ટ્રેડ ડીલ પર ભારતની મોટી ચાલ ! India-USA સોદો બની શકે છે ‘ગેમચેન્જર’, કૃષિ ક્ષેત્રને મળશે ‘મજબૂત ટેકો’
ભારત-અમેરિકા વેપાર વાટાઘાટોમાં મોટી સફળતાની આશા છે. આનાથી ખેડૂતોને રાહત મળવાની અપેક્ષા છે અને ભારતને પણ અમેરિકન બજારમાં સારી પહોંચનો ફાયદો થશે.

ભારત-અમેરિકા વેપાર વાટાઘાટોમાં મોટી સફળતાની આશા છે. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમિસન ગ્રીરે જણાવ્યું હતું કે, ભારતે અમેરિકી કૃષિ ઉત્પાદનો માટે અત્યાર સુધીની સૌથી વિશેષ ઓફર કરી છે. આને કોઈપણ દેશ તરફથી મળેલી શ્રેષ્ઠ ઓફર ગણાવતા ગ્રીરે કહ્યું કે, ભારત આ વખતે આગળ આવીને ડીલ કરી રહ્યું છે. નવી દિલ્હીમાં ચાલી રહેલી વાટાઘાટોથી બંને દેશોને ફાયદો થવાની અપેક્ષા છે.

અમેરિકી ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમિસન ગ્રીરે ખુલાસો કર્યો છે કે, ભારતે યુએસ કૃષિ ઉત્પાદનોને લઈને બજાર પહોંચ વધારવા માટે અત્યાર સુધીની શ્રેષ્ઠ ઓફર કરી છે. ગ્રીરે કહ્યું કે, 'ભારત' વેપાર સોદાની વાટાઘાટોમાં આગેવાની લઈ રહ્યું છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકન ખેડૂતોના ગોડાઉનમાં માલ એકત્રિત થઈ રહ્યો છે અને ચીન તરફથી માંગમાં ઉતાર-ચઢાવ ચાલુ છે.

આ સમયે અમેરિકન ટ્રેડ પ્રતિનિધિ કાર્યાલય (USTR) ના ડેપ્યુટી રિક સ્વિટ્ઝરના નેતૃત્વ હેઠળની એક ઉચ્ચસ્તરીય ટીમ નવી દિલ્હીમાં છે અને કૃષિ ઉત્પાદનોને લગતી અડચણો દૂર કરવા અંગે ગંભીર ચર્ચા ચાલી રહી છે. ભારતીય પક્ષનું નેતૃત્વ સંયુક્ત સચિવ દર્પણ જૈન કરી રહ્યા છે.

યુએસ અધિકારીએ સ્વીકાર્યું કે, ભારતને હજુ પણ મકાઈ અને સોયાબીન જેવા કેટલાક પાક અંગે વાંધો છે પરંતુ નવી દિલ્હીના તાજેતરના પ્રસ્તાવો ખુલ્લા અભિગમનો સંકેત આપે છે. ગ્રીરે કહ્યું કે, "ભારત હવે આપણી ચીજવસ્તુઓ માટે વૈકલ્પિક બજાર બની શકે છે."

કેન્સાસના સેનેટર 'જેરી મોરને' ચીન પર નિર્ભરતા ઘટાડવા અને નવા બજારો શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આના જવાબમાં ગ્રીરે કહ્યું કે, વર્તમાન ચર્ચાઓ અગાઉની બેઠકો કરતાં ઘણી વધુ સકારાત્મક છે. આ મુલાકાત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ ભારત પર 25% ટેરિફ + 25% વધારાના દંડ લાદવામાં આવ્યા પછી યુએસ અધિકારીઓ દ્વારા આ બીજી ઉચ્ચ-સ્તરીય મુલાકાત છે.

ગ્રીરે સંકેત આપ્યો હતો કે, કૃષિ સિવાયના બીજા ક્ષેત્રોમાં ટેરિફ અને બજાર ઍક્સેસ મુદ્દાઓને ઉકેલવા માટે ચર્ચા કરવામાં આવશે. બંને દેશો વચ્ચેના ટ્રેડ એગ્રીમેન્ટનો પહેલો ભાગ ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ લઈ શકે છે, જેના કારણે અમેરિકન ખેડૂતોને રાહત મળવાની અપેક્ષા છે અને ભારતને પણ અમેરિકન બજારમાં સારી પહોંચનો ફાયદો થશે.
દેશ અને દુનિયાના વિશેષ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.
