વડોદરાના ભાયલી ગામમાં સુવિધાના અભાવે લોકો ત્રાહિમામ, દિવસો સુધી વરસાદી પાણીનો નથી થતો નિકાલ, જુઓ Video
વરસાદના પગલે ભાયલીના પોશ વિસ્તારમાં 15થી વધુ સોસાયટી પ્રભાવિત થઈ હતી. પરંતુ મનપાએ વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અનેક વાર રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

Vadodara: શહેરના છેવાડે આવેલ 7 ગામોનો જ્યારે કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો ત્યારે સાતેય ગામવાસીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. લોકોની દલીલ હતી કે અમારા વેરા વધી જશે અને સુવિધાઓ કોઈ જ નહીં મળે, અમારે કોર્પોરેશનમાં નથી ભળવું. આ બાબતે હવે ગામવાસીઓ સાચા પુરવાર થયા છે.
સાત ગામો પૈકીના એક ભાયલી ગામ એ સૌથી વધુ વિકસિત અને વડોદરાના પોશ વિસ્તારો પૈકીનો એક છે પરંતુ અહીં જ્યારે વરસાદ પડે તો આ વિસ્તાર લાંબા સમય સુધી પ્રથમ સમુદ્ર, પછી તળાવ અને પછી ગટરમાં ફેરવાઈ જતો હોય છે. અહીં સામાન્ય વરસાદ પડે તો પણ દિવસો સુધી વરસાદી પાણીનો નિકાલ થતો નથી.
પાંચ વર્ષથી સમસ્યા ભોગવી રહેલા ભાયલીના લોકો ત્રણ વર્ષ થી કોર્પોરેશનમાં રજુઆત કરે છે, પરંતુ અધિકારીઓ દ્વારા ભાયલીના રહીશોની રજૂઆતોને ગંભીરતાથી નહીં લેવાતા આ વિસ્તારના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા દ્વારા કોર્પોરેશન ની સંકલન સમિતિની બેઠકમાં આ મુદ્દો આક્રોશ સાથે ઉઠાવ્યો છે. ભાયલી આમ કોર્પોરેશનના વોર્ડ નંબર 10નો વિસ્તાર છે, પરંતુ વિધાનસભા મત વિસ્તાર ડભોઈ છે.
ભાયલીનો પોશ વિસ્તાર ચોમાસામાં બની જાય છે સમુદ્ર, ગટર
શહેરના છેવાડે આવેલ ભાયલીનો ત્રણ વર્ષ પૂર્વે જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો ત્યારે કહેવાતું હતું કે આ વિસ્તારની રોનક બદલાઈ જશે. જોકે રોનક તો ના બદલાઈ પરંતુ આ વિસ્તારની હાલત બદથી બદતર થઈ ગઈ છે. ચોમાસાની ઋતુમાં ત્રણ મહિના તો લોકોને અહીં મુશ્કેલીઓમાં જ કાઢવા પડે છે. સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અહીં સૌથી મોટી સ્કૂલ અને હોસ્પિટલ છે. જેને લઈ લોકોની ભારે અવરજવર હોય છે.
ત્યારે વરસાદના સમયે લોકોને મહિનાઓ સુધી વરસાદી પાણીમાંથી જ પસાર થવું પડે છે. બાળકો, મહિલાઓ અને સિનિયર સીટીઝનને આવી પરિસ્થિતિમાં બહાર નીકળવું ખુબ જ મુશ્કેલ બને છે. જો ભારે વરસાદ પડે તો પાણી ભરાયેલા રહે એ સમજી શકાય, પરંતુ સામન્ય વરસાદમાં પણ દિવસો સુધી પાણી ભરાયેલા રહે તે કેમ ચલાવી લેવાય તેવો પ્રશ્ન સ્થાનિક લોકો કરી રહ્યા છે.
ઓનલાઈન રજુઆત પણ કરી પરંતુ સમસ્યા નો ઉકેલ નહીં
શિક્ષિત અને સમૃદ્ધ ગણાતા આ વિસ્તારના લોકો દ્વારા કોર્પોરેશનના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો તો કરી છે પરંતુ ઓનલાઇન ડીઝીટલ માધ્યમથી પણ અનેક લોકોએ અનેક વાર ફરિયાદ કરી છે. છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી.
સંકલન સમિતિમાં MLA શૈલેષ સોટ્ટાની રજુઆત
ભાયલીની લગભગ 15 સોસાયટીઓના 500 જેટલા કુટુંબો આ સમસ્યા થી પ્રભાવિત છે, કોર્પોરેશનના અધિકારીઓને 3 વર્ષથી રજુઆત કરે છે. છતાં કોર્પોરેશન દ્વારા આ સમસ્યાના કાયમી હલ માટે કોઈજ પગલાં નહીં લેવાતા આ વિસ્તારના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા દ્વારા શનિવારે કોર્પોરેશન ખાતે મળેલી સંકલન સમિતિ ની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો છે અને વહેલી તકે ભાયલીના રહીશોની સમસ્યા દૂર કરવા માગ કરી છે.
આ પણ વાંચો : ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત્, ભૂવો પડતા વાહનચાલકોને હાલાકી, જુઓ Video
મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સંકલન બેઠકમાં જ અધિકારીઓને સૂચના અપાઈ
વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા આ અંગે સંબંધિત અધિકારીઓને આ સમસ્યાના હલ માટે સૂચનાઓ આપી છે. ધારાસભ્યની રજુઆત અને મ્યુનિસિપલ કમિશ્નરના આદેશને 24 કલાક થવા છતાં પણ કોર્પોરેશન ના સંબંધિત વિભાગના કોઈજ અધિકારી કે સ્ટાફ ભાયલી પહોંચ્યો નથી, જો કોર્પોરેશનના આળસુ અધિકારીઓ દ્વારા ભાયલીમાં ભરાતા વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નહીં આવેતો ભાયલીમાં રોગચાળો ફાટી નીકળશે તેવી ભીતિ લોકોમાં જોવા મળી રહી છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો