગ, રિન્યુએબલ એનર્જી કંપનીઓને ફાયદો થશે. ટૂંકમાં ONGC, ઓઇલ ઇન્ડિયા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અદાણી ગ્રીન, NTPC, ટાટા પાવર અને JSW એનર્જી જેવા શેર્સ પોતાની ધાક જમાવી શકે છે.

8. મેડ ઇન ઇન્ડિયા જેટ એન્જિન - પીએમ મોદીએ વૈજ્ઞાનિકો અને યુવાનોને પડકાર ફેંક્યો કે, જેમ આપણે કોવિડ દરમિયાન રસી બનાવી અને UPI દ્વારા ડિજિટલ પેમેન્ટની ક્રાંતિ લાવ્યા, તેવી જ રીતે હવે આપણે આપણા પોતાના જેટ એન્જિન બનાવવા જોઈએ. આનાથી એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગ, HAL સપ્લાયર્સ, પ્રિસિઝન એન્જિનિયરિંગ જેવી કંપનીઓને ફાયદો થશે. આથી HAL, ભારત ફોર્જ, MTAR ટેક્નોલોજીસ, ડાયનેમેટિક ટેક્નોલોજીસ અને પારસ ડિફેન્સ જેવા સ્ટોક્સ માર્કેટમાં સારું પ્રદર્શન કરી શકે છે.

9. દેશભરમાં 1200 થી વધુ સ્થળોએ ક્રિટિકલ ખનિજોનું સંશોધન ચાલુ છે- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત મહત્વપૂર્ણ ખનિજોના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ પણ ઝડપથી કામ કરી રહ્યું છે. દેશભરમાં 1200 થી વધુ સ્થળોએ મહત્વપૂર્ણ ખનિજોનું સંશોધન ચાલી રહ્યું છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
