‘કેળા’ હંમેશા ‘વાંકા’ જ કેમ હોય છે ? સીધા કેમ નહીં ? જાણો આની પાછળનું રસપ્રદ વિજ્ઞાન
કેળા તો આપણે બધા ખાઈએ છીએ પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તે હંમેશા વળેલા જ કેમ હોય છે? બીજા ફળો જ્યારે, ગોળ અથવા સીધા હોય છે, ત્યારે કેળું હંમેશા વળેલું જોવા મળે છે. આની પાછળ કોઈ સંયોગ નથી પરંતુ એક ખાસ વિજ્ઞાન કામ કરે છે.

કેળું દુનિયામાં સૌથી વધુ ખવાતા ફળોમાંનું એક છે. જો કે, તેને ખાતી વખતે ભાગ્યે જ કોઈએ આ વાત પર ધ્યાન આપ્યું હશે કે, તેનો આકાર હંમેશા 'કવર્ડ' એટલે કે વળેલો હોય છે. સફરજન, સંતરા, તરબૂચ જેવા ફળો સામાન્ય રીતે ગોળ અથવા લંબગોળ હોય છે પણ કેળાનો આકાર વળાંક જેવો દેખાય છે. રસપ્રદ વાત એ છે કે, આની પાછળ એક ખાસ વિજ્ઞાન કામ કરે છે.

વાત એમ છે કે, શરૂઆતમાં કેળા સીધા હોય છે પરંતુ સૂર્યના પ્રકાશ તરફ વધતા-વધતા તેમનો આકાર વળી જાય છે. વિજ્ઞાનમાં આ પ્રક્રિયાને 'ફોટોટ્રોપિઝમ' કહેવામાં આવે છે. આનો અર્થ પ્રકાશની દિશામાં વધવું થાય છે. આ જ કારણસર કેળું ઉપરની તરફ વળેલું હોય છે. 'કેળા' ઝાડની ઊંચાઈ પર નીચેની તરફ લટકીને મોટા થાય છે. એક મોટા લૂમમાં ઘણા બધા કેળા સાથે લાગેલા હોય છે અને આખો લૂમ નીચેની તરફ નમેલો હોય છે.

શરૂઆતમાં નાના કેળા મોટે ભાગે સીધા હોય છે પરંતુ જેમ-જેમ તે મોટા થવા લાગે છે, તેમ તેમ તેમનો આકાર બદલાવા લાગે છે. હકીકતમાં, 'કેળું' સૂર્યના પ્રકાશ તરફ વધવાનો પ્રયત્ન કરે છે. એવામાં ભલે તેનો લૂમ નીચે લટકી રહ્યો હોય પરંતુ દરેક કેળું ઉપરની તરફ વળવા લાગે છે, જેથી તેને વધુમાં વધુ તડકો મળી શકે. આ જ કારણથી તેનો આકાર વક્ર (Curved) થઈ જાય છે.

વિજ્ઞાનની ભાષામાં આ પ્રક્રિયાને “નેગેટિવ ફોટોટ્રોપિઝમ” પણ કહેવામાં આવે છે. ઘણા છોડ અને ફળો સૂર્ય તરફ નમે છે પરંતુ કેળામાં આ અસર ખૂબ જ સ્પષ્ટ દેખાય છે. આથી જ નીચે લટકવા છતાં કેળું ઉપરની તરફ વળતું જાય છે. દુનિયાભરમાં મળતા મોટાભાગના કેળા આ રીતે જ વધતા હોવાથી તે વળેલા દેખાય છે.

કેળાનો આ અનોખો આકાર માત્ર તેની ઓળખ નથી પરંતુ કુદરતના શાનદાર સંતુલનનું ઉદાહરણ છે. ટૂંકમાં, હવે પછી જ્યારે તમે કેળું ખાઓ, ત્યારે યાદ રાખજો કે તેનું આ વાંકાપણું હકીકતમાં સૂર્ય સુધી પહોંચવાની તેની મથામણનું પરિણામ છે.
(નોંધ: આ માહિતી વિજ્ઞાન આધારિત છે અને અલગ-અલગ સ્રોતમાંથી એકત્રિત કરવામાં આવી છે. TV9 Gujarati સંપૂર્ણપણે આની પુષ્ટિ કરતું નથી.)
સવારે સ્વિમિંગ કરવું જોઈએ કે સાંજે ? જાણો કયો સમય તમારા શરીર માટે છે સૌથી વધુ ફાયદાકારક
