કરોડોનો ચૂનો ચોપડનાર ભાગેડુ કારોબારીઓ પાસેથી સરકારે 19 હજાર કરોડની વસુલાત કરી, નાણામંત્રીએ સંસદમાં જાહેર કરી માહિતી
ભાગેડુ આર્થિક અપરાધી વિજય માલ્યા , નીરવ મોદી અને મેહુલ ચોકસીની કુલ 19,111.20 કરોડ રૂપિયાની સંપત્તિ સરકારે જપ્ત કરી છે. સરકાર દ્વારા સંસદમાં આ માહિતી આપવામાં આવી છે


સરકારે ભાગેડુ (Fugitive Businessmen) વિજય માલ્યા(Vijay Mallya), નીરવ મોદી(Nirav Modi) અને મેહુલ ચોકસી (Mehul Choksi) ની રૂ. 19,111.20 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી છે.

Symbolic Image

આ પ્રશ્નોના જવાબ આપતા રાજ્યકક્ષાના નાણા મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચૌકાસીએ તેમની કંપનીઓ દ્વારા તેમની બેંકોમાંથી કુલ રૂ. 22,585.83 કરોડની ઉચાપત કરી છે. 15 માર્ચ, 2022 સુધીમાં, તેમની રૂ. 19,111.20 કરોડની સંપત્તિ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ જપ્ત કરવામાં આવી છે.

નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) અને ભાગેડુ આર્થિક અપરાધી કાયદા હેઠળ એવી જોગવાઈ છે કે આ ગુનાઓની સુનાવણી કર્યા પછી અદાલતો મની લોન્ડરિંગમાં સામેલ કોઈપણ મિલકતને ત્રીજા પક્ષના દાવેદારને ટ્રાન્સફર કરી શકે છે. કાયદેસરના વ્યાજ સાથે પરત કરી શકે છે જેમાં બેંકો પણ સામેલ છે.

પંકજ ચૌધરીએ કહ્યું કે આ રૂ. 19,111.20 કરોડમાંથી રૂ. 15,113.91 કરોડની સંપત્તિ સરકારી બેન્કોને પરત કરવામાં આવી છે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા લગભગ રૂ. 335.06 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું કે 15 માર્ચ, 2022 સુધીમાં છેતરપિંડીના આ કેસોમાં કુલ છેતરપિંડીમાંથી 84.61 ટકા જપ્ત કરવામાં આવ્યા છે અને કુલ નુકસાનના 66.91 ટકા બેંકોને પરત કરવામાં આવ્યા છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અત્રે એ ઉલ્લેખ કરવો યોગ્ય છે કે 15 માર્ચ, 2022 સુધીમાં એસબીઆઈની આગેવાની હેઠળના બેંકોના સંગઠને પ્રવર્તન નિર્દેશાલય(Directorate of Enforcement) દ્વારા તેમને સોંપવામાં આવેલી સંપત્તિના વેચાણમાંથી રૂ. 7,975.27 કરોડ એકત્ર કર્યા હતા.

































































