Income Tax : વિદેશમાં કમાતા દીકરા કે દીકરીએ તમને પૈસા મોકલ્યા ? શું આ આવક પર ટેક્સ વસૂલવામાં આવશે કે નહીં ?
ઘણા લોકો એવા છે કે, જેમના બાળકો સારી કારકિર્દી અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે વિદેશ જતાં રહે છે. બાળકો એકવાર ત્યાં સેટ થઈ જાય પછી દર મહિને તેમના માતા-પિતાને પૈસા મોકલે છે.

હાલની તારીખમાં ઘણા બાળકો એવા છે કે, જે સ્ટુડન્ટ વિઝા પર વિદેશ જાય છે અને ત્યાં સારો એવો અભ્યાસ કરીને નામચિહ્ન જગ્યા પર જોબ અથવા તો પોતાનો બિઝનેસ શરૂ કરે છે. જણાવી દઈએ કે, બાળકો જે પૈસા કમાય છે તેમાંથી થોડાંક પૈસા તેઓ માતા-પિતાને મોકલાવે છે. આ વાતને ચાલો એક ઉદાહરણ તરીકે સમજીએ...

માની લો કે, દિનેશ વર્મા એક વરિષ્ઠ નાગરિક છે અને તેમની પત્ની હાઉસવાઈફ છે. જણાવી દઈએ કે, તેમની પુત્રી અમેરિકામાં રહે છે. હવે દીકરી દર ક્વાર્ટરમાં તેની મમ્મીના બેંક ખાતામાં 1,25,000 રૂપિયા મોકલે છે. વર્માની પત્નીની વાર્ષિક આવક અંદાજિત 1,00,000 રૂપિયા છે. એવામાં વર્માનો પ્રશ્ન એ છે કે, શું તેમની પુત્રીએ મોકલેલા પૈસા પર તેમને ટેક્સ ચૂકવવો પડશે?

આ સવાલનો જવાબ આપતા નિષ્ણાતે કહ્યું કે, ડોનર-બેસ્ડ ગિફ્ટ ટેક્સ નાબૂદ થયા પછી હવે ગિફ્ટ મેળવનાર વ્યક્તિએ તેના પર ટેક્સ ચૂકવવો પડશે. જો નાણાકીય વર્ષમાં બધી ગિફ્ટનું કુલ મૂલ્ય 50,000 રૂપિયાથી વધુ હોય, તો સમગ્ર રકમ પર ટેક્સ લાદવામાં આવે છે. આને 'ઇન્કમ ફ્રોમ અધર સોર્સ' કહેવામાં આવે છે.

આ પછી તેના પર સ્લેબ મુજબ ટેક્સ લાદવામાં આવે છે. નોંધનીય છે કે, ખાસ સંબંધીઓ પાસેથી મળેલી ભેટ કરપાત્ર હોતી નથી. કલમ 56 (2) (X) હેઠળ, બાળકોને પણ ખાસ સંબંધીઓમાં સમાવવામાં આવે છે.

ટૂંકમાં દીકરી તેની મમ્મીના ખાતામાં પૈસા મોકલે છે, તેથી તેને આવક ગણવામાં આવશે નહીં અને તેના પર ટેક્સ લાગશે નહીં. આ પૈસા ટેક્સના દાયરામાં આવતા ન હોવાથી, વર્માજીની પત્નીએ તેને ઇન્કમ ટેક્સ રિટર્નમાં ડિકલેર કરવાની જરૂર નથી.

જો દિનેશ વર્માની દીકરી ભારતમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે, તો તેને ડિસક્લોઝ કરવાની જરૂર નથી. આનો અર્થ એ છે કે, દીકરી કે તેની મમ્મી બંનેએ આ પૈસા તેમના ITRમાં બતાવવાની જરૂર નથી.

ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 139 હેઠળ, ડીડક્શન અને એકઝેમ્પશન પહેલાંની ઇન્કમ 'બેઝિક એકઝેમ્પશન' લિમિટ કરતાં વધુ હોય, તો તેણે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું પડશે. ઇન્કમ ટેક્સના ઓલ્ડ રિઝિમમાં, 60 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ માટે બેઝિક એકઝેમ્પશન લિમિટ 2.5 લાખ રૂપિયા છે.

60 થી 80 વર્ષની વયના વ્યક્તિ માટે બેઝિક એકઝેમ્પશન લિમિટ 3 લાખ રૂપિયા છે. 80 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ માટે બેઝિક એકઝેમ્પશન લિમિટ 5 લાખ રૂપિયા છે. ઇન્કમ ટેક્સના ન્યુ રિઝિમમાં, બેઝિક એકઝેમ્પશન લિમિટ 3 લાખ રૂપિયા છે.
“ટેક્સ માસ્ટર” એ સામાન્ય રીતે તે વ્યાવસાયિક, વ્યાખ્યાયિત કે વ્યવસાયિક વ્યક્તિ છે, જે વિવિધ પ્રકારના કરવેરા અંગે લોકોને માર્ગદર્શન આપે છે. ટેક્સને લગતા તમામ લેખ વાંચવા માટે હમણાં જ અહીં ક્લિક કરો.
