શું તમે પણ હાઈવે ટોલ પ્લાઝા પર આ ભૂલ જોઈ છે? જો હા, તો તમને મળી શકે છે ₹1000નું ‘ફ્રી FASTag ક્રેડિટ’
ભારતમાં હાઇવે નેટવર્ક ઝડપથી વિસ્તરી રહ્યું છે અને તેની સાથે મુસાફરોના અનુભવ તેમજ સુવિધાઓ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

ટોલ પ્લાઝા પર ખાસ કરીને શૌચાલયની સ્થિતિ લાંબા સમયથી ચિંતાનો વિષય રહી છે. હવે આ સમસ્યાના ઉકેલ માટે સરકારે એક નવી પહેલ શરૂ કરી છે, જેમાં સામાન્ય લોકો પણ દેખરેખમાં ભાગ લઈ શકે છે અને તેના બદલામાં તેમને ઇનામ પણ મળશે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ હેઠળ, ટોલ પ્લાઝાના ગંદા શૌચાલયનો ફોટો અપલોડ કરવા પર મુસાફરોને 1000 રૂપિયા સુધીનું FASTag (ફાસ્ટૅગ) ક્રેડિટ મળી શકે છે. આ પહેલ લોકોની ભાગીદારી દ્વારા જાહેર સુવિધાઓની દેખરેખ સુધારવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી છે.

જો કોઈ વ્યક્તિ ગંદા શૌચાલયનો ફોટો અપલોડ કરે છે અને તપાસમાં ફરિયાદ સાચી જણાય છે, તો તેને 1000 રૂપિયાનું ફાસ્ટૅગ ક્રેડિટ આપવામાં આવશે. આ રકમ સીધી તેના ફાસ્ટૅગ એકાઉન્ટમાં જમા થઈ જશે.

જો તમે હાઈવે પર મુસાફરી કરી રહ્યા હોવ અને ટોલ પ્લાઝા પર ગંદકી જોવા મળે, તો તમારે સૌથી પહેલા પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી 'Rajmargyatra' એપ ડાઉનલોડ કરી તમારા મોબાઈલ નંબર દ્વારા લોગિન કે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. એપમાં લોગિન થયા પછી “Feedback” અથવા “Issue Report” સેક્શનમાં જઈને તમે ટોલ પ્લાઝા સંબંધિત ફરિયાદ નોંધાવી શકો છો, જેમાં તમારે ગંદકી સ્પષ્ટ દેખાય તેવો શૌચાલયનો ફોટો પાડીને અપલોડ કરવાનો રહેશે.

ફોટો અપલોડ કરતી વખતે ટોલ પ્લાઝાનું લોકેશન અને બીજી જરૂરી વિગતો સચોટ રીતે ભરવી ખૂબ અનિવાર્ય છે, કારણ કે ખોટી માહિતી આપવાથી તમારી ફરિયાદ રદ થઈ શકે છે. એકવાર તમારી ફરિયાદ સબમિટ થઈ જાય પછી સંબંધિત અધિકારીઓ દ્વારા તેની તપાસ કરવામાં આવશે અને જો ફરિયાદ સાચી તેમજ વેરિફાય જણાશે, તો ઇનામ તરીકે ₹1000નું FASTag ક્રેડિટ સીધું જ તમારા ખાતામાં જમા કરી દેવામાં આવશે.

રાજમાર્ગયાત્રા એપ માત્ર ફરિયાદ માટે જ નહીં પરંતુ હાઈવેની સ્થિતિ જાણવા અને મુસાફરીના અપડેટ્સ મેળવવા માટેનું એક સશક્ત માધ્યમ છે. સરકારની આ પહેલ ડિજિટલ ટોલ સિસ્ટમ અને સ્વચ્છતાની દેખરેખને જોડીને હાઈવેના અનુભવને વધુ વ્યવસ્થિત તેમજ સુવિધાજનક બનાવવાનો એક પ્રયાસ છે. જો કે, આ યોજનાની સફળતા સંપૂર્ણપણે મુસાફરોની ભાગીદારી પર ટકેલી છે.

ટૂંકમાં જેટલા વધુ લોકો જાગૃત બનીને ફરિયાદ નોંધાવશે, તેટલી જ ઝડપથી ટોલ પ્લાઝા પર સ્વચ્છતા અને સુવિધાઓમાં સુધારો જોવા મળશે. આ એક એવું મોડલ છે કે, જ્યાં સામાન્ય નાગરિકો જાહેર સુવિધાઓ સુધારવામાં યોગદાન આપીને પોતે પણ આર્થિક ફાયદો મેળવી શકે છે.
Stock Market: ગોલ્ડ લોન ક્ષેત્રની કંપનીએ કરી ‘મોટી જાહેરાત’, સોમવારે શેર ખરીદવા માટે ‘પડાપડી’ થશે
