WPL 2026 : વિશ્વની સૌથી ફાસ્ટ બોલરને મળ્યા ફક્ત આટલા રૂપિયા, ગુજરાન ચલાવવા માટે દિવસ-રાત કરવું પડ્યું આ કામ
WPL 2026 Auction: વિશ્વની સૌથી ફાસ્ટ મહિલા બોલરને ફક્ત ₹60 લાખ. ગુજરાન ચલાવવા માટે એક સમય એવો પણ આવ્યો હતો કે દિવસ-રાત કામ કરવું પડતું હતું

દક્ષિણ આફ્રિકાની ઝડપી બોલર શબનીમ ઇસ્માઇલને WPL 2026ની હરાજીમાં મુંબઈ ઇન્ડિયન્સે પોતાની ટીમમાં સામેલ કરી છે. જમણા હાથની આ અનુભવી પેસર બેટ્સમેન માટે હંમેશા ભયાનક સાબિત થાય છે, કારણ કે મહિલા ક્રિકેટ ઇતિહાસમાં તે સૌથી ઝડપી બોલર તરીકે જાણીતી છે.

મહિલા પ્રીમિયર લીગ 2024 દરમિયાન શબનીમ ઇસ્માઇલે દિલ્હી કેપિટલ્સ સામે 132.1 કિમી/કલાકની ઝડપે બોલ ફેંકીને ઇતિહાસ રચ્યો હતો. તેણીના સ્પીડ અને સ્વિંગની સામે વિશ્વના કોઈપણ બેટ્સમેન ટકવા મુશ્કેલ રહે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા માટે અનેક જીત અપાવ્યા બાદ હવે તે મુંબઈ ઇન્ડિયન્સને ફરી ચેમ્પિયન બનાવવા માટે તૈયાર છે.

WPL 2026ની હરાજીમાં તેને ફક્ત ₹60 લાખમાં ખરીદવામાં આવી છે. શબનીમ ઇસ્માઇલ જેટલી ઝડપી અને મેચ વિનિંગ બોલર માટે આ રકમ નાની ગણાય, કારણ કે પાવરપ્લે હોય કે ડેથ ઓવર્સ તે એકલી જ મેચનું પરિણામ બદલી શકે છે. તેનો ક્રિકેટિંગ અનુભવ અને માનસિક મજબૂતી ટીમ માટે અમૂલ્ય સંપત્તિ છે.

શબનીમ ઇસ્માઇલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચૂકી છે, પરંતુ તે હજુ પણ વિશ્વભરમાં વિવિધ લીગમાં રમે છે. જેમ કે WBBL, The Hundred, WPL અને WCPL. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં તેણીએ 123 વિકેટ, જ્યારે મહિલા પ્રીમિયર લીગમાં 20 વિકેટ પોતાના નામે કરી છે.

શબનીમ ઇસ્માઇલની કારકિર્દી સંઘર્ષોથી ભરેલી રહી છે. એક સમયે તેને સ્પીડ પોઇન્ટ ટેકનિશિયન તરીકે નોકરી કરવી પડતી હતી, જ્યાં તે દિવસ-રાત કામ કરતી હતી અને સાથે સાથે ક્રિકેટનો અભ્યાસ પણ કરતી હતી. બાળપણથી તેને મિકેનિકલ એન્જિનિયર બનવાનો શોખ હતો, પરંતુ ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ એટલો ગાઢ બન્યો કે તેણે પોતાની આખી જિંદગી ક્રિકેટને સમર્પિત કરી દીધી — અને આજે તે મહિલા ક્રિકેટની સૌથી ઝડપી બોલર તરીકે દુનિયામાં જાણીતી છે.
