પ્રાકૃતિક ખેતીને વેગ આપવા રાજકોટ જિલ્લા કલેક્ટરની પહેલ, ઉપજના સારા ભાવ મળે તે માટે અલાયદી વેચાણ-વિતરણ વ્યવસ્થાની જાહેરાત
રાજકોટ (Rajkot) જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ એ વાત પર ભાર મૂક્યો હતો કે, જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે, તેમને ઉપજના સારા ભાવ મળે તે માટે રાજકોટ શહેર-જિલ્લામાં અલાયદી વેચાણ-વિતરણ વ્યવસ્થા ઊભી કરવામા આવશે.
રાજકોટ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા અંગે આજે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેમજ તેઓને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનના સારા ભાવ મળે તે માટે જરૂરી વેચાણ વ્યવસ્થા ઊભી કરવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં ચર્ચાનું કેન્દ્ર એ વાત રહી હતી કે અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં 32 હજારથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઇ છે.
118 ગામમાં ખેડૂતો પ્રાકૃતિક રીતે કરી રહ્યા છે ખેતી
આ બેઠકમાં જણાવાયું હતું કે, રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં ૩૨ હજારથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ અપાઈ ચૂકી છે. જેમાંથી મોટા ભાગના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના ફાયદા જાણીને તેને અપનાવવા માટે રસ દાખવ્યો છે. “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત દરેક ગામમાં ઓછામાં ઓછા 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય, તેવા પ્રયાસો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં 118 ગામો એવા છે, જ્યાં 75થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ એ વાત પર ભાર મૂક્યો હતો કે, જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે, તેમને ઉપજના સારા ભાવ મળે તે માટે રાજકોટ શહેર-જિલ્લામાં અલાયદી વેચાણ-વિતરણ વ્યવસ્થા ઊભી કરવામા આવશે. આ માટે હાલમાં રાજકોટના મહત્ત્વના સ્થળે સપ્તાહમાં એક વખત વેચાણ સ્ટોલ્સ ઊભા કરીને ખેડૂતોને બજાર પૂરું પાડવાનું આયોજન વિચારવામાં આવ્યું હતું.
અનેક અધિકારીઓની હાજરી
જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધારવા માટે આગામી દિવસોમાં વધુમાં વધુ ગામોમાં, વધુમાં વધુ ખેડૂતોની પદ્ધતિસરની તાલીમ પણ યોજવામાં આવનાર હોવાનું ખેતીવાડી અધિકારીઓએ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી તથા આત્મા પ્રોજેક્ટના ચેરમેન દેવ ચૌધરી, જિલ્લા ખેતીવાડી અધિકારી એ. એલ. સોજીત્રા, નાયબ ખેતી નિયામક વિસ્તરણ વી.પી. કોરાટ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરઘડિયાના વડા ડૉ. જી.વી. મારવિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પીપળીયાના વડા ડૉ. એન. બી. જાદવ, પશુપાલન વિભાગ, બાગાયત વિભાગ સહિતના વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(વિથ ઇનપુટ- રોનક મજીઠિયા, રાજકોટ)