13 મેના મહત્વના સમાચાર : ગુજરાતે વિકસાવ્યું AI આધારિત સીસીટીવી ઇન્ટિગ્રેશન ઇનોવેશન, ક્રાઈમ ડિટેકટ કરવામાં થઈ રહી છે મદદ
આજે 13 ઓક્ટોબરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 13 ઓક્ટોબરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ધોરણ 10 કે 12 પાસ થયેલા 16 બોગસ ડોકટર ઝડપાયા
સુરતના પાંડેસરા વિસ્તારમાં SOG અને આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી. અલગ અલગ ક્લિનિક માં રેડ કરી 16 બોગસ તબીબો ઝડપી પાડ્યા છે. ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 16 જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા. લોકોના જીવ સાથે ચેડા કરતા નકલી ડોક્ટરો સામે સુરત SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ગેરકાયદે ક્લિનિકો પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. ક્લિનિકોમાં ડમી દર્દીઓ મોકલીને ખાતરી કર્યા બાદ પોલીસ અને આરોગ્ય અધિકારીઓની ટીમોએ આ રેડ કરી હતી. પકડાયેલા મોટાભાગના બોગસ ડોક્ટરો માત્ર ધોરણ 10 થી 12 કે સામાન્ય ગ્રેજ્યુએશન સુધી જ ભણેલા હોવાનું સામે આવ્યું. આ તમામ આરોપીઓ ભૂતકાળમાં હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર કે હેલ્પર તરીકે કામ કરી સુરતમાં ગેરકાયદે ક્લિનિક ખોલી બેઠા હતા. કેટલાક બોગસ ડોક્ટરો છેલ્લા 10 થી 33 વર્ષ જેવા લાંબા સમયથી પ્રેક્ટિસ કરીને દૈનિક હજારો રૂપિયા કમાઈ રહ્યા હતા. રેડ દરમિયાન એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, સિરપ અને સાધનો મળી કુલ 1.82 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. 16 આરોપીઓ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો
-
ગુજરાતે વિકસાવ્યું AI આધારિત સીસીટીવી ઇન્ટિગ્રેશન ઇનોવેશન, ક્રાઈમ ડિટેકટ કરવામાં થઈ રહી છે મદદ
ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાત પોલીસ I hub સાથે મળી મહત્વનો પ્રયાસ કર્યો છે. ગુજરાત રાજ્ય પહેલું રાજ્ય છે જે સીસીટીવી ઇન્ટિગ્રેશન નો પ્લાન બનાવી રહ્યું છે. સીસીટીવી ઇન્ટિગ્રેશન ઇનોવેશન ચેલેન્જ છે. ખૂબ ઓછી જગ્યાએ ઇન્ટિગ્રેશન કરવાનો પ્રયાસ કરાયો છે. હજારો કેમેરા પાછળ હજારો કોન્સ્ટેબલ સમય વ્યતીત થતો હતો. જેના દ્વારા AI નો ઉપયોગ કરી હજારો કોન્સ્ટેબલનો સમય બચ્યો છે. આવનારા દિવસોમાં કોન્સ્ટેબલ ની ફેમિલી લાઈફ સારી બનાવવા તરફ એક કદમ. આ કોઈ ક્રાઈમ ડિટેકટ કરવા સાથે હજારો લોકોનો સમય બચાવવાનો પ્રોજેકટ છે. 3.50 લાખથી વધુ લોકોએ વેબસાઈટ વિઝીટ કરી. 100થી વધુ હજુ ઇનોવેશન ચેલેન્જ પર કામ ચાલુ છે. 11 કરોડના ઇનામો રાખવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય પહેલું રાજ્ય છે જે સીસીટીવી ઇન્ટિગ્રેશન નો પ્લાન બનાવી રહ્યું છે. અન્ય રાજ્યોના અધિકારીઓ તમને શોધતા આવશે. સોલ્યુશન સાથે એક્સઝીકયુશન નો પ્લાન પણ યુવા બનાવે.
