Gandhinagar : ગઢ ગિરનારની સુવિધામાં થશે વધારો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 114 કરોડ રૂપિયાની વિકાસ યોજનાને આપી સૈદ્ધાંતિક મંજૂરી
ગિરનારના વિકાસ માટે સરકારે ખાસ યોજના બનાવી છે, ગિરનારનું પ્રવાસન ક્ષેત્રે ખૂબ મહત્વ છે. ત્યારે ગિરનારના વિકાસ માટે સરકારે કરોડો રૂપિયાના આયોજનોને મંજુરી આપી છે.
Gandhinagar : મુખ્યમંત્રીના (CM) ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની બેઠકમાં રાજ્યના 22 જેટલા તીર્થસ્થાનો માટે કુલ રૂ.48 કરોડના વિવિધ વિકાસ કામો માટે મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રવાસન અને તીર્થસ્થાન એવા ગિરનારના વિવિધ વિકાસ કામો માટે રૂપિયા 114 કરોડની વિકાસ યોજનાને પણ મંજૂરી આપી છે.
આ પણ વાંચો Breaking News : ફરી એકવાર ગુજરાતને ધમરોળશે મેઘરાજા!, રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી
ગિરનારના વિકાસ માટે સરકારે ખાસ યોજના બનાવી
ગિરનારનું પ્રવાસન ક્ષેત્રે ઘણું મહત્વ છે. તેથી ગિરનારના વિકાસ માટે સરકાર દ્વારા ખાસ યોજના બનાવવવામાં આવી છે, ત્યારે ગિરનારના વિકાસ માટે સરકારે કરોડો રૂપિયાના વિકાસ કામોને મંજુરી આપી છે. આ વિકાસ કામો અંતર્ગત ભવનાથ તળેટીનો વિકાસ તેમજ તળેટીથી લઈને ગોરખનાથ અને દત્તાત્રેયની ટૂંક સુધી નવા એકમો ઉમેરાશે. આ ઉપરાંત યાત્રાધામ પાવાગઢ મુજબ બંને બાજુ પાથ-વે 3 મીટર પહોળો કરીને નવા પગથિયા બનાવવામાં આવશે.
114 કરોડની વિકાસ યોજનાને મુખ્યમંત્રીએ આપી સૈદ્ધાંતિક મંજૂરી
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિરનારના વિવિધ વિકાસ કામો માટેની રૂપિયા 114 કરોડની વિકાસ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં ગિરનાર પર તળેટીથી દત્તાત્રેય ટૂંક સુધી તમામ પાયાની સવલતો ઉભી કરવા અને ગિરનાર પર્વત પર પાણી અને વીજળીની વ્યવસ્થા કરવા પણ આ વિકાસ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.
રાજ્યના 22 જેટલા તીર્થધામોનો વિકાસ થશે
મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એવી દરખાસ્ત પણ રજુ કરવામાં આવી હતી કે રાજ્યના કુલ 22 જેટલા તીર્થધામોમાં કુલ રૂપિયા 48 કરોડના ખર્ચે મરામત, જીર્ણોદ્વાર અને પાયાની સુવિધાના વિકાસ કામો હાથ ધરવામાં આવે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ બેઠકમાં રજુ કરાયેલી તમામ દરખાસ્તોને મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
આ ઉપરાંત અંબાજી, પાવાગઢ અને દ્વારકા યાત્રાધામોના વિકાસ કાર્યોની સમીક્ષા હાથ ધરીને કેટલાક અગત્યના સૂચનો પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીએ અંબાજી ખાતે સપ્ટેમ્બર મહિનામાં જે ભાદરવી પૂનમનો લોકમેળા યોજાય છે, તેમાં કોઈ અગવડતા ન પડે તે માટે સુચારુ આયોજન કરવા પણ સંબંધિત તંત્રને સૂચનાઓ આપી હતી.
આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર સહિત અગ્ર સચિવ મમતા વર્મા, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ પ્રવાસન સચિવ હરિત શુક્લા અને યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રાવલ સહિતના અધિકારીઓ જોડાયા હતા.