16 મેના મોટા સમાચાર: વડોદરાની સાવલીના મંજૂસર GIDCમાં ઈન્ક બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, લાખોના નુકસાનનો અંદાજ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2023 | 11:55 PM

આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

16 મેના મોટા સમાચાર: વડોદરાની સાવલીના મંજૂસર GIDCમાં ઈન્ક બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, લાખોના નુકસાનનો અંદાજ
gujarat latest live news and samachar today 16th May 2023

આજે 16 મેને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 16 May 2023 11:54 PM (IST)

    વડોદરાની સાવલીના મંજૂસર GIDCમાં ઈન્ક બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ, લાખોના નુકસાનનો અંદાજ

    વડોદરાની સાવલીના મંજૂસરની GIDCમાં આવેલી ઈન્ક બનાવતી કંપનીમાં અચાનક ભીષણ આગ ભભુકી ઉઠી હતી. અચાનક આગ લાગવાને કારણે અફરાતફરી સર્જાઈ હતી. આગમાં લાખોનુ નુકસાન થયુ હોવાનો અંદાજ છે. આગ બુજાવવા માટે બે ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ બુજાવવાની જહેમત હાથ ધરી હતી. ડિજિટલ ઈન્ક બનાવતી કંપનીમાં ભીષણ આગ ભભુકી ઉઠી હતી. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયુ નથી. જો કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

  • 16 May 2023 11:45 PM (IST)

    વડાપ્રધાન મોદી જશે જાપાન પ્રવાસે, જાપાનના PM કિશિદા ફ્યુમિયોએ આપ્યું આમંત્રણ, G-7 સમિટમાં લેશે ભાગ

    વડાપ્રધાન મોદી જશે જાપાન પ્રવાસે, જાપાનના PM કિશિદા ફ્યુમિયોએ આપ્યું આમંત્રણ, G-7 સમિટમાં લેશે ભાગ

  • 16 May 2023 11:18 PM (IST)

    આવતીકાલે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મળશે ભાજપની કારોબારી બેઠક, CM અને રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે રહેશે હાજર

    અમદાવાદમાં આવતીકાલે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સવારે 11 વાગે ટાગોર હોલમાં ભાજપની કારોબારી બેઠક યોજાશે. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે ઉપસ્થિત રહેશે. આ અંગે માહિતી આપતા પ્રદીપ વાઘેલાએ કહ્યું કે બેઠકમાં 9 સાલ બેમિસાલ સ્લોગન સાથે લોકો સુધી કેવી રીતે પહોંચવું તે અંગે ચર્ચા કરાશે.

    30મે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જે અંતર્ગત ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર પણ જનસભા કરવામાં આવશે. આ ઉપરાંત વિશિષ્ઠ નાગરિક સંપર્ક પ્રબુદ્ધ સંમેલન થશે. જેમાં વિકાસ કાર્યો સાથે ફરી લોકો સુધી પહોંચી લોકો સાથે વાર્તાલાપ પણ કરવામાં આવશે. ઉપરાંત વિધાનસભા લેવલ પર અલગ અલગ સંમેલનનું આયોજન કરાશે.

  • 16 May 2023 10:39 PM (IST)

    પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' પર પ્રતિબંધ લગાવવાના મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી

    પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' પર પ્રતિબંધ લગાવવાના મામલે સુપ્રીમ કોર્ટ આવતીકાલે સુનાવણી કરશે. પશ્ચિમ બંગાળ સરકારે આ અંગે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે.

  • 16 May 2023 10:04 PM (IST)

    કર્ણાટકનું મુખ્યપ્રધાન કોણ? સોનિયા ગાંધી-રાહુલ ગાંધીની સલાહ લીધા બાદ આવતીકાલે ખડગે નામ કરી શકે છે જાહેર

    કર્ણાટક ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદથી મુખ્યમંત્રીના ચહેરાને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. પાર્ટીમાંથી સૌથી વધુ પ્રતિસ્પર્ધી ચહેરાઓ માત્ર બે જ છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (siddaramaiah) અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારનો (DK Shivakumar) સમાવેશ થાય છે. બંને નેતાઓ તરફથી કોઈ સ્પષ્ટ નિવેદન બહાર આવી રહ્યું નથી. બંનેએ દિલ્હીમાં ધામા નાખ્યા છે. બંને નેતાઓ મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ મળ્યા છે.

