SpiceJet Crisis : શું SpiceJet સંપૂર્ણપણે બંધ થઈ જશે? માર્કેટ શેર 1.2% થી ઘટીને 0.6% થયો, જાણો શું છે સ્થિતિ
દેશની અગ્રણી એરલાઇન સ્પાઇસજેટ ગંભીર આર્થિક અને ઓપરેશનલ સંકટમાં છે. DGCAએ ફ્લાઇટ રદ થવા અને વિમાનો ગ્રાઉન્ડ થવા બદલ નોટિસ ફટકારી છે.

દેશની જાણીતી સસ્તી હવાઈ સેવા આપતી કંપની સ્પાઇસજેટ (SpiceJet) હાલ ગંભીર આર્થિક અને ઓપરેશનલ સંકટમાંથી પસાર થઈ રહી છે. સતત ફ્લાઇટ્સ રદ થવી, વિમાનો ગ્રાઉન્ડ થવા અને નિયમોના ઉલ્લંઘનના આરોપો વચ્ચે DGCAએ એરલાઇનને કારણદર્શક નોટિસ ફટકારી છે. કંપનીને આ નોટિસનો જવાબ આપવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ સ્થિતિને પગલે હવે સવાલ ઊભો થયો છે કે શું સ્પાઇસજેટની હવાઈ સેવા સંપૂર્ણપણે બંધ થઈ જશે?
DGCAએ કેમ ફટકારી કારણદર્શક નોટિસ?
એવિએશન ક્ષેત્રના નિયમનકાર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ 17 નવેમ્બરના રોજ સ્પાઇસજેટને કારણદર્શક નોટિસ પાઠવી હતી. સતત બગડતી કામગીરી, ફ્લાઇટ્સમાં વિલંબ અને રદ થતી ઉડાનોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે.
DGCAના જણાવ્યા અનુસાર, કંપનીનો ઓન-ટાઇમ પર્ફોર્મન્સ (OTP) સતત નબળો પડી રહ્યો છે. મંજૂર ફ્લાઇટ શેડ્યૂલનું પાલન કરવામાં પણ કંપની નિષ્ફળ રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે એરલાઇનના મોટાભાગના વિમાનો હાલ ગ્રાઉન્ડેડ છે અને તેમને ફરીથી સેવામાં લાવવા માટે કંપની કોઈ વિશ્વસનીય યોજના રજૂ કરી શકી નથી.
66 ફ્લાઇટ્સની મંજૂરી સામે માત્ર 15 જ ઉડાન
સ્પાઇસજેટની સ્થિતિનો અંદાજ તેના વિન્ટર શેડ્યૂલ પરથી લગાવી શકાય છે. DGCAએ કંપનીને દરરોજ આશરે 66 ફ્લાઇટ્સ સંચાલિત કરવાની મંજૂરી આપી છે, પરંતુ અહેવાલો અનુસાર હાલમાં કંપની દરરોજ માત્ર 15 જેટલી ફ્લાઇટ્સ જ ચલાવી રહી છે.
આમ છતાં કંપની દ્વારા મુસાફરો પાસેથી ટિકિટ બુકિંગ લેવામાં આવી રહ્યું છે. પરિણામે છેલ્લી ઘડીએ ફ્લાઇટ્સ રદ થવાથી મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા પણ મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. એરપોર્ટે મુસાફરોને ઘરેથી નીકળતા પહેલાં સ્પાઇસજેટની વેબસાઇટ અથવા કસ્ટમર સપોર્ટ પરથી ફ્લાઇટનું લેટેસ્ટ સ્ટેટસ તપાસવાની સલાહ આપી છે.
માર્કેટ શેરમાં મોટો ઘટાડો, શેર પણ ગગડ્યો
સ્પાઇસજેટની મુશ્કેલીઓની અસર તેની બજારહિસ્સેદારી પર પણ પડી છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કંપનીનો ડોમેસ્ટિક માર્કેટ શેર 3.9 ટકા હતો, જે સપ્ટેમ્બર સુધીમાં ઘટીને માત્ર 0.6 ટકા થઈ ગયો છે.
- જાન્યુઆરી-ફેબ્રુઆરી: 3.9%
- માર્ચ: 3.8%
- એપ્રિલ: 3.4%
- મે: 2.5%
- જૂન: 1.9%
- જુલાઈ: 1.6%
- ઓગસ્ટ: 1.2%
- સપ્ટેમ્બર: 0.6%
DGCAની નોટિસના સમાચાર બાદ શેરબજારમાં પણ કંપનીના શેરમાં ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે BSE પર સ્પાઇસજેટનો શેર લગભગ 5 ટકા ઘટીને રૂ. 9.74 પર પહોંચ્યો હતો.
રૂ. 5,500 કરોડ એકત્ર કરવાની યોજના
કંપનીની આર્થિક સ્થિતિ પણ ચિંતાજનક હોવાનું સામે આવ્યું છે. સ્પાઇસજેટના બોર્ડે કંપનીની નાણાકીય સ્થિતિ મજબૂત કરવા માટે રૂ. 5,500 કરોડ સુધીની રકમ એકત્ર કરવાની યોજનાને મંજૂરી આપી છે.
આ ઉપરાંત DGCAએ અનિવાર્ય વિમાન વીમાના રિન્યુઅલ, સર્વિસ પ્રોવાઇડર્સને સમયસર ચુકવણી અને અગાઉ લગાવવામાં આવેલા દંડની ચુકવણી અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે જરૂરી પાત્રતા અને રૂટ ડિસ્પર્સલ ગાઇડલાઇન્સના પાલન અંગે પણ કંપની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.
શું ખરેખર બંધ થઈ જશે SpiceJet?
હાલ સ્પાઇસજેટની તમામ હવાઈ સેવાઓ બંધ થવાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે DGCAની નોટિસ અને કંપનીની નબળી ઓપરેશનલ સ્થિતિએ મુશ્કેલીઓ વધારી છે.
હવે આગામી સાત દિવસ કંપની માટે અત્યંત મહત્ત્વના છે. એક તરફ DGCAને સંતોષકારક જવાબ આપવાનો પડકાર છે, તો બીજી તરફ રૂ. 5,500 કરોડ એકત્ર કરીને ગ્રાઉન્ડેડ વિમાનોને ફરી શરૂ કરવાની જવાબદારી છે. કંપની આ પડકારોનો સામનો કેવી રીતે કરે છે તેના પર મુસાફરો અને રોકાણકારોની નજર રહેશે.
ફ્લાઇટ મોડી પડતાં સ્પાઇસજેટ કર્મચારીની મુસાફરોને ધમકી! જુઓ Video
