ભગવાન જગન્નાથના આગમનને આવકારવા માટે મોસાળમાં શરૂ થઈ ભવ્ય તૈયારીઓ, આ વખતે પ્રથમવાર રંગોળીથી લઈને 56 ભોગ સહિતનું આયોજન- જુઓ તસવીરો
ભગવાન જગન્નાથજીના મોસાળ એવા અમદાવાદના સરસપુરમાં આવેલા રણછોડરાયજી મંદિર ખાતે ભાણેજના આગમનને લઈને તેજ ગતિએ ભવ્ય તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલા પરંપરાગત રીતે ભગવાન પોતાના મોસાળ પધારે છે, જેને લઈ સમગ્ર સરસપુરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યુ છે.


ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલા પરંપરાગત રીતે ભગવાન પોતાના મોસાળ પધારે છે, જેને લઈ સમગ્ર સરસપુરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યુ છે.

આ વર્ષે સૌથી વિશિષ્ટ વાત એ છે કે મુખ્ય માર્ગ થી લઈને મંદિર સુધીના માર્ગ પર ર પ્રથમવાર 50 મીટરની લાંબી કલાત્મક રંગોળી બનાવવામાં આવી છે.

મુખ્ય ચાર રસ્તા થી મંદિર સુધીના પરિસર માં રસ્તા ઉપર કલાત્મક રંગોળીઓ કરવામાં આવી છે. દરેક રંગોળીમાં પરંપરાગત અને આધુનિક્તાનું મિશ્રણ જોવા મળે છે.

મંદિરના પ્રવેશદ્વાર પર લાલ કપડાનો વિશાળ ડોમ ઊભો કરવામાં આવ્યો છે.

જેમાં ઝુમ્મર, ફૂલોની ડિઝાઈન અને રંગીન લાઈટિંગથી વિશેષ શણગાર થયો છે. સમગ્ર માર્ગ અને મંદિર પરિસર રંગીન રોશની ઝગારા મારી રહ્યો છે.

આ વર્ષે રણછોડરાયજી મંદિરમાં પ્રથમવાર ભગવાન જગન્નાથને 56 પ્રકારના ભોગ ધરાવવામાં આવશે. વિવિધ મીઠાઇઓ, ફળો અને પારંપરિક વાનગીઓ સાથે તૈયાર કરાયેલા આ ભોગને લઈને ભક્તોમાં ખાસ ઉત્સાહ છે.

મોસાળના મંદિર પરિસરમાં 11 જૂનથી 26 જૂન સુધી વિવિધ ભજન મંડળો દ્વારા ભજન-કીર્તનના કાર્યક્રમો યોજાશે. ભાવભીનાં ભજનો અને ઘૂન સાથે ભક્તો રાત્રિના સમયે ભજનોની રમઝટ બોલાવી વ્હાલાના વધામણા કરશે.

નાથની નગરચર્યામાં શોભામાં અભિવૃદ્ધિ કરતા ગજરાજને શણગારવાની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે.






































