-
-
ઈડરના લક્ષ્મણગઢના યુવકે લોકઅપમાં લેંધાના નાડાથી આપઘાત કર્યો
ઈડરના લક્ષ્મણગઢના યુવકે લોકઅપમાં આપઘાત કર્યો. ઘરેલું કંકાસ થતા પત્નિએ 112 ને કોલ કર્યો હતો. 112ની ટીમે યુવક પતિને ઈડર પોલીસના લોકઅપમાં રાખ્યો હતો. લોકઅપમાં રાખતા યુવકે પત્નિના પગલાંથી લાગી આવતા આપઘાત કર્યો. ઘરેલું કંકાસથી ત્રાસીને આખરે યુવકે આપઘાત કર્યો હોવાની આશંકા. યુવકે લોકઅપમાં જ લેંઘાના નાડા વડે ગળામાં ટૂંપો આપી મોત વ્હાલું કર્યુ. ઈડર પોલીસે ઘટનાને લઈ તપાસ હાથ ધરી. લાશને પોસ્ટમોર્ટમ માટે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડાઈ. ઈડર ડીવાયએસપી સહિતનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો.
-
રાહુલ ગાંધી SIR ના બહાને ઘૂસણખોરોને બચાવવા માંગે છે, ગુજરાતમાં કોંગ્રેસ વર્ષોથી હારતી આવી છેઃ અમિત શાહ
ગુજરાતના પાટનગર અને ગાંઘીનગર સંસદીય ક્ષેત્રમાં આવતા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામો બાદ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસ વર્ષોથી હારતી આવી છે. ગાંધીનગરમાં ભાજપના મતો 10 ટકા વધ્યા છે. ફરીથી ગાંધીનગરમાં સત્તા ઉપર ભાજપ આવ્યું છે. કોંગ્રેસને પ્રજાએ જાકારો આપ્યો છે. એસઆઈઆરના બહાને, રાહુલ ગાંધી ઘૂસણખોરોને બચાવવા માગે છે. દેશ કોંગ્રેસ અને રાહુલ ગાંધીને માફ નહીં કરે.
-
ઉત્તરાખંડમાં ગુટખા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ, ઉત્પાદન, વેચાણ અને ખાઈ નહીં શકાય
ઉત્તરાખંડમાં ગુટખા અને પાન મસાલા સહિત તમાકુ અને નિકોટિન ધરાવતા તમામ ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશનો અમલ તાત્કાલિક અસરથી શરૂ થઈ ગયો છે.
-
-
રાજ્યકક્ષાના કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન મુરુગને આપ્યુ રાજીનામુ, રાજ્યસભાનુ સાંસદ પદ પણ ત્યાગી દીધુ
કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના માહિતી અને પ્રસારણ પ્રધાન મુરુગને આજે તેમના હોદ્દા અને સાંસદપદેથી રાજીનામુ ધરી દીધુ છે. મુરુગને આપેલા રાજીનામામાં, હવે પક્ષ માટે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
-
ઓખા નગરપાલિકા ફરીથી કબજે કરતુ ભાજપ, 33 બેઠકો અંકે કરી
દેવભુમિ દ્વારકાની ઓખા નગરપાલિકા ભાજપે ફરીથી કબજે કરી છે. ભાજપે 33 બેઠકો જીતી છે જ્યારે કોંગ્રેસને માત્ર 3 જ બેઠકો મળી છે.
-
સુરતમાં એમ્બ્રોઇડરીના કારખાનાના માલિક પાસે મજૂર યુનિયનના નામે ખંડણી માગનાર ઝડપાયો
ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં વેપારી પાસે ખંડણી માંગનાર આરોપી ઝડપાયો. ફરિયાદી દીપક શુક્લા દ્વારા આરોપી અજય દુબે સામે ગુનો નોંધાવવામાં આવ્યો હતો. આરોપી પરિચિત હોવાનો લાભ લઈ અગાઉ પણ ધાકધમકી આપી ટુકડે-ટુકડે રૂપિયા પડાવતો હતો. મજૂર યુનિયનની લડાઈ અને ખર્ચાના નામે એમ્બ્રોઇડરીના માલિક પાસે 50,000ની ખંડણી માંગી હતી. વેપારી પાસેથી અગાઉ ₹10,000 પડાવી લીધા બાદ પણ વધુ રકમ માટે દબાણ કરતો હતો. ખટોદરા પોલીસે ફરિયાદના આધારે મોડી રાત્રે આરોપી અજય દુબેની ધરપકડ કરી. પકડાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હમણાં ઘણા સમયથી સુરત શહેરમાં ચાલી રહેલા મજુર વિવાદ આ નવો વળાંક આવ્યો.
