Dabeli Recipe : હવે કચ્છી દાબેલી 10 મિનિટમાં ઘરે બનાવો, આ રહી સરળ રેસિપી
ગુજરાતનું સુપ્રસિદ્ધ સ્ટ્રીટ ફુડ એવી દાબેલી મોટાભાગના દરેક લોકોને પસંદ હોય છે. દાબેલી ગુજરાતમાં જ નહીં દુનિયાભરના લોકોને પસંદ આવતું સ્ટ્રીટ ફુડ છે. દાબેલી બનાવવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. તો આજે જાણીશું ઘરે સરળતાથી કેવી રીતે દાબેલી બનાવી શકાય.

ગુજરાતમાં સૌથી વધારે કચ્છી દાબેલી વખણાતી હોય છે. ત્યારે કચ્છી દાબેલી ઘરે બનાવવા માટે બટાકા, ડુંગળી, જીરું, વરિયાળી, તેલ, તજ, લવિંગ, કાળા મરી, નારિયેળની છીણ, હળદર, આખા ધાણા, ખાંડ, આમચૂર, આંબલીની ચટણી, લીલી ચટણી, મગફળી, દાડમ સહિતની સામગ્રીની જરુરત પડશે.

ગુજરાતની ફેમસ કચ્છી દાબેલી બનાવવા માટે સૌથી પહેલા બટાકા સ્વચ્છ પાણીથી ધોઈને તેને બાફી લો. બાફેલા બટાકા ઠંડા થાય ત્યારે તેની છાલ કાઢી બરાબર મેશ કરી દો. ધ્યાન રાખો કે તેમાં ગાંઠા રહી ન જાય.

હવે એક પેનમાં આખા ધાણા, વરિયાળી, જીરું, કાળા મરી, તજ,લવિંગ, સુકાયેલુ નારિયેળ, લાલ મરચાં નાખી તમામ મસાલાને બરાબર શેકી લો. જ્યારે મસાલામાંથી સુગંધ આવવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો. હવે મસાલો ઠંડો થાય ત્યારે તેને પીસી લો.

આ બધા જ મસાલામાં હવે આમચૂર, ખાંડ, હળદર અને સ્વાદાનુંસાર મીઠું નાંખીને મિક્સરમાં નાંખીને પીસી લો. આ મસાલો તમે સ્ટોર પણ કરી શકો છો. એક પેનમાં તેલ ઉમેરો તેમાં હિંગ નાખી તેમાં દાબેલીનો મસાલો ઉમેરી તેમાં મેશ કરેલા બટાકા નાખી બરાબર મિક્સ કરી દો.

હવે પાઉને વચ્ચેથી કાપી એક તરફ લીલી ચટણી અને બીજી તરફ ગળી ચટણી લગાવી દો. ત્યારબાદ પાવમાં દાબેલીનો મસાલો ભરી તેને બંન્ને તરફથી બરાબર શેકી તેના પર સેવ અને ડુંગળી નાખી સર્વ કરી શકો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
