બોલિવૂડમાં પહેલીવાર ‘આવો પ્રયોગ’! ઇતિહાસ રચવા તૈયાર ‘અક્ષય કુમાર’, 13 વર્ષ પછી વિપુલ શાહ સાથે મિલાવ્યો હાથ
બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે પોતાની નવી સાયન્સ-ફિક્શન ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. એલિયન, હોરર અને જબરદસ્ત એક્શન ધરાવતી આ ફિલ્મમાં અક્ષય એક તદ્દન નવા અંદાજમાં જોવા મળશે. જણાવી દઈએ કે, કનિષ્ક વર્માના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું નિર્માણ વિપુલ અમૃતલાલ શાહ કરી રહ્યા છે.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે પોતાની બહુપ્રતિક્ષિત અને નવા વિષય પર આધારિત ફિલ્મ ‘સમુક’ નું શૂટિંગ સત્તાવાર રીતે શરૂ કરી દીધું છે. આ પ્રોજેક્ટ દ્વારા અક્ષય સિનેમાના એક તદ્દન નવા અને અનોખા ઝોનરમાં કદમ મૂકી રહ્યો છે. ફિલ્મમાં એલિયન સરવાઇવલ, ભયાનક વાતાવરણ અને જબરદસ્ત એક્શનનું એવું મિશ્રણ જોવા મળશે, જે ભારતીય પ્રેક્ષકો માટે એક નવો અનુભવ હશે.
આ ફિલ્મને પેન-ઇન્ડિયા સ્તરે મોટા પડદા માટે મોટાપાયે તૈયાર કરવામાં આવી રહી છે. કનિષ્ક વર્માના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું નિર્માણ વિપુલ અમૃતલાલ શાહ કરી રહ્યા છે, જ્યારે આશિન એ શાહ તેના સહ-નિર્માતા છે.
બે વર્ષની લાંબી તૈયારી અને મિલિટરી રિયલિઝમનું ‘અનોખું મિશ્રણ’
ફિલ્મ ‘સમુક’ ની પટકથા અને તેની કાલ્પનિક દુનિયા પર છેલ્લા બે વર્ષથી વધુ સમયથી કામ ચાલી રહ્યું હતું. મેકર્સ એક એવી વાર્તાને મોટા પડદા પર ઉતારવાના પ્રયાસમાં છે, જેમાં સેનાનું વાસ્તવિક વાતાવરણ (મિલિટરી રિયલિઝમ), સરવાઇવલ હોરરનો ડર અને સાયન્સ-ફિક્શનની એલિયન પૌરાણિક કથાઓનો બેજોડ સંગમ હોય.
જો કે, ફિલ્મની પૂરતી વાર્તાને હજુ ગુપ્ત રાખવામાં આવી છે. આમાં એક વાત તો સ્પષ્ટ છે કે, તેની પટકથા એક એવી ખતરનાક પરિસ્થિતિની આસપાસ ફરે છે; જ્યાં માણસનો સામનો એલિયન તાકાતો સાથે થાય છે.
13 વર્ષ પછી ફરી સાથે આવી ‘જોડી’
નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ માટે આ ફિલ્મ ભાવનાત્મક અને વ્યાવસાયિક બંને દ્રષ્ટિએ ખૂબ ખાસ છે. લગભગ 13 વર્ષના લાંબા અંતરાલ પછી તેઓ ફરી એકવાર અક્ષય કુમાર સાથે કોઈ પ્રોજેક્ટ માટે સાથે આવ્યા છે. આ ખાસ રીયૂનિયન પર વાત કરતા વિપુલ શાહે ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે, આટલા વર્ષો પછી અક્ષય સર સાથે નવી સફર શરૂ કરવી એ ખૂબ જ ગર્વની ક્ષણ છે.
View this post on Instagram
તેમણે જણાવ્યું કે, બંનેએ હંમેશા એકબીજાને કંઈક નવું અને મોટું કરવા માટે પ્રેરિત કર્યા છે. ‘સમુક’ દ્વારા તેમની સામે અત્યાર સુધીનો સૌથી મોટો પડકાર છે, કારણ કે તેનો કેનવાસ અને વિષય પહેલાની ફિલ્મો કરતાં તદ્દન અલગ છે.
હોલીવુડના દિગ્ગજ ક્રિચર ડિઝાઇનર એલેક ગિલિસની એન્ટ્રી
ફિલ્મમાં દર્શાવવામાં આવનારા એલિયનને ખૂબ જ વાસ્તવિક અને ભયાનક રૂપ આપવા માટે હોલીવુડના પ્રખ્યાત ટેકનિશિયનોની સર્વિસ લેવામાં આવી છે. ઓસ્કાર માટે નામાંકિત થઈ ચૂકેલા વિઝ્યુઅલ ક્રિચર-ઇફેક્ટ્સ ડિઝાઇનર એલેક ગિલિસ આ ફિલ્મના મુખ્ય એલિયનને ડિઝાઇન કરી રહ્યા છે.
એલેક ગિલિસને ‘એલિયન’ અને ‘પ્રેડેટર’ જેવી વિશ્વની દિગ્ગજ સાયન્સ-ફિક્શન ફ્રેન્ચાઇઝીમાં તેમના શ્રેષ્ઠ કામ માટે ઓળખવામાં આવે છે. મેકર્સે કોમ્પ્યુટર ગ્રાફિક્સ (CGI) પર પૂરી રીતે નિર્ભર રહેવાને બદલે પ્રેક્ટિકલ ક્રિચર ડિઝાઇનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે જેથી પડદા પર એલિયનની હાજરી વધુ વાસ્તવિક અને જીવંત નજરે પડે.
બ્રિટિશ એક્શન ડિરેક્ટરના નિર્દેશનમાં તૈયાર થશે ‘ખતરનાક સીન્સ’
ફિલ્મમાં સરવાઇવલ થ્રિલરના વાતાવરણ મુજબ એક્શન સીન્સને ડિઝાઇન કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરની ટીમને લાવવામાં આવી છે. બ્રિટિશ એક્શન ડિરેક્ટર લ્યુક ટમ્બર ફિલ્મના સ્ટન્ટ્સ અને કોમ્બેટ સીન્સનું નિર્દેશન કરી રહ્યા છે.
અક્ષય કુમારની મુખ્ય ભૂમિકા, આંતરરાષ્ટ્રીય ટેકનિશિયનોનો સાથ અને વિપુલ શાહનું નિર્માણ આ ‘સમુક’ ને ભારતીય સિનેમાની સૌથી મોટી સાયન્સ-ફિક્શન સરવાઇવલ ફિલ્મોમાંથી એક બનાવે છે. આગામી દિવસોમાં મેકર્સ ફિલ્મની બાકીની સ્ટારકાસ્ટ અને રિલીઝ ડેટની સત્તાવાર જાહેરાત કરશે.
