IND vs ENG : ‘હું ફક્ત પાણી આપી રહ્યો છું’… ઈંગ્લેન્ડમાં છલકાયું ઈશાન કિશનનું દુઃખ
ઈશાન કિશન લગભગ દોઢ વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર અચાનક ટીમ ઈન્ડિયામાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું અને પાછો ફર્યો હતો. ત્યારથી, તે દરેક ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની બહાર છે અને વર્તમાન પરિસ્થિતિને જોતા, તેની વાપસીની શક્યતા ઓછી લાગે છે. કારણ કે ઈશાન કિશનને ઈંગ્લેન્ડમાં બે અનઓફિશિયલ ટેસ્ટ મેચમાંથી એક પણ મેચમાં તક મળી નથી.

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી હેડિંગ્લીમાં ટેસ્ટ શ્રેણી શરૂ થશે. શ્રેણી પહેલા ઈંગ્લેન્ડ લાયન્સ અને ઈન્ડિયા A વચ્ચે અનઓફિશિયલ ટેસ્ટ રમાઈ, જેની બીજી ટેસ્ટ સોમવાર 9 જૂને સમાપ્ત થઈ. આ બે મેચમાં ઘણા ખેલાડીઓને તક મળી, પરંતુ ઈશાન કિશનને તક ન મળી અને અંતે તેણે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું.

ઈશાન છેલ્લા દોઢ વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર છે. જોકે, ભૂતકાળમાં તેને ઈન્ડિયા A માં તક આપવામાં આવી છે. ગયા વર્ષે, તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર A ટીમનો ભાગ હતો અને ત્યાં રમવાની તક પણ મળી. એ જ આશા સાથે, તેને ઈંગ્લેન્ડ A ટીમમાં સ્થાન મળ્યું, પરંતુ આ વખતે, બે મેચ હોવા છતા, તેને બેન્ચ પર બેસવું પડ્યું.

અનઓફિશિયલ ટેસ્ટ મેચના છેલ્લા દિવસે નોર્થમ્પ્ટનના કાઉન્ટી ગ્રાઉન્ડ પર ચાહકોને ઓટોગ્રાફ આપતા એક ફેને કહ્યું કે ઈશાન સદી ફટકારશે, ત્યારે તેના જવાબમાં ઈશાનની લાચારી સામે આવી. ઈશાને કહ્યું, "હું કેવી રીતે સ્કોર કરું, હું અહીં પાણી આપી રહ્યો છું."

ઈશાનની જગ્યાએ ધ્રુવ જુરેલને બંને મેચમાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યો. તેનું કારણ એ છે કે જુરેલ ટેસ્ટ શ્રેણીની ટીમમાં છે. જેથી તે ઈંગ્લેન્ડના મુશ્કેલ પ્રવાસમાં શક્ય તેટલી વધુ પ્રેક્ટિસ કરે અને ત્યાંની પરિસ્થિતિમાં ફાસ્ટ બોલરોના સ્વિંગમાં પોતાને અનુકૂલિત કરી શકે તેવું મેનેજમેન્ટ ઈચ્છે છે.

જ્યાં સુધી ઈશાનનો સવાલ છે, આ પ્રકારની અવગણનાને કારણે ટીમમાં તેની વાપસી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. જ્યારે તે ટીમમાં હતો, ત્યારે કેએલ રાહુલને આફ્રિકામાં પંતની ગેરહાજરીમાં વિકેટકીપર બનાવવામાં આવ્યો. આ પછી ઈશાન અચાનક ભારત પાછો ફર્યો. ત્યારથી તે દરેક ફોર્મેટમાં ટીમની બહાર છે.

આ દરમિયાન, ધ્રુવ જુરેલે ટેસ્ટ ક્રિકેટમાં જોરદાર ડેબ્યૂ કરીને રિષભ પંતના અનુગામીની જવાબદારી સંભાળી લીધી છે. ઈંગ્લેન્ડ પ્રવાસમાં ઈશાન કિશન માટે છેલ્લી તક ટીમ ઈન્ડિયા સાથે યોજાનારી પ્રેક્ટિસ મેચ છે. જેમાં તક મળશે તેવી ઈશાન ચોક્કસ આશા રાખશે. (All Photo Credit : PTI)
IPL 2025માં ઈશાન કિશન SRH માટે સારું રમ્યો, છતાં તેને ઈંગ્લેન્ડમાં રમવાની તક ન મળી. ઈશાન કિશન સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

































































