નીરજ ચોપરા ડાયમંડ લીગ 2025ની ફાઇનલમાં પહોંચ્યો, ટાઇટલ મેચ ઝુરિચમાં રમાશે
ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ ડાયમંડ લીગ 2025ની ફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. સિલેસિયા લેગ પછી જાહેર કરાયેલા નવા સ્ટેન્ડિંગમાં નીરજે 15 પોઈન્ટ સાથે ટાઇટલ મેચ માટે ક્વોલિફાય કર્યું.

ભારતના સ્ટાર જેવલિન થ્રો ખેલાડી નીરજ ચોપરાએ આ મહિનાના અંતમાં ઝુરિચમાં યોજાનારી ડાયમંડ લીગ 2025 ની ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે.નીરજ ચોપરાએ 16 ઓગસ્ટના રોજ યોજાયેલા સિલેસિયા લેગમાં ભાગ લીધો ન હતો, પરંતુ તે પહેલાં યોજાયેલા 2 ડાયમંડ લીગ લેગમાં તેણે કુલ 15 પોઈન્ટ બનાવ્યા હતા.

સિલેસિયા લેગ પછી જાહેર કરાયેલા નવા સ્ટેન્ડિંગમાં ફાઇનલ માટે નીરજ ચોપરાનું નામ કન્ફર્મ થયું હતું.

સ્વિઝરલેન્ડના ઝુરિચમાં નીરજ ચોપરા 27 અને 28 ઓગસ્ટના રોજ થનારા ગ્રાન્ડ ફિનાલે માટે પોતાનું સ્થાન પાક્કું કરી ચૂક્યો છે. જેમાં 28 ઓગસ્ટના રોજ પુરુષોની ભાલા ફેંક સ્પર્ધા ( જેવલિન થ્રો) યોજાશે. જે 2025 ડાયમંડ લીગ ચેમ્પિયન નક્કી કરશે.

ગત વિશ્વ ચેમ્પિયન નીરજ ચોપરાએ આ વખતે ડાયમંડ લીગનો પેરિસ લેગ 88.16 મીટરના થ્રો સાથે જીત્યો હતો.

ડાયમંડ લીગમાં નીરજ ચોપરાના પ્રદર્શનને લઈ વાત કરવામાં આવે તો તે એક વખત ખિતાબ પોતાને નામ કરી ચૂક્યો છે. નીરજે વર્ષ 2022ના ડાયમંડ લીગનો ખિતાબ જીત્યો હતો. તેમજ વર્ષ 2023 અને 2024માં રનર્સ-અપ રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે, નીરજ ચોપરાએ સિલેસિયા લેગમાંથી બહાર થવાનો નિર્ણય લીધો હતો. તેની પાછળનું તેમણે કોઈ કારણ બતાવ્યું નથી. તેમજ ઝુરિચમાં ફાઈનલમાં ભાગ લેશે કે, નહી તેને લઈને પણ હજુ કાંઈ નક્કી નથી.
ગોલ્ડન બોય નીરજ ચોપરાના પરિવારે તેમજ રમતગમતથી લઈને પર્સનલ લાઈફ વિશે જાણીએ અહી ક્લિક કરો