-
અમદાવાદમાં ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગ વકર્યો, સોલા સિવિલમાં 3000 સુધી OPDના કેસ
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયાના કેસમાં વધારો થયો છે. સોલા સિવિલની ઓપીડીમાં મચ્છરજન્ય રોગચાળો નોંધપાત્ર વધ્યો છે. સામાન્ય દિવસોમાં 1900 સુધી રહેતી ઓપીડીના કેસ 3000 સુધી પહોંચ્યા છે. ડેન્ગ્યુ મલેરિયાના કેસમાં 25% વધારો થયો છે. છેલ્લા 5 અઠવાડિયામાં ડેન્ગ્યુના 775 કેસ નોંધાયા છે. OPD 70 હજારને પાર પહોંચી છે.
-
અમદાવાદમાં મામા-મામી ઉપર ભાણેજે છરીથી હુમલો કરતા, મામાએ ભાણેજની પતાવી દીધો
અમદાવાદના રામોલ વિસ્તારમાં મામાએ કરી ભાણેજની હત્યા. રામોલના લવકુશ એપાર્ટમેન્ટ પાસે હત્યાનો આ બનાવ બન્યો છે. મિત્રો સાથે ભાણેજ જાહેરમાં મસ્તી કરતા મામા એ ઠપકો આપ્યો હતો. મૃતક ભાણેજે મામા- મામી સહિત ત્રણ લોકોને છરી ના ઘા માર્યા હતા. ભાણેજ પાસેથી છરી છીનવી મામાએ કરી ભાણેજની હત્યા. રામોલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી. મૃતક ભાણેજના માતા પિતા નહીં હોવાથી મામા સાથે જ રહેતો હતો. ભાણેજ છેલ્લા ત્રણ મહિનાથી અલગ રહેવા ગયો હતો.
-
રાજકોટમાં ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખેલી કાર દ્રારા સર્જયો અકસ્માત, ચાલકે હાથમાં છરી લઈને હુમલાનો કર્યો પ્રયાસ
રાજકોટના હુડકો ચોકડી નજીક કારચાલકે અકસ્માત સર્જીને કર્યો હુમલોનો પ્રયાસ. ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખેલી કાર દ્રારા સર્જયો અકસ્માત. અકસ્માત સર્જીને કારચાલકે જમાવ્યો રૌફ. હાથમાં છરી સાથે જમાવ્યો રૌફ. સમગ્ર ઘટનાનો વીડિયો થયો વાયરલ. સ્થાનિકોએ પોલીસને બોલાવી. પોલીસે કારચાલક પાસેથી છરી કબ્જે કરી.
-
ગુજરાતમાં ઉનાળા જેવી ગરમી, રાજકોટમાં 39.8 ડિગ્રીએ પહોંચ્યો પારો
એલ નીનોની અસર હેઠળ ગુજરાતમાં હાલ ગરમીનો પારો ઉચકાયેલો જોવા મળે છે. સામાન્ય રીતે, નવરાત્રિમાં વહેલી પરોઢના સમયે ગુલાબી ઠંડીનો અહેસાસ થવો જોઈએ તેના બદલે, ગરમી અનુભવાઈ રહી છે. ગુજરાતમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં નોંધાઈ છે. રાજકોટમાં ગરમીનો પારો 39.8 ડિગ્રી એટલે કે 40 ડિગ્રીએ પહોચી ગયો હતો. રાજ્યના અન્ય શહેરોમાં પણ ગરમીનો પારો 36-37 ડિગ્રીની ઉપર નોંધાયો હતો.
