અગ્નિવીરો માટે મોટા સમાચાર: 25 નહીં પણ 75 ટકા જવાનોને કાયમી કરવાની તૈયારી, આ વર્ષે પ્રથમ બેચ થઈ રહી છે નિવૃત્ત
પ્રથમ બેચની નિવૃત્તિ પહેલાં સંરક્ષણ મંત્રાલય સ્તરે મોટી હલચલ, અનુભવી જવાનોને સેનામાં રોકી રાખવા માટે નિયમો બદલવાની તૈયારી.

અગ્નિપથ યોજના હેઠળ સેનામાં ભરતી થયેલા અગ્નિવીરો માટે ખૂબ જ રાહતભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. ચાર વર્ષની સેવા પૂરી કર્યા બાદ પણ નિયમિત સૈનિક બનવાની તેમની શક્યતાઓ હવે પહેલા કરતાં વધુ મજબૂત બની શકે છે. દેશની ત્રણેય સેનાઓએ અગ્નિવીરોને કાયમી સેવામાં રાખવાની વર્તમાન 25 ટકાની મર્યાદા વધારવાનો પ્રસ્તાવ સરકાર સમક્ષ મૂક્યો છે. જો સરકાર દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવશે, તો હજારો યુવાનોને દેશની સેવામાં કાયમી ધોરણે જોડાવાની શાનદાર તક મળશે.

નૌસેનાએ 75 ટકા જવાનોને કાયમી રાખવાની કરી ભલામણ: વર્તમાન નિયમો અનુસાર, ચાર વર્ષની સેવા પૂર્ણ કરનારા અગ્નિવીરોમાંથી માત્ર 25 ટકા જવાનોને જ મેરિટના આધારે કાયમી સૈનિક તરીકે નિયુક્ત કરવામાં આવે છે. પરંતુ હવે ત્રણેય સેનાઓએ આ વ્યવસ્થામાં મોટા ફેરફાર સૂચવ્યા છે.

અહેવાલો અનુસાર, ભારતીય નૌસેનાએ (નેવી) સૌથી વધુ 75 ટકા સુધીના અગ્નિવીરોને કાયમી સેવામાં રાખવાનો પ્રસ્તાવ આપ્યો છે. જ્યારે આર્મી (ભૂમિસેના) અને એરફોર્સ (વાયુસેના) આ મર્યાદાને વધારીને આશરે 50 ટકા કરવાના પક્ષમાં છે. જો કે, આ દરખાસ્ત પર સરકાર તરફથી હજુ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

આ વર્ષે પ્રથમ બેચનો કાર્યકાળ થઈ રહ્યો છે પૂર્ણ: મહત્વનું છે કે અગ્નિપથ યોજના હેઠળ ભરતી થયેલા અગ્નિવીરોની પ્રથમ બેચનો ચાર વર્ષનો કાર્યકાળ આ જ વર્ષે પૂર્ણ થવા જઈ રહ્યો છે. સેનાનું માનવું છે કે ચાર વર્ષના ગાળા દરમિયાન આ જવાનો આધુનિક હથિયારો, નવી ટેકનોલોજી અને વિવિધ સૈન્ય અભિયાનોનો ઉત્તમ અનુભવ મેળવી લે છે.

આવા પ્રશિક્ષિત અને અનુભવી જવાનોને વધુ સંખ્યામાં સેનામાં જાળવી રાખવાથી દેશની સૈન્ય ક્ષમતા મજબૂત બનશે. આ સિવાય નવી બનાવાઈ રહેલી 'ભૈરવ બટાલિયન' જેવી ખાસ સૈન્ય ટુકડીઓમાં પણ નિયમિત અગ્નિવીરોની સંખ્યા વધારવા પર વિચારણા ચાલી રહી છે. સેના આગામી સમયમાં અગ્નિવીરોની ભરતી અને ટ્રેનિંગનો વ્યાપ વધારીને આશરે 90 હજાર નવી ભરતીઓ કરવાની પણ તૈયારી કરી રહી છે.
અમરનાથ યાત્રાને નિશાન બનાવવાનું પાકિસ્તાનનુ કાવતરુ, એજન્સી એલર્ટ