    જો કે સૂત્રોને ટાંકીને મળતા અહેવાલો મુજબ આજે પણ મુખ્યમંત્રીના ચહેરા પર કોઈ નામ ફાઈનલ થયું નથી. સૂત્રોના હવાલાથી માહિતી મળી રહી છે કે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ખડગે સાથેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે જો મુખ્યમંત્રીના કાર્યકાળને અઢી વર્ષમાં વહેંચવામાં આવે તો પહેલા ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવામાં આવે. ત્યારે સિદ્ધારમૈયાએ ખડગેને એ પણ યાદ અપાવ્યું કે આ તેમની છેલ્લી ચૂંટણી છે.

    આવતીકાલે મુખ્યમંત્રીની જાહેરાત થઈ શકે છે

    આ બંને નેતાઓની બેઠક બાદ હજુ સુધી સીએમના ચહેરા પર નિર્ણય લેવામાં આવ્યો નથી. કહેવામાં આવી રહ્યું છે કે સીએમ ચહેરા પર અંતિમ નિર્ણય પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લેશે. પરંતુ આ દરમિયાન તેઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની સલાહ લેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે સીએમ ચહેરાની જાહેરાત થઈ શકે છે. આ જાહેરાત બેંગ્લોર અથવા દિલ્હીમાં કરવામાં આવશે.

  • 16 May 2023 09:35 PM (IST)

    વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલને ACBએ 50 હજારની લાંચ લેતા ઝડપ્યા

    અમદાવાદમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયા છે. પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ ડાભી અને હરદેવસિંહ ઝાલા લાંચ લેતા ઝડપાયા છે. ACBએ પોલીસ કોન્સ્ટેબલને 50 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અરજી રૂમમાં લાંચ લેતા ઝડપાયા છે. ફરિયાદી વિરુદ્ધ અરજી મામલે લોકઅપમાં નહીં રાખવા અને કોર્ટમાં રજૂ કરવા લાંચ માગી હતી.

  • 16 May 2023 08:52 PM (IST)

    Char Dham Yatra 2023: 8 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ કર્યા ચારધામના દર્શન, કેદારનાથને લઈ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ

    Char Dham Yatra 2023: ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં લાખો શ્રદ્ધાળુઓ ચાર ધામના દર્શન કરવા પહોંચ્યા છે. રાજ્યના પર્યટન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર આઠ લાખથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની મુલાકાત લઈ ચૂક્યા છે. બીજી તરફ કેદારનાથ યાત્રા માટે દૈનિક નોંધણીનો આંકડો 30 હજારથી વધુ થઈ ગયો છે. હાલમાં રોજના 40 હજાર જેટલા યાત્રિકો ચાર ધામમાં આવી રહ્યા છે.

    તે જ સમયે, દરરોજ આટલી મોટી સંખ્યામાં યાત્રિકો ચાર ધામ પહોંચવાના કારણે વધતી ભીડને નિયંત્રિત કરવા માટે સરકારે નોંધણી પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો, અગાઉ સરકાર દ્વારા નવા નોંધણી પર 15 મે સુધી આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, હવે તે સમય 24 મે સુધી વધારી દેવામાં આવી છે.

  • 16 May 2023 08:35 PM (IST)

    Rajkot: કાર્યક્રમ પહેલા જ બાબા બાગેશ્વર વિરુદ્ધ ઉઠ્યા વિરોધના સૂર

    બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતમાં પણ દરબાર યોજશે. બાબ ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 26 થી 2 જૂન સુધી ગુજરાતના અમદાવાદ, સુરત અને રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં ગુજરાતમાં બાગેશ્વર ધામના દરબાર પહેલા વિરોધનો સૂર ઉઠ્યો છે. ગુજરાત મુલાકાત પહેલા રાજકોટમાં બાગેશ્વર ધામના દરબાર સામે વિજ્ઞાન જાથાએ વિરોધ નોંધાવ્યો છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે.

