Calcium Rich Foods : દૂધ જ નહીં ! આ 6 ભારતીય ફૂડ્સમાં મળે છે વધુ કેલ્શિયમ, હાડકાં રહેશે મજબૂત
હાડકાંને મજબૂત રાખવા માટે માત્ર દૂધ પર નિર્ભર રહેવાની જરૂર નથી. આપણા પરંપરાગત આહારમાં તલ, રાગી અને રાજગરા જેવા અનેક ખાદ્યપદાર્થો છે, જે કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે અને હાડકાંના સ્વાસ્થ્યને ટેકો આપી શકે છે.

હાડકાં અને દાંતને લાંબા સમય સુધી મજબૂત રાખવા માટે કેલ્શિયમ સૌથી મહત્વપૂર્ણ પોષક તત્ત્વોમાંનું એક માનવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે કેલ્શિયમની વાત આવે છે ત્યારે સૌપ્રથમ દૂધનું નામ યાદ આવે છે. જોકે પોષણ નિષ્ણાતોનું કહેવું છે કે આપણા રોજિંદા ભારતીય આહારમાં એવી ઘણી વસ્તુઓ છે, જે શરીરને પૂરતું કેલ્શિયમ આપી શકે છે. કેટલાક ખાદ્યપદાર્થોમાં તો દૂધ કરતાં પણ વધુ કેલ્શિયમ જોવા મળે છે.

જો તમે દૂધ પીવાનું પસંદ કરતા ન હોવ અથવા લેક્ટોઝ ઇન્ટોલરન્સ જેવી સમસ્યા હોય, તો આ ખાદ્યપદાર્થોને ડાયટમાં સામેલ કરીને પણ શરીરની કેલ્શિયમની જરૂરિયાત પૂરી કરી શકાય છે.

નાના દેખાતા તલ પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. તેમાં કેલ્શિયમની સાથે મેગ્નેશિયમ, ઝિંક અને હેલ્ધી ફેટ્સ પણ હોય છે. શિયાળામાં તલના લાડુ, ચિક્કી અથવા સલાડમાં તેનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે.

રાગી એક એવું અનાજ છે જે કેલ્શિયમ ઉપરાંત ફાઇબર અને આયર્ન માટે પણ ઓળખાય છે. રાગીની રોટલી, ઢોસા, ખીચડી અથવા પોરિજ રોજિંદા આહારમાં ઉમેરવાથી હાડકાંને જરૂરી પોષણ મળી શકે છે.

રાજગરો પ્રોટીન અને કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. ઉપવાસ દરમિયાન તેનો વધુ ઉપયોગ થાય છે, પરંતુ સામાન્ય દિવસોમાં પણ રાજગરાની રોટલી અથવા લાડુ સ્વાસ્થ્ય માટે સારો વિકલ્પ બની શકે છે.

સરગવાના પાનમાં કેલ્શિયમ ઉપરાંત વિટામિન A, C અને અનેક એન્ટીઑક્સિડન્ટ્સ હોય છે. તેનું શાક, સૂપ અથવા પરાઠા બનાવીને ખાવાથી શરીરને અનેક જરૂરી પોષક તત્ત્વો મળે છે.

અંજીર માત્ર મીઠાશ માટે જ નહીં પરંતુ કેલ્શિયમ અને ફાઇબર માટે પણ જાણીતા છે. દરરોજ મર્યાદિત માત્રામાં તેનું સેવન કરવાથી હાડકાંની સાથે પાચનતંત્રને પણ ફાયદો થઈ શકે છે.

સફેદ ચણામાં પ્રોટીન, ફાઇબર અને કેલ્શિયમનું સારું પ્રમાણ હોય છે. તેને સલાડ, ચાટ અથવા શાકના રૂપમાં ખાવાથી શરીરને અનેક પોષક તત્ત્વો એકસાથે મળી શકે છે.

હાડકાંને મજબૂત રાખવા માટે કેલ્શિયમની સાથે વિટામિન D પણ એટલું જ જરૂરી છે. સવારના હળવા સૂર્યપ્રકાશમાં થોડો સમય પસાર કરવો, નિયમિત કસરત કરવી અને સંતુલિત આહાર લેવો પણ એટલો જ મહત્વનો છે. જો શરીરમાં કેલ્શિયમની સતત ઉણપ રહેતી હોય અથવા હાડકાં સંબંધિત કોઈ સમસ્યા અનુભવાતી હોય, તો ડૉક્ટર અથવા ડાયટિશિયનની સલાહ લેવી વધુ યોગ્ય રહેશે.

સ્વસ્થ જીવનશૈલી માટે જરૂરી છે કે આપણે માત્ર એક જ ખાદ્યપદાર્થ પર આધાર ન રાખીએ, પરંતુ વિવિધ પોષક તત્ત્વોથી ભરપૂર ભારતીય ખોરાકને રોજિંદા આહારમાં સ્થાન આપીએ. તેનાથી શરીરને જરૂરી કેલ્શિયમ મળવાની સાથે અન્ય મહત્વપૂર્ણ પોષક તત્ત્વોની પણ પૂરતી પૂર્તિ થઈ શકે છે. (All Image Credit Source: Social Media)
આ પણ વાંચો: Lullaby And Baby Connection: બાળકને હાલરડું સાંભળી ને કેમ ઊંઘ આવી જાય છે ?
