મહિલા ચેસ વર્લ્ડ કપ ફાઈનલ જીતીને ઈતિહાસ રચનાર દિવ્યા દેશમુખ કોણ છે?
મહિલા ચેસ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં, દિવ્યા દેશમુખે ગ્રાન્ડમાસ્ટર અને કોનેરુ હમ્પીને હરાવીને ટાઈટલ જીત્યું. તે FIDE મહિલા ચેસ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની છે. મહિલા ચેસ વર્લ્ડ કપ ફાઈનલ જીતીને ઈતિહાસ રચનાર દિવ્યા દેશમુખ વિશે જાણો.

સોમવાર, 28 જુલાઈના રોજ, દિવ્યા દેશમુખે ગ્રાન્ડમાસ્ટર અને ભારતની જ કોનેરુ હમ્પીને હરાવીને મહિલા ચેસ વર્લ્ડ કપની ફાઈનલ મેચ જીતી. આ જીત સાથે, દિવ્યા FIDE મહિલા ચેસ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની. દિવ્યાએ ખૂબ જ નાની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું હતું, જેના ફળ તેને હવે મળી રહ્યા છે.

દિવ્યાનો જન્મ 9 ડિસેમ્બર 2005ના રોજ નાગપુરમાં થયો હતો. તેણે 5 વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું. દિવ્યાએ 2012માં 7વર્ષની ઉંમરે અંડર-7 રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી. ત્યારબાદ તેણીએ અંડર-10 (ડરબન, 2014), અંડર-12 (બ્રાઝિલ, 2017), અંડર-10 (ડર્બન 2017) વર્લ્ડ યુથ ટાઈટલ જીત્યા હતા.

દિવ્યાએ જુનિયર ગર્લ્સ અંડર-20 ચેમ્પિયનશિપ પણ જીતી હતી, જ્યાં તેણીએ 11 માંથી 10 પોઈન્ટ મેળવ્યા અને ટોચ પર રહી. આ ઉપરાંત, તેણીએ 45મા ચેસ ઓલિમ્પિયાડમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તે એશિયન જુનિયર ચેમ્પિયન પણ છે.

દિવ્યા દેશમુખે આ વર્ષે FIDE વર્લ્ડ બ્લિટ્ઝ ટીમ ચેસ ચેમ્પિયનશિપમાં વિશ્વની નંબર વન ખેલાડી હૌ યિફાનને હરાવી છે. એટલું જ નહીં, તેણીએ 10 થી 16 જૂન દરમિયાન લંડનમાં યોજાયેલી FIDE વર્લ્ડ બ્લિટ્ઝ ટીમ ચેમ્પિયનશિપના સેમિફાઈનલના બીજા રાઉન્ડમાં ચીનની યિફાનને હરાવી હતી.

દિવ્યાના કોચ શ્રીનાથે જણાવ્યું, 'તે ખૂબ જ આક્રમક ખેલાડી છે પરંતુ સમય જતા દિવ્યા ઓલરાઉન્ડર બની ગઈ છે. તેણે બધા ફોર્મેટમાં સમાન પ્રદર્શન કર્યું છે. તેની સૌથી મોટી તાકાત એ છે કે મુશ્કેલ સમયમાં પણ તે મહેન્દ્ર સિંહ ધોની જેવા ઠંડા મનથી વિચારે છે અને મને આશા છે કે તે ભવિષ્યમાં પણ સારું પ્રદર્શન કરશે.' (All Photo Credit : X / Instagram)
દિવ્યા દેશમુખે મહિલા ચેસ વર્લ્ડ કપ ફાઈનલ જીતીને ઈતિહાસ રચ્યો. ચેસ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