    બાબા લોકોની ભાવના સાથે રમત રમી રહ્યા છે- જયંત પંડ્યા-વિજ્ઞાનજાથા

    જયંત પંડ્યાએ કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોની ભાવનાઓ સાથે રમત રમી રહ્યો છે. જેનો અમે સખત વિરોધ કરી રહ્યાં છે.સાથે જ તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો રાજકોટમાં બાગેશ્વર ધામનો દરબાર યોજાશે તો તેની સામે વિજ્ઞાન જાથા ભારે વિરોધ નોંધાવશે. એટલું જ નહીં કલેક્ટરને આવેદન આપી આવો દરબાર ન યોજાય તે માટે માગ કરાશે.

  • 16 May 2023 07:50 PM (IST)

    Gyanvapi Case: જ્ઞાનવાપી પર હિન્દુ પક્ષે ખખડાવ્યા સુપ્રીમ કોર્ટના દરવાજા, અપીલમાં કહ્યું- અમારી વાત સાંભળ્યા વિના ચુકાદો ન સંભળાવો

    અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય બાદ હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે. હિંદુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે કે જો બીજી બાજુ હાઈકોર્ટના નિર્ણયને પડકારે છે તો આ સમય દરમિયાન કોર્ટે તેમનો પક્ષ પણ સાંભળવો જોઈએ. તેમણે કોર્ટને અપીલ કરી છે કે તેમનો પક્ષ સાંભળ્યા વિના કોઈ આદેશ પસાર કરવામાં ન આવે. વાસ્તવમાં આ મામલો વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં મળેલા કથિત શિવલિંગ સાથે જોડાયેલો છે. અલ્હાબાદ હાઈકોર્ટે શિવલિંગનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાનો આદેશ આપ્યો છે.

  • 16 May 2023 07:39 PM (IST)

    America: PM મોદી પહેલા US મુલાકાત પર રાહુલ ગાંધી, મેડિસન સ્ક્વેર ખાતે ભારતીયો વચ્ચે આપશે ભાષણ

    કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બમ્પર જીત બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લગભગ 10 દિવસ માટે અમેરિકાના પ્રવાસે જશે. રાહુલ ગાંધી 31 મેના રોજ અમેરિકા પહોંચશે અને 4 જૂને ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ખાતે ભારતીય પ્રવાસીઓની રેલીને સંબોધિત કરશે અને અન્ય ઘણા કાર્યક્રમોમાં પણ સામેલ થશે. રાહુલ ગાંધી એવા સમયે અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 20 જૂન પછી અમેરિકામાં રાજકીય પ્રવાસ પર જઈ રહ્યા છે. પીએમ મોદીને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન તરફથી રાજકીયની મુલાકાત માટે આમંત્રણ મળ્યું હતું, જેને વડાપ્રધાને સ્વીકાર્યું છે. અમેરિકામાં પીએમ મોદી વ્હાઇટ હાઉસ ડિનરમાં પણ હાજરી આપશે.

  • 16 May 2023 07:15 PM (IST)

    ગુજરાતમાં કોરોનાના ઘટી રહ્યા છે કેસ, આજે નવા 13 કેસ નોંધાયા, અમદાવાદમાં 1નું મોત

    ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 16 મેના રોજ કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 150ની અંદર આવી છે. એક્ટિવ કેસની સંખ્યા 128એ પહોંચી છે. જેમાં અમદાવાદમાં 08, ભરૂચમાં 1, ગીર સોમનાથ 1, મહેસાણામાં 1, સુરતમાં 1, વડોદરામાં 1 કેસ નોંધાયો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.13 ટકા થયો છે. તેમજ કોરોનાથી આજે 22 દર્દી સાજા થયા છે.

