શું રોહિત શર્માએ આ કારણોસર ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી? આપ્યું આ મોટું નિવેદન
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માએ તાજેતરમાં ટેસ્ટ ફોર્મેટ પર એક મોટું નિવેદન આપ્યું છે, જેની ચાહકો તેમની નિવૃત્તિ પછી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રોહિતે આ વર્ષે મે મહિનામાં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું હતું.

રોહિત શર્માએ આ વર્ષે મે મહિનામાં ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી. એક વર્ષ પહેલા T20 વર્લ્ડ કપ બાદ T20 ફોર્મેટને અલવિદા કહ્યું. હવે તે ફક્ત ODI ફોર્મેટમાં જ રમે છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં રોહિતે ટેસ્ટ ક્રિકેટનો અનુભવ શેર કર્યો અને આ ફોર્મેટને માનસિક અને શારીરિક રીતે ખૂબ જ પડકારજનક ગણાવ્યું હતું.

ટેસ્ટ ફોર્મેટ વિશે રોહિતે કહ્યું, 'આ એવું ફોર્મેટ છે જેના માટે તમારે લાંબી તૈયારી કરવી પડે છે, કારણ કે ટેસ્ટમાં તમારે લાંબા સમય સુધી મેદાન પર રહેવું પડે છે, ટેસ્ટમાં પાંચ દિવસ રમવાનું હોય છે. માનસિક રીતે તે ખૂબ જ પડકારજનક અને કંટાળાજનક પણ હોય છે.

રોહિતે વધુમાં કહ્યું, જ્યારે આપણે સ્પર્ધાત્મક સ્તરે ક્રિકેટ રમવાનું શરૂ કરીએ છીએ, ત્યારે મુંબઈમાં પણ, ક્લબ ક્રિકેટ મેચ બે દિવસ કે ત્રણ દિવસ ચાલે છે, આ રીતે આપણે નાનપણથી જ તેના માટે તૈયાર થઈએ છીએ. આનાથી તમારી સામે આવતી પરિસ્થિતિઓનો સામનો કરવો થોડો સરળ બને છે.

રોહિતે આગળ કહ્યું, 'જ્યારે તમે ખૂબ નાના હોવ છો, ત્યારે તમને તૈયારીનું મહત્વ સમજાતું નથી. પરંતુ જેમ-જેમ તમે પ્રગતિ કરો છો, તેમ-તેમ તમે સમજો છો કે રમતમાં શિસ્ત જરૂરી છે, જે તૈયારીથી આવે છે, તમારે બરાબર શું કરવાની જરૂર છે તે સમજવું.

જ્યારે તમે સૌથી લાંબા ફોર્મેટમાં રમી રહ્યા હોવ છો, ત્યારે એકાગ્રતા સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે, કારણ કે તમે ખૂબ સારા પ્રદર્શનની અપેક્ષા રાખતા હોવ છો અને તેના માટે માનસિક રીતે તાજગી હોવી જરૂરી છે. મારું ધ્યાન અને સમય મેચ પહેલા હું કેવી રીતે તૈયારી કરું છું તેના પર રહેતું હતું.

રોહિતે પોતાના ટેસ્ટ કરિયરમાં 67 મેચ રમી હતી, જેમાં તેણે 40.57ની સરેરાશથી 4301 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 18 અડધી સદી અને 12 સદી પણ ફટકારી હતી. તેની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે ઘણી યાદગાર જીત મેળવી હતી.

ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાને તેની કેપ્ટનશીપ હેઠળ હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી, તેની કેપ્ટનશીપ પર પ્રશ્નો ઉભા થયા હતા અને તેણે ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટ ક્રિકેટ છોડી દેવાનો નિર્ણય લીધો હતો.
ટેસ્ટ અને T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ બાદ રોહિત શર્મા હવે ફક્ત ODI ફોર્મેટમાં જ રમે છે. રોહિત શર્મા સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