-
અમદાવાદમાં 158 શરણાર્થીઓને ભારતીય નાગરિકતાનાં પ્રમાણપત્ર એનાયત
અમદાવાદમાં સાલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 158 શરણાર્થીઓને ભારતીય નાગરિકતાનાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લાભાર્થીઓને નાગરિકતા પ્રમાણપત્રો આપવામાં આવ્યાં હતાં. આ પૈકી નાગરિકતા સંશોધન કાયદા (CAA) અંતર્ગત 126 શરણાર્થીઓને જ્યારે કલેક્ટર કચેરી મારફતે નોંધાયેલા અન્ય 32 શરણાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાયાં હતાં. અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. નાગરિકતા પ્રમાણપત્રો એનાયત કરવાની કામગીરીમાં અમદાવાદ જિલ્લો મોખરે રહ્યો છે. મળતી માહિતી મુજબ, વર્ષ 2017થી 2025 દરમિયાન અમદાવાદ જિલ્લામાં 1,200થી વધુ લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. આ કાર્યક્રમ દ્વારા લાંબા સમયથી ભારતીય નાગરિકતા મેળવવાની પ્રક્રિયામાં રહેલા શરણાર્થીઓને નાગરિકતાનાં પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં.
-
UPI પેમેન્ટ પર 0.4% ચાર્જનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ, દિવાળી બાદ અમલની શક્યતા
UPI પેમેન્ટ પર મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન માટે ચાર્જ લાગુ કરવાની ચર્ચા વચ્ચે આ નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો હોવાના અહેવાલ છે. તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને 15 ઓક્ટોબરથી લાગુ થવાનો પ્રસ્તાવિત 0.4 ટકા ચાર્જ ટાળવામાં આવ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. હવે દિવાળી બાદ આ અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે આ ચાર્જ તમામ UPI ટ્રાન્ઝેક્શન પર લાગુ થવાનો નથી. પ્રસ્તાવિત વ્યવસ્થા મુજબ રૂ. 2,000થી વધુના ચોક્કસ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થવાનો છે. આ ચાર્જ વેપારીઓ પાસેથી લેવામાં આવશે, ગ્રાહકો પાસેથી નહીં. દિવાળી બાદ આ વ્યવસ્થા કઈ તારીખથી લાગુ થશે તે અંગે નવી તારીખ જાહેર કરવામાં આવી નથી.
-
મોડાસામાં ATMમાં ટેક્નિકલ ખામી, 1 હજાર ઉપાડતાં 5 હજાર રૂપિયા નીકળ્યા
અરવલ્લી જિલ્લાના મોડાસામાં ATMમાં ટેક્નિકલ ખામી સર્જાતાં ગ્રાહકો આશ્ચર્યમાં મુકાયા હતા. ATMમાંથી રૂ. 1,000 ઉપાડવાની પ્રક્રિયા કરતાં રૂ. 5,000 અને રૂ. 2,000 ઉપાડવા જતાં રૂ. 10,000 નીકળ્યા હોવાની ઘટના સામે આવી છે. ઈમરજન્સીમાં નાણાં ઉપાડવા આવેલા ગ્રાહકોને ધાર્યા કરતાં વધુ રકમ મળતાં ATM પર લોકોની ભીડ જામી હતી. જોકે, આ ટેક્નિકલ ખામીની જાણ બેંકને થતાં તાત્કાલિક ATMનું શટર બંધ કરવાની ફરજ પડી હતી. હવે ગ્રાહકોના ખાતામાંથી કેટલી રકમ કપાઈ છે અને ATMમાંથી વધારાની કેટલી રકમ નીકળી છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. બેંક દ્વારા ટેક્નિકલ ખામીનું કારણ જાણવા તેમજ નાણાકીય હિસાબની ચકાસણી કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
-
વડોદરામાં L&T સર્કલ પાસે ગેરકાયદે બાંધકામનો મામલો, અર્થ યુફોરિયા અને અર્થ વનને નોટિસ
વડોદરામાં L&T સર્કલ પાસે ગેરકાયદે બાંધકામના મામલે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટાઉન ડેવલપમેન્ટ શાખાએ અર્થ યુફોરિયા અને અર્થ વનને નોટિસ ફટકારીને સાત દિવસમાં માલિકીના પુરાવા રજૂ કરવા આદેશ આપ્યો છે. તંત્ર દ્વારા પ્રોપર્ટી કાર્ડ, સનદ, સિટી સરવેનો નકશો સહિતના જરૂરી દસ્તાવેજો રજૂ કરવા જણાવાયું છે. આ ઉપરાંત, બાંધકામ માટે મંજૂર કરાવવામાં આવેલો નકશો પણ રજૂ કરવાનો રહેશે. નિર્ધારિત સમયમર્યાદામાં જરૂરી પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો બંને મિલકતોના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે જ, પરવાનગી વિના કરવામાં આવેલા બાંધકામને દૂર કરવાની દિશામાં પણ તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવશે. હવે મિલકતના માલિકો દ્વારા રજૂ કરવામાં આવતા દસ્તાવેજોના આધારે આગળની કાર્યવાહી નક્કી થશે.
-
થરા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપની જીત, 19 બેઠકો ભાજપને અને 5 કોંગ્રેસને મળી
બનાસકાંઠા જિલ્લાના થરા નગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોમાં ભાજપે બહુમતી મેળવી છે. નગરપાલિકાના છ વોર્ડનાં પરિણામો જાહેર થતાં ભાજપના ફાળે 19 બેઠકો આવી છે, જ્યારે કોંગ્રેસે પાંચ બેઠકો પર જીત મેળવી છે. જોકે, વોર્ડ નંબર 6માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસની હાર પાછળ જૂથવાદ જવાબદાર હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત પ્રચાર માટે મેદાનમાં આવ્યા ન હોવાની બાબત પણ ચર્ચામાં રહી છે. બીજી તરફ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને જગદીશ ઠાકોરે પ્રચાર કર્યો હતો. ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતની અવગણના કોંગ્રેસને ભારે પડી હોવાના રાજકીય દાવા પણ થઈ રહ્યા છે. જોકે, આ દાવાઓ અંગે પક્ષના સત્તાવાર પ્રતિભાવની રાહ જોવાઈ રહી છે.
-
ગાંધીનગર મનપા ચૂંટણીનાં પરિણામો પર હર્ષ સંઘવીનું નિવેદન, નાગરિકોને પાઠવ્યા અભિનંદન
અમદાવાદમાં સાલ ઇન્સ્ટિટ્યૂટના એક કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામો અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગર મનપાની ચૂંટણીમાં અત્યાર સુધી જાહેર થયેલાં 20 બેઠકોનાં પરિણામોમાં તમામ બેઠકો પર ભાજપે જીત મેળવી છે. આ સાથે હર્ષ સંઘવીએ ગાંધીનગરના નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા. મનપાની ચૂંટણીનાં પરિણામોને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. જોકે, અગાઉ જાહેર થયેલા વોર્ડ નંબર 7ના રિકાઉન્ટિંગના પરિણામમાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક ઉમેદવારની જીત નોંધાઈ હતી.
-
ગાંધીનગર મનપા ચૂંટણી: 20 બેઠકોનાં પરિણામ જાહેર, ભાજપને 19 અને કોંગ્રેસને 1 બેઠક
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં 20 બેઠકોનાં પરિણામ જાહેર થયાં છે, જેમાંથી 19 બેઠકો પર ભાજપ અને એક બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. વોર્ડ નંબર 1, 3, 5, 7 અને 9નાં પરિણામ જાહેર કરવામાં આવ્યાં છે. વોર્ડ નંબર 1, 3, 5 અને 9માં ભાજપની પેનલનો વિજય થયો છે, જ્યારે વોર્ડ નંબર 7માં રિકાઉન્ટિંગ બાદ ભાજપની પેનલ તૂટી છે. ફરી મતગણતરીમાં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. રિકાઉન્ટિંગમાં ભાજપના ઉમેદવાર ભાવિક સુતરિયાને હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નગીન નાડિયાનો વિજય થયો છે. આમ, વોર્ડ નંબર 7ના પરિણામમાં ફેરફાર થતાં કોંગ્રેસને એક બેઠક મળી છે.