  • 16 May 2023 06:55 PM (IST)

    અમદાવાદીઓએ વધુ એક મોંઘવારીનો માર સહન કરવા રહેવુ પડશે તૈયાર, AMTS અને BRTSના વધી શકે છે ભાડા

    અમદાવાદમાં મોંઘવારીનો વધુ એક માર સહન કરવા હવે લોકોએ તૈયાર રહેવુ પડશે. AMTS અને BRTSના ભાડા વધવાની શક્યતા છે. આગામી સમયમાં ભાડા વધારવા માટે દરખાસ્ત આવી શકે છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ અંગે મૌખિક મંજૂરી અપાઈ હોવાની પણ ચર્ચા છે. ત્યારે શહેરીજનોને વધુ એક બોજો પડી શકે છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ અને મધ્યમવર્ગના લોકો BRTS અને AMTSમાં મુસાફરી કરતા હોય છે, ત્યારે આ ભાડા વધવાથી તેમનો ખર્ચ પણ વધશે. તેમને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવશે. આગામી મહિનાથી જ આ ભાવવધારો અમલી થઈ જાય તે પ્રકારની પણ શક્યતા જાણકાર સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં છે.

  • 16 May 2023 06:31 PM (IST)

    Nitin Gadkari: નિતિન ગડકરીને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી

    કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને (Nitin Gadkari) ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે તેને આ ધમકીભર્યો ફોન તેમના નવી દિલ્હીના નિવાસસ્થાને આવ્યો છે. વારંવારની આ ધમકીઓથી ખળભળાટ મચી ગયો છે. દિલ્હી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ગઈ કાલે સાંજે તેમના દિલ્હીના નિવાસસ્થાને ધમકીભર્યો ફોન આવ્યો હતો. આ પછી, મંત્રીના કાર્યાલયથી દિલ્હી પોલીસને માહિતી આપવામાં આવી. માહિતી મળતાની સાથે જ દિલ્હી પોલીસ એક્શનમાં આવી ગઈ અને તપાસમાં લાગી ગઈ.

  • 16 May 2023 05:50 PM (IST)

    મહાઠગ માલિની પટેલને સેશન્સ કોર્ટે આપી રાહત, જામીન મંજુર કર્યા

    મહાઠગ માલિની પટેલને સેશન્સ કોર્ટે રાહત આપી છે. માલિની પટેલના જામીન સેશન્સ કોર્ટે મંજુર કર્યા છે અને પોલીસ તપાસમાં સાથ સહકાર આપવા માટે કોર્ટે ટકોર કરી છે. તમને જણાવી દઈએ કે માલિની પટેલને જામીન ન મળે માટે સરકારે કોર્ટમાં વિરોધ કર્યો હતો. મોરબી GPCBમાં છેતરપિંડી મુદ્દે માલિની પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

  • 16 May 2023 05:13 PM (IST)

    અમદાવાદમાં રખડતા ઢોર કરતા શ્વાનનો આતંક વધુ, બે મહિનામાં AMCને મળી આટલી ફરિયાદ

    અત્યાર સુધી અમદાવાદમાં (Ahmedabad) રખડતા ઢોરનો આતંક તો જોવા મળતો જ હતો. જો કે હવે રખડતા ઢોર કરતા પણ વધુ રખડતા શ્વાનનો (Stray dogs) આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને (AMC) છેલ્લા બે મહિનામાં જ રખડતા શ્વાનની 1109 ફરિયાદ મળી છે. રખડતા શ્વાનના હુમલા અને ડોગ બાઈટના કેસમાં એક પછી એક વધારો નોંધાતો જઈ રહ્યો છે. ત્યારે હવે શ્વાન હુમલાની વધતી ઘટનાઓને લઇને તંત્રની કામગીર પર સવાલ ઊભા થઇ રહ્યા છે.

