Sabarkantha: હિંમતનગર શહેરમાં નવા TP રોડ ખૂલ્લા મુકવામાં આવ્યા, કેનાલ ફ્રન્ટમાં શરુ કરાઈ નવી સુવિધા
હિંમતનગર શહેરના મધ્યમાં મોડલ કેનાલ ફ્રન્ટ આવેલ છે. જેનુ લોકોમાં આકર્ષણ વધ્યુ છે અને જેને લઈ સવારે અને સાંજે મોટી સંખ્યામાં લોકો ચાલવા માટે પણ આવતા હોય છે. જેને લઈ હવે તેની સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથકે વિકાસના કાર્યોની શરુઆત થવા લાગી છે. શહેરમાં નવા નિર્માણ થયેલા 3 TP રોડના લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. શહેરમાં TP રોડના નવા નિર્માણ કરવાને લઈ શહેરીજનોને માટે મોટો હાશકારો સરળ અને સુવિધાનજનક રસ્તાઓને લઈ થયો છે. આ ઉપરાંત કેનાલ ફ્રન્ટ પર સાયકલ રાઈડીંગની શરુઆત કરવામાં આવી છે. શહેરના સુંદર હાથમતી કેનાલ ફ્રન્ટને હવે વધુ સુવિધાજનક અને સુંદર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

શહેરમાં વિવિધ નવા વિકાસ કાર્યોનુ પણ લોકાર્પણ કરવામાં આવ્યુ છે. જેને લઈ આગામી દિવસોમાં પણ વધુ નવા વિકાસકાર્યોની ભેટ શહેરને મળનારી છે. હિંમતનગર નગર પાલિકા દ્વારા શહેરમાં નવા વિકાસ કાર્યોની રુપ રેખા તૈયાર કરવાં આવી રહી છે. પૂર્વ કાયદા પ્રધાન અને વર્તમાન ધારાસભ્ય વિડી ઝાલાએ કેટલાક નવા કાર્યોને લઈ કાર્યવાહી હાથ ધરી છે. આમ નવી સુવિધાઓ અને વિકાસ કાર્યો શહેર અને તાલુકામાં શરુ થશે.

હિંમતનગર શહેરમાં આવેલા સુંદર હાથમતી કેનાલ ફ્રન્ટ મોડલ વિકાસ કાર્ય છે. જેને હવે વધુ વિકસાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે કેનાલ ફ્રન્ટ પર કામગીરી શરુ કરવામાં આવી છે, જેથી સવારે અને સાંજે મોટી સંખ્યામાં રહેલા લોકોને સુવિધાઓ મળી રહે. ચાલવા લોકોનો ધસારો મોટો રહેતો હોય છે, હવે કેલાનફ્રન્ટ પર સાયકલિંગ પણ શરુ કરવામાં આવ્યુ છે. જેનુ લાકોપર્ણ ધારાસભ્ય વિડી ઝાલા અને સિદ્ધાર્થ પટેલે કર્યુ હતુ. સિદ્ધાર્થ પટેલે કહ્યુ હતુ, બાળકો અને યુવાનો માટે વધુ સુવિધાઓ અહીં લાગુ કરવા માટે આયોજન થઈ રહ્યુ છે.

શહેરમાં ત્રણ નવા TP રોડ નિર્માણ કરવામાં આવ્યા છે. આ રોડને લઈ શહેરના મોટા રહેણાંક વિસ્તારને શહેરમાં અવરજવર કરવા માટે મોટી સરળતા મળી રહેશે. આ સાથે જ તેની આસપાસના વિસ્તારોનુ વિકાસ કાર્ય પણ ધમધમવા લાગશે. શહેરમાં આ ત્રણેય માર્ગ સાડા પાંચ કરોડને ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે શહેરમાં વધુ સાડા ત્રણેક કરોડ રુપિયાની કિંમતના વિકાસ કાર્યોની શરુઆત કરી છે. ધારાસભ્ય વિડી ઝાલાએ કહ્યુ હતુ, શહેરની કાયાપલટ કરવા રુપ પ્રયાસ કરવામાં આવશે, જેની શરુઆત થઈ ચુકી છે.

હિંમતનગર શહેર અને તાલુકામાં વિકાસની ગતિ ઝડપી બનાવવા માટે પ્રયાસ કરવામાં આવશે. આ માટે થઈને રુપરેખા ગત જાન્યુઆરી માસમાં ટાઉન હોલમાં તાલુકા અને શહેરના અગ્રણીઓને સ્થાનિકોની હાજરીમાં તૈયાર કરવામાં આવી હતી. જે મુજબ નવા વિકાસ કાર્યો હાથ ધરાશે. જેમાં કેનાલફ્રન્ટનો બીજો તબક્કો ઝડપથી શરુ કરાશે અને HUDA ઝડપથી લાગુ કરવા સહિત સાબર યુનિવર્સિટીની શરુઆત કરવા પ્રયાસ કરવામાં આવશે.