10, 100 કે 500 ગ્રામ… બેંક લોકરમાં કેટલું સોનું રાખી શકાય? ગોલ્ડ સ્ટોરેજ માટે RBI ની લિમિટ કેટલી છે?
જો તમે તમારા દાગીના સુરક્ષિત રાખવા માટે બેંક લોકરનો ઉપયોગ કરો છો અથવા તેનો વિચાર કરી રહ્યા છો, તો તમારે જાણવું જરૂરી છે કે બેંક લોકરમાં દાગીના અથવા સોનું રાખવા માટે કેટલાંક નિયમો અને મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે.

લોકો ઘણીવાર ઘરેણાં સંગ્રહવા માટે બેંક લોકરનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિને સલામત માનવામાં આવે છે, કારણ કે ઘરમાં ચોરી થવાનું જોખમ રહેલું હોય છે અને ઘરેણાં સુરક્ષા સાથે લોકરમાં રાખવામાં આવે છે. બીજું કે, જરૂર પડે ત્યારે તમે તમારા દાગીના કાઢી શકો છો.

આમાં બેંક નાની ફી વસૂલ કરે છે અને તેની સુરક્ષાની જવાબદારી પણ લે છે. એવામાં, સોનાના લોકર સંબંધિત ચોક્કસ નિયમો શું છે? લોકરમાં તમે કેટલું સોનું રાખી શકો છો? આવા પ્રશ્નો મોટાભાગના લોકોના મનમાં હોય છે.

આવકવેરાના નિયમો અનુસાર, તમે ઘરે કેટલું સોનું રાખી શકો છો તેની કેટલીક મર્યાદા છે. પરિણીત મહિલા 500 ગ્રામ સુધીનું સોનું રાખી શકે છે. અપરિણીત મહિલાઓ માટે આ મર્યાદા 250 ગ્રામ જેટલી છે. પુરુષો માટે આ મર્યાદા માત્ર 100 ગ્રામ છે. આનો અર્થ એ છે કે, જો પરિણીત યુગલ એક જ ઘરમાં રહે છે, તો તેઓ 600 ગ્રામ (પતિ 100 ગ્રામ + પત્ની 500 ગ્રામ) સુધીનું સોનું રાખી શકે છે. આ નિયમો ટેક્સ ચોરી અને ગેરકાયદેસર સોનાના સંગ્રહને રોકવા માટે બનાવવામાં આવ્યા છે.

હાલમાં RBI એ બેંક લોકરમાં સોનાના સંગ્રહ માટે કોઈ મર્યાદા નક્કી કરી નથી, એટલે કે ગ્રાહકો લોકરમાં ગમે તેટલું સોનું રાખી શકે છે. જો કે, બેંક જરૂર પડે ત્યારે તપાસ કરી શકે છે કે, લોકરમાં રાખેલું સોનું કાયદેસર રીતે ખરીદાયેલું છે કે નહીં અને તેના માટે ખરીદીનું બિલ અથવા પુરાવો હોવો જરૂરી છે. આ ઉપરાંત તમારા લોકરમાં શું છે, તે અંગે બેંક પૂછપરછ કરી શકતી નથી, સિવાય કે કંઈક ગેરકાયદેસર રાખવાની શંકા હોય.

દિવાળી પછી બેંકિંગ નિયમો બદલાયા છે. હવે, લોકર બુક કરતી વખતે તમારે બેંકને પ્રાથમિકતા સૂચિ (Priority List) પ્રદાન કરવાની જરૂર રહેશે. આ દસ્તાવેજમાં સ્પષ્ટ રીતે લખેલું હશે કે, લોકર ધારકના અવસાન પછી લોકર ખોલવાનો અધિકાર કોને મળશે. આ નિયમનો હેતુ પરિવાર વચ્ચેના વિવાદો અને કાનૂની મુશ્કેલીઓથી બચવાનો છે.

અગાઉ ઘણી વખત એવું બનતું હતું કે, લોકર માલિકના અવસાન બાદ પરિવારજનો વચ્ચે વિવાદ ઉભો થતો હતો પરંતુ હવે યાદી મુજબ પ્રથમ વ્યક્તિ લોકર માટે પાત્ર બનશે. જો તે હાજર નહીં રહે, તો યાદીમાં બીજું નામ જેનું હશે તેને તક આપવામાં આવશે.
આ પણ વાંચો: હવે મળશે ‘અદભૂત’ રિટર્ન ! આ 6 પોઇન્ટ્સ વાંચ્યા વગર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ન કરશો, એક ભૂલ અને તમારા રૂપિયા…