    શ્વાન રાહદારીઓ પર કરતા હોય છે હુમલો

    અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાન કરડવાની ઘટનાઓમાં સતત વધારો થયેલો જોવા મળી રહ્યો છે. અનેક એવા વિસ્તારો એવા છે કે જયાં રાત પડતાની સાથે રખડતા શ્વાન રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને કરડતા હોય છે. આ પ્રકારના કૂતરાને પકડવા જે તે વિસ્તારના રહીશો તરફથી ઓનલાઈન ફરિયાદ કરવામા આવ્યા બાદ પણ શ્વાન પકડવા કોઈ કામગીરી કરવામાં આવતી નથી.

  • 16 May 2023 04:05 PM (IST)

    સુપ્રીમ કોર્ટે ઠગ સુકેશ ચંદ્રશેખરની અરજી ફગાવી

    સુપ્રીમ કોર્ટે સુકેશ ચંદ્રશેખરની તે અરજીને ફગાવી દીધી હતી, જેમાં સુકેશે જેલમાં દરરોજ 60 મિનિટ સુધી પોતાના વકીલો સાથે કાનૂની બેઠકની માંગ કરી હતી. સુકેશના વકીલે દલીલ કરી હતી કે દેશભરમાં તેની સામે 28 કેસ પેન્ડિંગ છે, તેથી અઠવાડિયામાં બે વાર 30 મિનિટની મીટિંગ પૂરતી નથી. સુકેશના વકીલની દલીલને નકારી કાઢતાં SCએ કહ્યું કે તે અસાધારણ આદેશ આપી શકે નહીં.

  • 16 May 2023 03:54 PM (IST)

    Gujarat News Live: દિલ્હીઃ મલ્લિકાર્જુન ખડગેના ઘરે કોંગ્રેસ નેતાઓની બેઠક પૂર્ણ

    દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે કોંગ્રેસ નેતાઓની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. બેઠકમાં કર્ણાટકના CM અંગે ચર્ચા થઈ હતી.

  • 16 May 2023 03:49 PM (IST)

    Gujarat News Live: થાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મહિલા તબીબને ધમકી, ડ્રેસિંગ કરવાની ના પાડતા ત્રણ લોકો ઉશ્કેરાયા

    સુરેન્દ્રનગરના (Surendranagar) થાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મહિલા તબીબને (female doctor)  જાનથી મારી નાંખવાની ધમકી (threat) મળી હોવાની ફરિયાદ નોંધાઇ છે. ડ્રેસિંગ કરવાનો ઇનકાર કરતા ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ મહિલા તબીબને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો ફરિયાદ નોંધાઇ છે.

  • 16 May 2023 03:30 PM (IST)

    Gujarat News Live: 7 વર્ષ બાદ પ્રવાસી શિક્ષકોની પોલિસી બદલાશે, પ્રવાસી શિક્ષકોના પગાર બમણા થવાની શક્યતા

    ગુજરાતમાં (Gujarati) દર વર્ષે સ્કૂલ શરૂ થતા ખાલી પડેલ શિક્ષકોની જગ્યા ઉપર પ્રવાસી શિક્ષકની (Pravasi shikshak) ભરતી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે સ્કૂલ શરૂ થવામાં હજુ થોડો સમય બાકી છે. જો કે આ પહેલા પ્રવાસી શિક્ષકો માટે સારા સમાચાર સામે આવી શકે છે. ગુજરાતમાં 7 વર્ષ બાદ પ્રવાસી શિક્ષકોની પોલિસી બદલાશે. જે મુજબ પ્રવાસી શિક્ષકોના પગાર બમણા થવાની શક્યતા છે. પ્રવાસી શિક્ષકોની નિયુક્તિ માટે TET-TAT ફરજિયાત થશે.

  • 16 May 2023 03:16 PM (IST)

    Gujarat News Live: કર્ણાટક CM રેસમાં વધુ એક એન્ટ્રી, પરમેશ્વરનને સીએમ બનાવવાની માગ

    કર્ણાટકની CM રેસમાં વધુ એક નવું નામ સામે આવ્યું છે. દિલ્હીમાં કોંગ્રેસે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે એક નામ નક્કી કરવાનું છે, પરંતુ આ દરમિયાન રાજ્યના તુમાકુરુમાં જી પરમેશ્વરનના સમર્થકોએ તેમને મુખ્યમંત્રી બનાવવા માટે પ્રદર્શન કર્યું.

