PM મોદીએ ઇઝરાયલના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત, ઇઝરાયેલ ગાઝાના યુદ્ધ પર ભારતનું વલણ કર્યું સ્પષ્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી COP28 માટે સંયુક્ત આરબ અમીરાતના દુબઈ પહોંચ્યા છે. PM અહીં આબોહવા પર વૈશ્વિક નેતાઓ સાથે આયોજિત બેઠકમાં હાજરી આપી હતી. આ સિવાય તેઓ ઈઝરાયેલના રાષ્ટ્રપતિ આઈઝેક હરઝોગને મળ્યા હતા. તેમણે ટુ સ્ટેટ ફોર્મ્યુલાને આગળ લઈ જવાની વાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુબઈમાં કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ એટલે કે COP28 દરમિયાન ઈઝરાયેલના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. હમાસ સાથેના યુદ્ધ પછી આ પ્રથમ વખત હતું જ્યારે વડાપ્રધાન મોદી ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગને મળ્યા હતા.
પીએમ ક્લાઈમેટ ચેન્જ પર આયોજિત કોન્ફરન્સમાં ભાગ લેવા માટે દુબઈ પહોંચ્યા હતા. તેમણે બેઠકમાં ટૂ-સ્ટેટ ફોર્મ્યુલા પર ભાર મૂક્યો હતો. તેમણે યુદ્ધવિરામનો ઉલ્લેખ કર્યો ન હતો પરંતુ ગાઝામાં સતત માનવતાવાદી સહાય મોકલવાની અપીલ કરી હતી.
ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઈઝરાયેલના રાષ્ટ્રપતિ સાથેની મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ 7 ઓક્ટોબરના હુમલા બાદ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. હમાસ દ્વારા બંધકોની મુક્તિ જેવા પગલાઓનું પણ સ્વાગત કર્યું હતું.
જો કે, બંધકોની મુક્તિ અટકી ગઈ છે. યુદ્ધવિરામ સમાપ્ત થયા પછી, ઇઝરાયેલ ફરી ગાઝા પર બોમ્બમારો કર્યો છે, જેમાં સેંકડો લોકોના જીવ ગયા છે. હજારો બાળકો સહિત કુલ 15,000થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. જ્યારે ઇઝરાયેલના પણ અનેક લોકોના મોત થયા છે.
પીએમએ ઇઝરાયેલના નાગરિકોની જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસ પણ COP28 પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઇઝરાયેલને યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ કરી હતી. ઇઝરાયલના રાષ્ટ્રપતિએ વડાપ્રધાનને ગાઝાના લેટેસ્ટ અપડેટ્સ વિશે માહિતી આપી હતી.
ઈઝરાયેલ એમ્બેસીના એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાને ઈઝરાયેલના નાગરિકોની હત્યા પર દુખ વ્યક્ત કર્યું છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સાત દિવસ માટે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન, હમાસે ડઝનેક ઇઝરાયેલ-વિદેશી નાગરિકોને મુક્ત કર્યા હતા તેના બદલામાં ઇઝરાયલે પણ ત્રણ ગણા પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા હતા.
પીએમ મોદીએ યુએન ચીફ સાથે કરી મુલાકાત
વિદેશ મંત્રાલયે કહ્યું કે પીએમ મોદી અને યુએન ચીફ ગુટેરેસે દુબઈમાં વાતચીત કરી, પરંતુ ઈઝરાયેલ-હમાસ સંઘર્ષનો ખાસ ઉલ્લેખ કર્યો નથી. વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બંને નેતાઓએ સંયુક્ત રાષ્ટ્ર સહિત બહુપક્ષીય ગવર્નન્સ અને નાણાકીય સંસ્થાઓમાં ક્લાઈમેટ એક્શન, ક્લાઈમેટ ફાઇનાન્સ, ટેક્નોલોજી અને સુધારાઓ સંબંધિત ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓ અને ચિંતાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો