Breaking News : રાહુલ ગાંધી બોલ્યા, તમારા 200 અધિકારીઓ અમને માહિતી આપે છે, CEC ને કેમ બચાવાય છે ? કોના કહેવાથી દિલ્હીને કિલ્લામાં ફેરવ્યું ?
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, કેન્દ્રની મોદી સરકારના 200 સરકારી અધિકારીઓ વિપક્ષના સંપર્કમાં છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી કરતા રાહુલે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં થયેલી અનિયમિતતાઓ અંગે હવે વિપક્ષ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે.

Press conference by Leader of Opposition Rahul Gandhi : લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ, આજે સોમવારે એક પત્રકાર પરિષદ યોજી હતી અને કેન્દ્ર સરકાર તેમજ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, લગભગ 200 સરકારી અધિકારીઓ વિપક્ષના સંપર્કમાં છે અને ED, CBI અને વિદેશ મંત્રાલયની અંદરથી માહિતી મળી રહી છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદીઓ અંગે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવતા પ્રશ્નોને દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકાર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને બચાવી રહી છે અને આ કારણોસર તેમની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરનારાઓને દિલ્હીમાં પ્રવેશતા અટકાવવામાં આવી રહ્યા છે.
‘દિલ્હીને કોના રહેવાથી કિલ્લામાં ફેરવી દેવાયું’
CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, લોકોને રાજધાનીમાં આવતા અટકાવવામાં આવી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે ટ્રેન અને બસ દ્વારા આવતા લોકોને રોકવામાં આવી રહ્યા છે અને સમગ્ર દિલ્હી શહેરને એક કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે.
રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી કે, સરકાર જેટલી વધુ સુરક્ષા કડક કરશે, વિપક્ષના પ્રશ્નો તેટલા જ વધુ જોરશોરથી સામે આવશે. તેમણે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે દિલ્હીના રસ્તાઓ પર 20,000 થી 30,000 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવે જેથી દેશ જોઈ શકે કે સરકાર કેવી રીતે જ્ઞાનેશ કુમારને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ‘50% પોલીસ કર્મચારીઓ અમારી સાથે છે’
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે યુવાનો સામે લેવામાં આવી રહેલા પગલાં અંગે દિલ્હી પોલીસ, CRPF અને ITBPના કર્મચારીઓમાં નારાજગી છે. તેમણે કહ્યું કે પોલીસ કર્મચારીઓ પૂછી રહ્યા છે કે યુવાનોને કેમ મારવામાં આવી રહ્યા છે અને તેઓ તેમની સાથે ખરાબ વર્તન કરવા માંગતા નથી તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ ભારપૂર્વક કહ્યું કે લગભગ 50 ટકા પોલીસ કર્મચારીઓ તેમના આંદોલનને સમર્થન આપે છે. તેમણે ઉમેર્યું કે પોલીસ દળ અને વહીવટીતંત્રના સભ્યો પણ સરકારના વલણથી વ્યથિત છે.