-
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની પેટાચૂંટણીમાં AAPની જીત
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)એ જીત મેળવી છે. જિલ્લા પંચાયતની ભાડથર બેઠક પર AAPના ઉમેદવાર વીરૂ કંડોરિયાનો વિજય થયો છે. વીરૂ કંડોરિયાએ 3,651 મતના અંતરથી જીત મેળવીને બેઠક પોતાના નામે કરી છે. પેટાચૂંટણીના પરિણામથી સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. ભાડથર બેઠક પર AAPની જીતને પગલે પક્ષના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પરિણામથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સ્થાનિક રાજકીય સમીકરણોમાં પણ મહત્વનો ફેરફાર નોંધાયો છે.
-
ગાંધીનગર મનપા ચૂંટણી: વોર્ડ 7માં રિકાઉન્ટિંગ બાદ ભાજપની પેનલ તૂટી, કોંગ્રેસના ઉમેદવારનો વિજય
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7નું પરિણામ રિકાઉન્ટિંગ બાદ બદલાયું છે. ફરી મતગણતરી કરવામાં આવતાં ભાજપની પેનલ તૂટી છે અને ત્રણ ભાજપના ઉમેદવારોની સામે કોંગ્રેસના એક ઉમેદવારનો વિજય થયો છે. રિકાઉન્ટિંગમાં કોંગ્રેસના ઉમેદવારની જીત થતાં વોર્ડનું ચૂંટણી પરિણામ બદલાયું છે. બીજી તરફ, ભાજપના ઉમેદવાર ભાવિક સુતરિયાને ફરી મતગણતરીમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ પરિણામને પગલે ગાંધીનગર મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7 ચર્ચામાં આવ્યો છે. રિકાઉન્ટિંગ બાદ આવેલા પરિણામથી રાજકીય સમીકરણોમાં પણ ફેરફાર થયો છે.
-
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપની લગભગ તમામ પેનલો જીતી રહી છેઃ હિતેશ મકવાણા
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો વચ્ચે મનપા નિરીક્ષક હિતેશ મકવાણાએ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ભાજપની લગભગ તમામ પેનલો જીત તરફ આગળ વધી રહી છે. ભાજપે લોકોનાં કામ કર્યાં હોવાથી જનતાએ પક્ષને મત આપ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આગામી પાંચ વર્ષમાં બાકી રહેલાં વિકાસનાં કામો પૂર્ણ કરવાની ખાતરી આપતાં હિતેશ મકવાણાએ કહ્યું કે, જ્યાં ભાજપની પેનલ તૂટી છે, ત્યાં આવું થવા પાછળનાં કારણો જાણવામાં આવશે. વધુમાં, ગાંધીનગર મહાનગરપાલિકાની નવી બોડી ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. ચૂંટણીનાં પરિણામો બાદ હવે મનપાની નવી બોડીની રચના અને આગામી કામગીરી પર સૌની નજર રહેશે.
-
ગાંધીનગર મનપા ચૂંટણી: વોર્ડ 5માં ભાજપની પેનલ 2700 મતથી વિજેતા, વોર્ડ 7માં પણ જીત
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી દરમિયાન ભાજપે વોર્ડ નંબર 5 અને 7માં જીત મેળવી છે. વોર્ડ નંબર 5માં ભાજપની પેનલ 2700 મતના અંતરથી વિજેતા બની છે, જ્યારે વોર્ડ નંબર 7માં પણ ભાજપની પેનલની જીત થઈ છે. બીજી તરફ, વોર્ડ નંબર 3માં પ્રથમ રાઉન્ડની મતગણતરી દરમિયાન ભાજપની પેનલ 1000 મતથી આગળ ચાલી રહી છે. મતગણતરી આગળ વધતાં અન્ય વોર્ડનાં પરિણામો પણ સ્પષ્ટ થઈ રહ્યાં છે. ગાંધીનગર મનપાની ચૂંટણીના પરિણામોને લઈને રાજકીય પક્ષો અને ઉમેદવારોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
-
ગાંધીનગર મનપા ચૂંટણી: વોર્ડ 5માં ભાજપના કનૈયા દેસાઈની જીત, વોર્ડ 3, 4 અને 7માં ભાજપ આગળ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી દરમિયાન વોર્ડ નંબર 5માં ભાજપના ઉમેદવાર કનૈયા દેસાઈની જીત થઈ છે. બીજી તરફ, વોર્ડ નંબર 3 અને 4માં ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. વોર્ડ નંબર 7માં પણ ભાજપે સરસાઈ મેળવી છે. દરમિયાન વોર્ડ નંબર 1ના EVMની મતગણતરી શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર મનપાની કુલ 44 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો પર રાજકીય પક્ષો અને ઉમેદવારોની નજર ટકેલી છે. મતગણતરી આગળ વધતાં અન્ય વોર્ડનાં પરિણામો પણ સ્પષ્ટ થશે.
-
ગાંધીનગર મનપાની મતગણતરી શરૂ, વોર્ડ 5 અને 6ના પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાઈ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો માટે સેક્ટર-15માં આવેલી કોલેજ ખાતે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મનપાના 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે મતગણતરી થઈ રહી છે. આ માટે પાંચ મતગણતરી કેન્દ્રો પર વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં દરેક કેન્દ્ર પર બે વોર્ડના મતની ગણતરી કરવામાં આવી રહી છે. મતગણતરીની શરૂઆતમાં વોર્ડ નંબર 5 અને 6ના પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ કરવામાં આવી છે. મનપાની 44 બેઠકો માટે કુલ 130 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોવાથી તેમના ભાવિનો ફેંસલો મતગણતરી બાદ થશે. નોંધનીય છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 59.25 ટકા મતદાન નોંધાયું હતું. હવે ચૂંટણીના પરિણામો પર રાજકીય પક્ષો અને ઉમેદવારોની નજર ટકેલી છે.
-
ગાંધીનગર મનપાની મતગણતરી શરૂ, વોર્ડ નંબર 7માં ભાજપ આગળ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો માટે મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. વોર્ડ નંબર 5ના EVMની મતગણતરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નંબર 1, 7 અને 9ના EVMની મતગણતરી પણ શરૂ થઈ ગઈ છે. પ્રારંભિક મતગણતરીમાં વોર્ડ નંબર 7માં ભાજપ આગળ ચાલી રહ્યું છે. મતગણતરી આગળ વધતાં અન્ય વોર્ડમાં પણ ઉમેદવારોની સ્થિતિ સ્પષ્ટ થવાની શક્યતા છે. ગાંધીનગર મનપાની 44 બેઠકો માટે 130 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થવાનો હોવાથી રાજકીય પક્ષો અને ઉમેદવારોની નજર પરિણામો પર ટકેલી છે. નોંધનીય છે કે ચૂંટણીમાં 59.25 ટકા મતદાન નોંધાયું હતું.