  • 16 May 2023 03:11 PM (IST)

    Gujarat News Live: અમદાવાદની કે.ડી. હોસ્પિટલના સર્વર પર સાયબર એટેક કરી 70 હજાર ડોલરની માગ

    અમદાવાદની કે.ડી. હોસ્પિટલના સર્વર પર સાયબર એટેક કરી કોમ્પ્યુટર સર્વરને નિશાન બનાવ્યું. રેન્સમવેર એટેકથી હોસ્પિટલનું સર્વર ડાઉન કર્યું છે. હોસ્પિટલની ફાઇલ, દર્દીના ડેટા અને સીસીટીવી સહિતના ડેટા ગાયબ થઇ ગયા છે. 70 હજાર ડોલર બીટકોઈનમાં ટ્રાન્ફર કર્યા બાદ ડેટા પરત આપવા જાણ કરવામાં આવી છે.

  • 16 May 2023 02:43 PM (IST)

    Gujarat News Live: ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાતમાં પહેલો દરબાર યોજાશે, બાબાનો દરબાર રાજકોટ, સુરત અને અમદાવાદમાં થશે

    ગુજરાતમાં પ્રથમવાર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાશે. બાબાનો દરબાર રાજકોટ, સુરત અને અમદાવાદમાં થશે. 1 અને 2 જૂનના રોજ રાજકોટમાં યોજાશે.

  • 16 May 2023 02:13 PM (IST)

    લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપે આદરી કવાયત, 9 સાલ બેમિસાલના સ્લોગન સાથે 26 લોકસભા બેઠક પર જનસભાનું આયોજન

    દેશમાં આગામી વર્ષે યોજનારી લોકસભા ચૂંટણીને(Loksabha Election)  લઇને ભાજપ એકશન મોડમાં છે . જેમાં પણ 30મે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના પગલે ભાજપ સમગ્ર દેશમાં તેની સિધ્ધિઓ સાથે લોકો વચ્ચે જવાનું આયોજન કરી રહ્યું છે. જે અંતર્ગત ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર પણ જનસભા કરવામાં આવશે. આ ઉપરાંત વિશિષ્ઠ નાગરિક સંપર્ક પ્રબુદ્ધ સંમેલન થશે. જેમાં વિકાસ કાર્યો સાથે ફરી લોકો સુધી પહોંચી લોકો સાથે વાર્તાલાપ પણ કરવામાં આવશે. જેમાં 9 સાલ બેમિસાલ સ્લોગન સાથે લોકો સુધી પહોંચવામાં આવશે.

  • 16 May 2023 01:27 PM (IST)

    રાહુલ સામે માનહાનિના કેસમાં આદેશ અનામત

    ઝારખંડ હાઈકોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિના કેસમાં ચુકાદો અનામત રાખ્યો છે. આ કેસની સુનાવણી જસ્ટિસ અંબુજનાથની કોર્ટમાં થઈ હતી. કોર્ટે બંને પક્ષોને આવતીકાલ સુધીમાં દલીલોનો સમરી દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. 2018 માં, ચાઈબાસામાં કોંગ્રેસ પાર્ટીની એક બેઠકમાં, રાહુલ ગાંધીએ કથિત રીતે ભાજપના નેતા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી.

  • 16 May 2023 01:26 PM (IST)

    દિલ્હીઃ ખડગેના નિવાસસ્થાને બેઠક શરૂ

    કર્ણાટકમાં નવા મુખ્યમંત્રીની પસંદગીને લઈને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે રાહુલ ગાંધી અને સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલની મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ છે. ઘણા નવા ચૂંટાયેલા ધારાસભ્યો પણ ખડગેના ઘરે પહોંચી ગયા છે.

  • 16 May 2023 12:32 PM (IST)

    ત્ર્યંબકેશ્વર મંદિર કેસ: DyCMએ તપાસના આદેશ આપ્યા

    મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ત્ર્યંબકેશ્વર મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર વિશાળ ભીડ એકઠા થવાની કથિત ઘટના પર FIR નોંધીને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. ફડણવીસે આ ઘટનાની તપાસ માટે એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ રેન્કના અધિકારીઓની આગેવાનીમાં SIT ટીમની રચના કરવાનો પણ આદેશ આપ્યો છે.

