ભુજની અંદર પીવાના પાણીનો ત્રાસ યથાવત, પાલિકાની ‘ભારાપર યોજના’ નિષ્ફળ
પાલિકાની ભારાપર યોજના એળે ગઈ, પાણીની સમસ્યા મુદ્દે કોંગ્રેસે પણ પાલિકા શાસન સામે આંગળીઓ ચીંધી છે. પાણીથી કાયમી રાહત ક્યારે મળશે તે એક મોટો સવાલ બહાર આવી રહ્યો છે.

ગુજરાત રાજ્યમાં પાણીની સમસ્યા ઠેર-ઠેર જોવા મળી રહી છે, એવામાં ભુજ શહેરમાં પણ પીવાના પાણી અંગેની સમસ્યા શરૂ થઈ છે. ભુજ શહેરમાં હજુ તો ઉનાડાનું આગમન જ થયું છે ને એટલામાં ત્યાં પાણીની સમસ્યા વિકટ બની છે. આ સમસ્યા આજથી કે કાલથી નથી ચાલી રહી, આ સમસ્યા ઘણા વર્ષોથી ચાલી રહી છે. નવાઈની વાત તો એ છે કે, પાણીની સમસ્યાનો હજુ સુધી કોઈ જ નિકાલ લાવવામાં આવ્યો નથી.
પાલિકાની ભારાપર યોજના પણ એળે ગઈ
ભુજની વાત કરીએ તો, ત્યાં પાણીના વિતરણની વ્યવસ્થા સંપૂર્ણપણે નર્મદા નીર પર ટકી છે. જો કે, નર્મદાનું પાણી બંધ થઈ જવાના કારણે અહીં પાણીની સમસ્યા સર્જાય છે. અગાઉ પાલિકા દ્વારા ભારાપર યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં પાલિકા દ્વારા 22 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ યોજનામાં 16 જેટલા પાણીના બોર બનાવવામાં આવ્યા હતા. જો કે, મોટાભાગના પાણીના બોર નિષ્ફળ ગયા અને ભારાપર યોજના પણ એળે ગઈ. હાલની વાત કરીએ તો, પાલિકા હસ્તકના 10 જેટલા પાણીના બોર કાર્યરત છે અને એમાંય 4 બોરની સ્થિતિ બંધ થવાના આરે છે.
શું ભુજ પાલિકાએ ખરેખર ‘હાથ અધર’ કર્યા ? પાણીની સમસ્યામાંથી ભુજવાસીઓને ક્યારે મળશે રાહત?
પાણીની સમસ્યાનો શું ઉકેલ લાવવો તે અંગે ભુજ પાલિકાએ કોઈ જ આયોજન કર્યું નથી. બીજીબાજુ, ભુજવાસીઓ વર્ષોથી પીવાના પાણીની સમસ્યાનો માર સહન કરી રહ્યા છે. પાણીની સમસ્યા મુદ્દે કોંગ્રેસે પણ પાલિકા શાસન સામે આંગળીઓ ચીંધી છે. ભુજમાં છેલ્લા 40 વર્ષથી ભાજપની સત્તા ચાલી રહી છે અને એવામાં પાલિકા દ્વારા પાણીની સમસ્યાનું કોઈ જ નિદાન આવી રહ્યું નથી. મળતી માહિતી મુજબ એટલું જાણવા મળ્યું છે કે, પાલિકાએ નર્મદાનું પાણી વધુ મળે તેવી રજૂઆત કરી છે અને તેની સાથે-સાથે જે પાણીના બોર બંધ પડી રહ્યા છે, તેને પણ ચાલુ કરવા માટેનું કામ હાથ પર લીધું છે. જો કે, આ કોઈ કાયમી નિવારણ તો નથી જ એટલે હવે ભુજના લોકોને પીવાના પાણીથી કાયમી રાહત ક્યારે મળશે તે એક મોટો સવાલ બહાર આવી રહ્યો છે.