Breaking News : ઇન્કમ ટેક્સમાં સૌથી મોટો સુધારો ! હવે કાયદો બદલાશે, ટેક્સપેયર્સને મળશે મોટી રાહત
આગામી નાણાકીય વર્ષ, 1 એપ્રિલ, 2026 થી દેશમાં સંપૂર્ણપણે નવો ઇન્કમ ટેક્સનો કાયદો લાગુ કરવામાં આવશે. સરળ રીતે કહીએ તો, ટેક્સ સિસ્ટમમાં એક ઐતિહાસિક બદલાવ થઈ રહ્યો છે.

આગામી નાણાકીય વર્ષ, 1 એપ્રિલ, 2026 થી દેશમાં સંપૂર્ણપણે નવો ઇન્કમ ટેક્સનો કાયદો લાગુ કરવામાં આવશે. 1961 ના જૂના આવકવેરા કાયદાને હવે 'ઇન્કમ ટેક્સ એક્ટ, 2025' દ્વારા બદલવામાં આવશે. મીડિયા રિપોર્ટસ અનુસાર, સંસદે 12 ઓગસ્ટના રોજ આ કાયદાને પસાર કર્યો હતો.

સોમવારે એટલે કે આજે 17 નવેમ્બરના રોજ CBDT ચીફ રવિ અગ્રવાલે જણાવ્યું હતું કે, નવા કાયદા સાથે ITR ફોર્મ્સ અને બીજા તમામ ફોર્મ્સ સંપૂર્ણપણે સરળ બનાવવામાં આવી રહ્યા છે.

રવિ અગ્રવાલે ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં ટેક્સપેયર્સ લાઉન્જના લોન્ચિંગ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા આ બધી બાબતો શેર કરી હતી. તેમણે કહ્યું કે, “અમારું પૂરેપૂરું ફોકસ ટેક્સપેયર્સને તેમના રિટર્ન ફાઇલ કરતી વખતે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તેની ખાતરી કરવા પર છે. આથી, અમે ITR ફોર્મ શક્ય તેટલા સરળ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."

સીબીડીટીના ચીફે જણાવ્યું હતું કે, તમામ ITR ફોર્મ, ત્રિમાસિક TDS રિટર્ન અને બીજા ફોર્મ હાલમાં ફરીથી ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે. ડિરેક્ટોરેટ ઓફ સિસ્ટમ્સ અને ટેક્સ પોલિસી ડિવિઝન બંને સાથે મળીને કામ કરી રહ્યા છે. જાન્યુઆરી 2026 સુધીમાં બધા ફોર્મ અને નિયમો તૈયાર થઈ જશે, તેવી શક્યતા છે. આનાથી, કરદાતાઓને તેમના સોફ્ટવેર અને પ્રોસેસને બદલવા માટે પૂરતો સમય મળે. નવા ફોર્મ કાયદા વિભાગ દ્વારા મંજુર થયા પછી જાહેર કરવામાં આવશે અને પાર્લામેન્ટ સામે રજૂ કરવામાં આવશે.

ખાસ વાત એ છે કે, જૂના આવકવેરા કાયદા, 1961 માં 819 કલમ હતી, જે હવે નવા કાયદામાં ઘટાડીને ફક્ત 536 કરવામાં આવી છે. આ સિવાય ચેપ્ટર 47 થી ઘટાડીને 23 કરવામાં આવ્યા છે. હવે સૌથી અગત્યનું એ છે કે, શબ્દોની સંખ્યા 5.12 લાખથી ઘટીને 2.6 લાખ થઈ ગઈ છે. ટૂંકમાં જૂની, જટિલ ભાષા અને નકામી જોગવાઈઓ દૂર કરવામાં આવી છે.

નવા કાયદામાં 39 નવા ટેબલ (કોષ્ટક) અને 40 નવા ફોર્મ્યુલાનો સમાવેશ થાય છે, જેનાથી લાંબા ફકરા વાંચવાને બદલે એક નજરમાં શું કરવાની જરૂર છે, તે સમજવું સરળ બને છે. સદનસીબે, કોઈ નવા ટેક્સ દરમાં વધારો કરવામાં આવ્યો નથી; ફક્ત ભાષા અને સ્ટ્રક્ચર જ સરળ બનાવવામાં આવ્યું છે.

કરદાતાઓ માટે આ એક મોટી રાહત છે, કારણ કે ફોર્મ ભરવા હવે પહેલા જેટલું મુશ્કેલ રહેશે નહીં. વિભાગનો દાવો છે કે, નવો કાયદો સામાન્ય માણસની ભાષામાં લખાયેલો હશે અને સમજવામાં સરળ હશે.
આ પણ વાંચો: Income Tax : હવે બેંકના ધક્કા નહીં ખાવા પડે ! ઘરે બેઠા જ UPI થી ટેક્સ ચૂકવવાની સરળ રીત જાણો, મિનિટોમાં જ થઈ જશે ‘પેમેન્ટ’