  • 16 May 2023 12:30 PM (IST)

    નીતિશ કટારા કેસ: વિકાસે સજા ઘટાડવા માટે SCમાં અરજી કરી

    નીતિશ કટારાની હત્યા કરનાર વિકાસ યાદવે સુપ્રીમ કોર્ટમાં સજા ઘટાડવાની અપીલ કરી છે. સુપ્રીમ કોર્ટ ઓગસ્ટમાં અરજીની યોગ્યતાઓ પર સુનાવણી કરશે. જો કે નીતિશની બહેન નીલમ કટારાએ અરજી સામે વાંધો ઉઠાવ્યો છે. વિકાસ યાદવને 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી અને તે 22 વર્ષની સજા ભોગવી ચૂક્યો છે. હવે તેણે મુક્તિની માંગ કરી છે.

  • 16 May 2023 12:27 PM (IST)

    પીએમ મોદી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકા જશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકા જવાના છે. રાહુલ ગાંધી 31 મેના રોજ 10 દિવસના પ્રવાસે અમેરિકા પહોંચશે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ 4 જૂને ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેરમાં લગભગ 5,000 ભારતીય પ્રવાસીઓની રેલીને સંબોધિત કરશે. આ સાથે તે વોશિંગ્ટન અને કેલિફોર્નિયા પણ જશે. પીએમ મોદીનો જૂન મહિનામાં જ અમેરિકા જવાનો પણ કાર્યક્રમ છે.

  • 16 May 2023 11:55 AM (IST)

    Surat: સ્મીમેર હોસ્પિટલમાં 15 દિવસથી સીટી સ્કેન મશીન બંધ, દર્દીઓને હાલાકી

    સુરત (Surat) પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં(Smimer Hospital)  છેલ્લા 15 દિવસથી સીટી સ્કેન મશીન બંધ હોવાની દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. જેમાં દર્દીઓને સીટીસ્કેન માટે સિવિલ અથવા ખાનગી હોસ્પિટલમાં જવું પડી રહ્યું છે. જ્યારે સ્મીમેરના સુપ્રિટેન્ડન્ટે જણા્યું હતું કે, સીટીસ્કેન મશીન ખરાબ થઈ ગયું છે. જેના પાર્ટ મગાવ્યા છે. ટૂંક સમયમાં સીટીસ્કેન શરૂ થઈ જશે.સુરત પાલિકા સંચાલિત કરોડો રૂપિયાના ખર્ચે બનેલી સ્મીમેર હોસ્પિટલમાં સેંકડો દર્દીઓ સારવાર લે છે. પરંતુ સ્મીમેર હોસ્પિટલમાં માત્ર એક જ સીટીસ્કેન મશીન છે. આ મશીન ગરીબ દર્દીઓ માટે આર્શીવાદરૂપ છે. રોજના 20થી વધુ દર્દીઓ સીટીસ્કેન મશીનનો લાભ લેતા હોય છે. પરંતુ છેલ્લા 15 દિવસથી સ્મીમેર હોસ્પિટલનું સીટીસ્કેન મશીન બંધ છે.

  • 16 May 2023 11:52 AM (IST)

    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી એક વિશાળ ખડક પડ્યું, ધૂળના વાદળોથી ચારે તરફ અંધારું છવાયું

    ઉત્તરાખંડમાં (Uttarakhand) ફરી એકવાર ભૂસ્ખલનને કારણે ખડકો સરકી ગયો. જે બાદ પથ્થરોનો વરસાદ શરૂ થયો હતો. આ ઘટના પિથોરાગઢની ભારત-ચીન બોર્ડર પાસે બની હતી. અહીં તવાઘાટ-લિપુલેખ નેશનલ હાઈવે પર ગરબાધર ખાતે ભયંકર ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનને કારણે વિશાળ ખડક નીચે સરકી ગયો અને તેના પર પથ્થરોનો વરસાદ શરૂ થયો. જેના કારણે ધૂળના વાદળો બન્યા હતા. ધૂળની ડમરીઓ વધવાને કારણે ચારેબાજુ અંધકાર છવાઈ ગયો હતો. પથ્થરમાં તિરાડ પડતાની સાથે જ સ્થળ પર હાજર કર્મચારીઓ અને કામદારોમાં અફરા-તફરી મચી ગઈ હતી. બધા સલામત સ્થળ તરફ દોડ્યા.

