Breaking News: પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર જંગ, તાલિબાને પાકિસ્તાન વાયુસેનાનું વિમાન તોડી પાડ્યું
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે! પાકિસ્તાની એરસ્ટ્રાઈકના જવાબમાં તાલિબાની દળોએ સરહદ પાર કરીને હુમલો કર્યો. 55 પાકિસ્તાની સૈનિકોના મોત અને વિમાન તોડી પાડ્યાના સમાચારથી ખળભળાટ.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની વર્ષો જૂની સરહદી દુશ્મનાવટ હવે એક ભયાનક વળાંક પર આવી ગઈ છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈકના જવાબમાં અફઘાનિસ્તાનના સત્તાધારી તાલિબાન જૂથે વળતો મોરચો ખોલી દીધો છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, આ અથડામણ માત્ર સરહદી ગોળીબાર સુધી મર્યાદિત નથી રહી, પરંતુ હવે તે ‘પૂર્ણ કક્ષાના યુદ્ધ’ (Full-scale War) જેવી સ્થિતિમાં પરિવર્તિત થઈ છે.
અફઘાનિસ્તાનના ઇસ્લામી અમીરાતના પ્રવક્તાઓએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની વાયુસેનાના વિમાનોએ અફઘાનિસ્તાનની અંદર ઘૂસીને કાબુલ, પવિત્ર શહેર કંદહાર અને પક્તિયા પ્રાંતમાં બોમ્બમારો કર્યો છે.
પાકિસ્તાની ફાઈટર જેટ તોડી પાડવાનો દાવો
આ ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે સુરક્ષા સૂત્રોએ ‘ટોલો ન્યૂઝ’ ને માહિતી આપી કે અફઘાન સંરક્ષણ દળોએ પાકિસ્તાનનું એક યુદ્ધ વિમાન (Fighter Jet) તોડી પાડ્યું છે. આ વિમાન અફઘાન એરસ્પેસનું ઉલ્લંઘન કરીને હુમલો કરવા આવ્યું હતું. જો આ સમાચારની પુષ્ટિ પાકિસ્તાન તરફથી પણ કરવામાં આવે, તો તે દક્ષિણ એશિયાની ભૂ-રાજકીય સ્થિતિમાં મોટો ભૂકંપ લાવી શકે છે. તાલિબાનના પ્રવક્તા હમદુલ્લા ફિતરતે પાકિસ્તાની સેનાને ‘ડરપોક’ ગણાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે આ હુમલાની નિંદા કરી છે.
સરહદ પર તાલિબાનનો મોટો વિજય અને જાનહાનિ
અફઘાનિસ્તાન સરકારે દાવો કર્યો છે કે ગુરુવારની રાત્રે તેમના સૈનિકોએ વળતો પ્રહાર કરતા પાકિસ્તાનની સરહદની અંદર ઘૂસીને અંદાજે 19 જેટલી સૈન્ય ચોકીઓ અને એક સૈન્ય મુખ્યાલય (Headquarters) પર પોતાનો કબજો જમાવી લીધો છે. આ ભીષણ લડાઈમાં પાકિસ્તાનના 55 સૈનિકો માર્યા ગયા હોવાનો અફઘાનિસ્તાનનો દાવો છે. અફઘાન રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, પાંચ અલગ-અલગ પ્રાંતોમાં આ જવાબી કાર્યવાહી ચાલી રહી છે. ડ્યુરન્ડ રેખા (Durand Line) પર થઈ રહેલો આ હુમલો પાકિસ્તાન માટે રણનીતિક દ્રષ્ટિએ મોટો ફટકો સાબિત થઈ શકે છે.
રાજકીય નિવેદનો અને વૈશ્વિક ચિંતા
અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, પાકિસ્તાને તેની દાયકાઓ જૂની હિંસક નીતિ બદલવી પડશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અફઘાન નાગરિકો પોતાની માતૃભૂમિની રક્ષા માટે એકજૂથ છે અને કોઈપણ વિદેશી શક્તિના અત્યાચારને સહન કરવામાં આવશે નહીં.
બીજી તરફ, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ ઘટનાને પાકિસ્તાનની સાર્વભૌમત્વ પરનો હુમલો ગણાવ્યો છે. ઝરદારીએ સ્પષ્ટ કર્યું છે કે તેમની સેના આતંકવાદ અને વિદેશી આક્રમણ સામે કડક હાથે લડશે. પાકિસ્તાની સરકારનું કહેવું છે કે તેમણે માત્ર તે વિસ્તારોને નિશાન બનાવ્યા હતા જ્યાં આતંકવાદીઓ આશરો લઈ રહ્યા છે. જોકે, અફઘાનિસ્તાનની જમીન પર સૈન્ય મથકો કબજે કરવાના દાવાને પાકિસ્તાને સત્તાવાર રીતે નકારી કાઢ્યો છે અને આ હુમલાને ‘બિનઉશ્કેરણીજનક’ (Unprovoked) ગણાવ્યો છે.