GST: ઠંડા પીણાં પર આટલો ટેક્સ કેમ? વેપારીઓએ સરકાર પાસે રાહતની માંગ કરી, હવે આગળ શું?
દેશભરના નાના વેપારીઓ અને કરિયાણાના દુકાનદારો લાંબા સમયથી ઠંડા પીણાં પરના ઊંચા કરથી પરેશાન છે. હવે આ બાબતને લઈને વેપારીઓ સરકાર પાસેથી રાહત માંગી રહ્યા છે.

દેશભરના નાના વેપારીઓ અને કરિયાણાના દુકાનદારો લાંબા સમયથી ઠંડા પીણાં પરના ઊંચા ટેક્સથી પરેશાન છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, હવે કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે (CAT) નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને માંગ કરી છે કે, ઠંડા પીણાં (કાર્બોનેટેડ પીણાં) ને 18% GST સ્લેબમાં રાખવામાં આવે. CAT એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા નેક્સ્ટ જનરેશન GST સુધારાઓને ધ્યાનમાં રાખીને કહ્યું કે, હવે ટેક્સ માળખાને તર્કસંગત બનાવવાનો સમય આવી ગયો છે.

સંગઠનનું કહેવું છે કે, છૂટક વેપારીઓ, કરિયાણાના દુકાનદારો અને ફેરિયાઓ દેશની રીટેલ ઇકોનોમી માટે એક કરોડરજ્જુ છે. તેમના પરથી ઊંચા કરનો બોજ ઓછો કરવો જરૂરી છે, જેથી તેઓ ટકાઉ રીતે વ્યવસાય કરી શકે.

CAT ના રાષ્ટ્રીય પ્રમુખ બી.સી. ભરતિયાએ જણાવ્યું હતું કે, નાના દુકાનદારોની લગભગ 30 ટકા કમાણી પીણાંમાંથી થાય છે. જો કે, હાલના ઊંચા ટેક્સ દરથી તેમની આવક પર અસર થઈ રહી છે. તેઓ પહેલાથી જ ઓછા નફા પર કામ કરે છે અને ઊંચા કરને કારણે તેમના પર દબાણ વધી રહ્યું છે. ઠંડા પીણાં પર કુલ 40 ટકા કર વસૂલવામાં આવે છે, જેમાં 28 ટકા GST અને 12 ટકા સેસનો સમાવેશ થાય છે. આ ટેક્સ કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિંક્સ પર લાગુ પડે છે, જે 'Sin Goods'ની શ્રેણીમાં આવે છે.

જણાવી દઈએ કે, વૈશ્વિક સ્તરે પીણાં પર સરેરાશ ટેક્સ 16-18 ટકાની વચ્ચે હોય છે. આવી સ્થિતિમાં, ભારતમાં જો કાર્બોનેટેડ પીણાં પર 18% GST રાખવામાં આવે, તો તે આંતરરાષ્ટ્રીય ટેક્સ દર સાથે મેળ ખાતું થશે. આથી વેપારીઓને રાહત મળશે અને આ ક્ષેત્રમાં વધુ ઔપચારિક (સંગઠિત) વ્યવસાય વધશે. હાલમાં આ ક્ષેત્રનો લગભગ 80% ભાગ અસંગઠિત છે.

સંગઠન માને છે કે, ટેક્સ દર ઘટાડવાથી વ્યવસાય સરળ બનશે, રોજગારીની તકો વધશે અને ગ્રાહકોને પણ ફાયદો થશે. CAT એ આશા વ્યક્ત કરી કે, વડાપ્રધાનના GST સુધારા હેઠળ આ માંગ પૂરી થશે. જણાવી દઈએ કે, આની અસર નાના વ્યવસાયો, ગ્રાહકો અને સમગ્ર અર્થતંત્ર પર સકારાત્મક થઈ શકે છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
