Rishabh Pant: રિટાયર્ડ હર્ટ થયા બાદ ફરી મેદાનમાં આવી રિષભ પંતે મચાવી ધમાલ, નવ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા
ભારત અને દક્ષિણ આફ્રિકા A ટીમો વચ્ચે બીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચ બેંગલુરુના BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ગ્રાઉન્ડ 1 ખાતે રમાઈ રહી છે. ઈજાગ્રસ્ત હોવા છતાં પંતે એક મજબૂત ઈનિંગ રમી અને પોતાની ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી.

દક્ષિણ આફ્રિકા સામેની બીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ભારતનું બેટિંગ પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું. ભારતે 382 રન પર પોતાની ઈનિંગ ડિકલેર કરી અને આફ્રિકાને 417 રનનો લક્ષ્યાંક આપ્યો, જેમાં કેપ્ટન પંતની શાનદાર ઈનિંગ પણ સામેલ હતી.

મેચના ત્રીજા દિવસે રિષભ પંતને ઈજા થઈ હતી. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર મોરેકીના ત્રણ બોલ તેના શરીર પર વાગ્યા હતા. પહેલો બોલ હેલ્મેટ પર, બીજો બોલ ડાબી કોણીમાં અને ત્રીજો બોલ પેટમાં વાગ્યો, જેના કારણે તેને રિટાયર્ડ હર્ટ થવું પડ્યું હતું.

જ્યારે રિષભ પંત રિટાયર્ડ હર્ટ થયો ત્યારે તેણે 22 બોલમાં 17 રન બનાવ્યા હતા, જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગા સામેલ હતા. પરંતુ ખાસ વાત એ હતી કે તે થોડા સમય પછી પાછો આવ્યો અને આક્રમક બેટિંગ કરી રન બનાવ્યા.

આ ઈનિંગમાં રિષભ પંતે કુલ 54 બોલનો સામનો કર્યો અને 65 રન બનાવ્યા અને પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા. દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી પહેલા આ ઈનિંગથી પંતની સાથે ટીમ ઈન્ડિયાની ચિંતા ઓછી થઈ છે.

રિષભ પંત દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરશે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેને ઈજા થઈ હતી, જેના કારણે તે છેલ્લી ટેસ્ટ શ્રેણીમાં ભાગ લઈ શક્યો ન હતો. જોકે, હવે તે ટીમ ઈન્ડિયામાં પાછા ફરવા માટે ફિટ દેખાય છે. (PC : PTI)
રિષભ પંત ટીમ ઈન્ડિયાનો નંબર 1 વિકેટકિપર બેટ્સમેન છે. રિષભ પંત સાથે જોડાયેલ તમામ સમાહાર વાંચવા અહીં ક્લિક કરો
