Breaking News : જામનગરમાં નકલી ઘીનો કારોબાર! 932 લીટર ઘી જપ્ત, જુઓ Video
જામનગરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. રવાણી ખીજડીયા ગામના વાડી વિસ્તારમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી ધમધમતી હોવાનો ખુલાસો થયો છે. પંચકોષી A ડિવિઝન પોલીસે દરોડો પાડીને નકલી ઘી નો જથ્થો જપ્ત કર્યો છે.
ગુજરાતમાં દિવસે દિવસે નકલીની ભરમારનો પર્દાફાશ થઈ રહ્યો છે, ત્યારે વધુ એક વખત નકલી ઘી જથ્થો ઝડપાયો છે. ગુજરાતના અલગ-અલગ જિલ્લામાંથી અવારનવાર અખાદ્ય પદાર્થ અને નકલી ખાદ્ય પદાર્થો ઝડપાઈ રહ્યાં છે. ત્યારે જામનગરના રવાણી ખીજડીયા ગામમાં નકલી ઘી બનાવવાની ફેકટરીનો પર્દાફાશ થયો છે. પંચકોષી A ડિવિઝન પોલીસ દ્વારા વાડી વિસ્તારમાં દરોડો પાડવામાં આવતાં નકલી ઘી બનાવવાનો મોટો કારોબાર સામે આવ્યો હતો. પોલીસની કાર્યવાહીમાં એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે સ્થળ પરથી 932 લીટર બનાવટી ઘી સહિતનો મોટો જથ્થો મળી આવ્યો છે.
2160 ડબ્બા બનાવટી ઘી ઝડપાયું
પ્રાપ્તથતી માહિતી અનુસાર ખીજડીયા ગામના વાડી વિસ્તારમાં નકલી ઘી બનાવવાની ફેકટરી ધમધમતી હતી. આ નકલી ઘીની ફેકટરીનો કારોબાર ભરત ખીમસુરીયા અને મનસુખ ખીમસુરીયા નામના શખ્સો ચલાવતા હતા. પોલીસ દરોડામાં ઘટના સ્થળ પરથી કુલ 932 જેટલા લીટર બનાવટી ઘી અને 2160 ડબ્બા મળી આવ્યા હતા. જપ્ત કરવામાં આવેલો આ નકલી ઘીના જથ્થાની કિંમત 5 લાખ જેટલી હોવાનું સામે આવ્યું છે.
જાણીતા બ્રાન્ડના નામે વેચાતુ હતું ઘી
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના અંગે ફૂડ વિભાગને જાણ થતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ઘીના નમૂના લીધા હતા. આ ઉપરાંત આશરે 500 લીટર બનાવટી ઘીના જથ્થો ઘટનાસ્થળે જ નાશ કરવામાં આવ્યો છે. મહત્વની બાબત તો એ છે કે જાણીતી બ્રાન્ડના નામે નકલી ઘીનું વેચાણ કરવામાં આવતું હતુ. જો કે હવે પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ગ્રાહકોના આરોગ્ય સામે પણ સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો : Trade Meet 2026: ગુજરાતના વેપારીઓની બલ્લે બલ્લે ! પંજાબ-હરિયાણા સાથે જોડાશે બંદરો,જાણો સંપૂર્ણ માહિતી
