પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પોલીસ સાથેના ઘર્ષણ કેસમાં ધારાસભ્ય કિરીટ પટેલનો જામીન પર છૂટકારો- Video
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સટીમાં પોલીસ સાથેના ઘર્ષણ કેસમાં જ્યુડિશ્યલ કોર્ટેમાં કિરીટ પટેલની જામીન અરજીની સુનાવણી લંબાઈ હતી. જેના પગલે તેમને રાત્રિ જેલમાં જ વિતાવવી પડે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી હતી. જો કે બાદમાં તેમનો મોડે મોડે પણ જામીન પર છૂટકારો થયો છે અને રાત્રિ જેલમાં નહી વિતાવવી પડે. કિરીટ પટેલ સહિત પાટણના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોને જામીન પર મુક્ત કરાયા છે. સમગ્ર કેસમાં 14 આગેવાનોની ધરપકડ કરી હતી. આજે ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આગેવાનો પોલીસ સ્ટેશન હાજર થયા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.
વિવાદનો પર્યાય બનેલી પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બોયઝ હોસ્ટેલમાં થયેલા દારૂકાંડ મામલે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરનારા કિરીટ પટેલની આજરોજ પોલીસ સમક્ષ હાજર થતા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ધારાસભ્ય કિરીટ પટેલ અને અને અન્ય આગેવાનો તેમજ કાર્યકરો પોલીસે સમક્ષ હાજર થયા હતા. જેમા પોલીસે તમામની ધરપકડ કરી હતી. જે બાદ જ્યુડિશ્યલ કોર્ટમાં કિરીટ પટેલની જામીન અરજીની સુનાવણી પણ લંબાઈ હતી. જો કે બાદમાં મોડે મોડે પણ તેમનો જામીન પર છૂટકારો થયો છે. કિરીટ પટેલ સહિત પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના કાર્યકરોને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. આ તરફ કિરીટ પટેલની ધરપકડને પગલે પોલીસ સ્ટેશન બહાર કાર્યકરો અને સમર્થકોના ટોળા ઉમટ્યા હતા. સાંસદ ગેનીબેન ઠાકોર પણ પોલીસ મથકે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એકઠા થઈ જતા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુથી પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે.
શું હતો સમગ્ર મામલો?
આ યુનિવર્સિટીમાં આવેલી બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ ઝડપાઈ હતી. બાસ્કેટ બોલના ખેલાડીઓ સ્પોર્ટસ સંકુલમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. છતા કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી ન હતી. જેને લઇને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ એક દિવસની પ્રતિક ભૂખ હડતાળ ઉપર ઉતર્યા હતા. NSUI અને કોંગ્રેસના આગેવાનો પણ ભૂખ હડતાળમાં જોડાયા હતા. આ જ મુદ્દાને લઈને તે ધારાસભ્ય સહિતના કોંગ્રેસના આગેવાનો કુલપતિને રજૂઆત કરવા પહોંચ્યા તો પોલીસે મુખ્ય પ્રવેશદ્વાર બંધ કરી દીધો હતો. આ જ દરમિયાન ધારાસભ્યની પોલીસકર્મીઓ ઝપાઝપી થઈ હતી અને ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતા. આ દરમિયાન કિરીટ પટેલે એક કોન્સ્ટેબલને લાફો માર્યો હતો. જો કે પાછળથી કિરીટ પટેલે પોતાના બચાવમાં એવુ જણાવ્યુ હતુ કે ”મેં કાયદો હાથમાં લીધો નથી. જેને લાફો પડ્યો તે પોલીસ કર્મચારી છે તેનો ખ્યાલ નહોતો અને ઘટના સમયે તે પોલીસકર્મી ઓન ડ્યુટી નહોતો”
ભૂખ હડતાળ અને હંગામાને પગલે કિરીટ પટેલ સહિત કુલ 21ની ધરપકડ
ઉગ્ર વિરોધને પગલે યુનિવર્સિટીના દરવાજા બંધ કરી દેવાતા કોંગ્રેસ કાર્યકરો દરવાજા તોડી અંદર પ્રવેશ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય કિરીટ પટેલે પણ બળપ્રયોગ કરી યુનિવર્સિટી ભવનમાં પ્રવેશ કર્યો હતો અને નિરાકરણની માગ સાથે તેઓ કુલપતિની ચેમ્બરમાં બેસી ગયા હતા.
આ સમગ્ર કેસમાં પાટણ પોલીસે 14 લોકો વિરુદ્ધ નામજોગ અને 200 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી હતી. જેમા ધારાસભ્ય ડૉ કિરીટ પટેલ અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
Input Credit- Sunil Patel- Patan