IND vs NZ: શુભમન ગિલ માટે ન્યુઝીલેન્ડ કેમ છે ખાસ ? 7 વર્ષ જૂની યાદો વાગોળતાં થયો ભાવુક
ભારતીય કેપ્ટન શુભમન ગિલ માટે ન્યુઝીલેન્ડ માત્ર એક પ્રવાસ નથી, પરંતુ તેની કારકિર્દીની અનેક યાદો સાથે જોડાયેલી ભૂમિ છે. આ દેશ સાથે તેની કારકિર્દીની કેટલીક યાદગાર ક્ષણો જોડાયેલી છે. વર્ષો પહેલાં અહીં જે શરૂઆત થઈ હતી, હવે એ જ ભૂમિ પર તે ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે પરત ફર્યો છે. ચાલો જાણીએ ન્યુઝીલેન્ડ ગિલ માટે આટલું ખાસ કેમ છે.

ભારતીય કેપ્ટન શુભમન ગિલ માટે ન્યુઝીલેન્ડ હંમેશા ખાસ રહ્યું છે. અહીં તેણે 2018માં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો.

ત્યારબાદ 2019માં ન્યુઝીલેન્ડ સામે જ તેની વનડે કારકિર્દીની શરૂઆત થઈ હતી. હવે તે કેપ્ટન તરીકે આ દેશમાં પરત ફર્યો છે.

ગિલે પ્રેસ કોન્ફરન્સમાં જૂની યાદો વાગોળતાં કહ્યું કે ન્યુઝીલેન્ડમાં તેની ઘણી મીઠી યાદો જોડાયેલી છે. અહીં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો અને આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ પણ કર્યું. આ કારણે જ્યારે પણ તે ન્યુઝીલેન્ડ આવે છે ત્યારે તેને ખૂબ આનંદ થાય છે.

2019માં હેમિલ્ટનમાં એમએસ ધોનીએ ગિલને તેની પ્રથમ વનડે કેપ આપી હતી. માઉન્ટ મૌંગાનુઈમાં અંડર-19 વર્લ્ડ કપની જીતથી લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત સુધીની યાદો આજે પણ તેના માટે ખાસ છે.

ગિલ હવે માત્ર યુવા બેટ્સમેન નથી, પરંતુ ભારતીય ટીમનો કેપ્ટન છે. 2027ના વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ટીમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી તેને ટીમનું કોમ્બિનેશન ચકાસવાની તક આપશે.

ગિલના મતે અલગ-અલગ મેદાનો પર રમવાથી ખેલાડીઓને અનુભવ મળશે. આ અનુભવ વર્લ્ડ કપ દરમિયાન ઉપયોગી સાબિત થઈ શકે છે. તેણે ન્યુઝીલેન્ડની પરિસ્થિતિઓને બેટિંગ અને બોલિંગ બંને માટે પડકારજનક ગણાવી હતી.

જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા ખેલાડીઓની ગેરહાજરીમાં ભારતીય બોલિંગ આક્રમણ યુવા ખેલાડીઓ પર નિર્ભર રહેશે. ગિલે સ્વીકાર્યું કે આ પડકારજનક પરિસ્થિતિ છે, પરંતુ યુવા ખેલાડીઓ માટે પોતાની ક્ષમતા સાબિત કરવાની સારી તક પણ છે.

ગિલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતીય ટીમમાં કોઈપણ પરિસ્થિતિમાં કોઈપણ ટીમને હરાવવાની ક્ષમતા છે. યુવા ખેલાડીઓ ન્યૂઝીલેન્ડમાં સારું પ્રદર્શન કરશે તો તેમનો આત્મવિશ્વાસ વધશે અને વર્લ્ડ કપની તૈયારીને પણ મજબૂતી મળશે. (PC:PTI/X)
Breaking News: હાર્દિક પંડ્યાએ પુનરાગમન કરવા માટે ઘરેલુ ક્રિકેટ રમવાની જરૂર છે, શુભમન ગિલે સ્પષ્ટ સંદેશ આપ્યો