-
દાહોદમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, 40.41 લાખનો ગાંજો ઝડપાયો
દાહોદ જિલ્લામાં ગાંજાની ખેતી કરતા તત્વો સામે SOG દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સીંગવડ તાલુકાના હીરાપુર ગામમાં પોલીસે દરોડો પાડીને અંદાજે રૂ. 40 લાખ 41 હજારની કિંમતનો ગાંજો ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન ખેતરમાં અને ઘરની પાછળના ભાગમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગાંજાના કુલ 80.830 કિલોગ્રામ વજનના છોડ કબજે કર્યા હતા. ગાંજાનું ગેરકાયદે વાવેતર કરનાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને ગાંજાની ખેતી પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
-
સુરત મનપા કચેરીમાં અરજદારનો પહેલા માળેથી કૂદવાનો પ્રયાસ, અધિકારીઓ દોડી આવ્યા
સુરત મહાનગરપાલિકાની કચેરીમાં એક અરજદારે પહેલા માળેથી કૂદવાનો પ્રયાસ કરતાં અફરાતફરી મચી ગઈ હતી. ડેપ્યુટી કમિશનરની ઓફિસની બહાર બનેલી આ ઘટનાને પગલે અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, વિસ્તારમાં ગેરકાયદે કોમર્શિયલ એકમો સામે અરજદાર દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ છે. વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતાં અરજદાર અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. આ જ નારાજગી વચ્ચે અરજદારે મનપા કચેરીના પહેલા માળેથી કૂદવાનો પ્રયાસ કરતાં ઘટનાસ્થળે દોડધામ મચી ગઈ હતી.
-
ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી શરૂ, 44 બેઠકો પર 130 ઉમેદવારોના ભાવિનો ફેંસલો
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા અંતર્ગત સેક્ટર-15માં આવેલી કોલેજ ખાતે મતગણતરીનો પ્રારંભ થયો છે. મનપાના 11 વોર્ડની કુલ 44 બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આ માટે કુલ પાંચ મતગણતરી કેન્દ્રો પર વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં દરેક કેન્દ્ર પર બે વોર્ડના મતની ગણતરી કરવામાં આવી રહી છે. ચૂંટણીમાં 44 બેઠકો માટે મેદાનમાં ઉતરેલા કુલ 130 ઉમેદવારોના ભાવિનો ફેંસલો મતગણતરી બાદ થશે. નોંધનીય છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં કુલ 59.25 ટકા મતદાન નોંધાયું હતું. હવે મતગણતરીના પરિણામો પર રાજકીય પક્ષો અને ઉમેદવારોની નજર ટકેલી છે.
-
CJPએ 10 દિવસમાં રાજસ્થાનમાં મોટા આંદોલનની જાહેરાત કરી
રાજસ્થાનમાં પોલીસ દ્વારા વિદ્યાર્થી અને સામાજિક કાર્યકરો પર કથિત નજરકેદ, અટકાયત અને હુમલાના વિરોધમાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) એ આગામી 10 દિવસમાં મોટા આંદોલનની જાહેરાત કરી છે. સીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા દીપક બાલિયાને જયપુરમાં એક પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો હતો કે રાજસ્થાન પોલીસે દિલ્હીમાં પાર્ટીના કાર્યકરોને વિરોધમાં ભાગ લેતા અટકાવવા માટે કાર્યવાહી કરી હતી અને તેમના પરિવારોને પણ હેરાન કર્યા હતા.
-
અમદાવાદમાં જીગરદાન ગઢવીના સાંચી ગરબામાં હોબાળો, એન્ટ્રી ન મળતાં ખેલૈયાઓએ કરી તોડફોડ
અમદાવાદમાં જીગરદાન ગઢવીના સાંચી ગરબા સ્થળે એન્ટ્રી ન મળતાં રોષે ભરાયેલા ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો હતો. મોડી રાત સુધી પોલીસની મંજૂરી ન મળતાં ખેલૈયાઓને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો, જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ગુસ્સે ભરાયેલા ખેલૈયાઓએ સિક્યુરિટી ગાર્ડને ધક્કે ચડાવી ડોમમાં તોડફોડ કરી હતી. આ ઉપરાંત ગરબા સ્થળ પર લગાવવામાં આવેલા પોસ્ટરો ફાડીને પણ વિરોધ નોંધાવ્યો હતો. પરિસ્થિતિ વણસતાં આયોજકોએ ખેલૈયાઓને રિફંડ આપવાની જાહેરાત કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એન્ટ્રી ન મળવાના મુદ્દે ગરબા સ્થળે ભારે હોબાળો થતાં આયોજન અને વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.
Published On - Oct 13,2026 7:46 AM