  • 16 May 2023 11:18 AM (IST)

    પીએમ મોદીએ 71,000 લોકોને જોઇનિંગ લેટર આપ્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 'રોજગાર મેળા' હેઠળ સરકારી વિભાગોમાં પસંદ કરાયેલા 71,000 કર્મચારીઓને જોડાવા પત્રો જારી કર્યા.

  • 16 May 2023 11:16 AM (IST)

    તમને સખત મહેનત પછી જોઇનિંગ લેટર મળી રહ્યો છેઃ પીએમ મોદી

    71,000 જવાનોને જોઇનિંગ લેટર જારી કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમને બધાને સખત સંઘર્ષ અને મહેનત બાદ આ જોઇનિંગ લેટર મળ્યો છે, હું તમને આ માટે અભિનંદન આપું છું. અગાઉ ગુજરાતમાં જ આ પ્રકારના જોબ ફેરનું આયોજન કરવામાં આવતું હતું અને હવે આ મહિને આસામમાં પણ મોટા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.

  • 16 May 2023 11:14 AM (IST)

    મહેસાણાના ભટારીયા ગામે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનુસૂચિત સમાજનો અલગ જમણવાર યોજાતા વિવાદ

    સામાજિક સમરસતાની મસમોટી વાતો અને ટેક્નોલોજીના આધુનિક યુગમાં હજુ પણ કેટલાક લોકો આભડછેટની સંકુચિત માનસિકતામાંથી બહાર આવી શકતા નથી. હજુ પણ વિકસિત ગુજરાતના ( Gujarat )  કેટલાક વિસ્તારોમાં અનુસૂચિત સમાજના લોકો સાથે આભડછેટ થતી હોવાના કિસ્સા છાશવારે સામે આવતા રહે છે. ત્યારે આવો વધુ એક કિસ્સો મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના ભાટેરીયા ગામેથી સામે આવ્યો છે.

    ભટારીયા ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનુસૂચિત સમાજના લોકો માટે અલગ જમણવાર રખાતા વિવાદ સર્જાયો છે. ગામમાં અનુસૂચિત સમાજના લોકોને મંદિરમાં પ્રવેશ ન અપાતો હોવાનો પણ આક્ષેપ થઇ રહ્યો છે. સમગ્ર મામલે અનુસૂચિત સમાજના લોકોએ જોટાણા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

  • 16 May 2023 09:52 AM (IST)

    AMCની બોર્ડની બેઠકમાં રોડ મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ આમને સામને, કોંગ્રેસે લગાવ્યા આ ગંભીર આરોપ

    અમદાવાદ (Ahmedabad) મહાનગરપાલિકાની બોર્ડની બેઠકમાં રોડ મુદ્દે વિરોધ પક્ષ અને સત્તા પક્ષ આમને-સામને આવી ગયા હતા. વિપક્ષે સત્તા પક્ષ પર કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાનો આરોપ લગાવ્યો, તો સત્તા પક્ષે આરોપોનું ખંડન કર્યું. વિપક્ષનું કહેવું છે કે રોડના કરોડોના કામ વધુ ભાવ સાથે તાકીદમાં મંજૂર કરી કોન્ટ્રાકટરને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે. વિપક્ષ દ્વારા રજૂઆત કરાઈ કે રોડ બનાવવાનો મૂળ અંદાજ 324.77 કરોડનો હતો. જેમાં સત્તા પક્ષે દ્વારા 80.49 કરોડનો વધારો કરી 405.26 કરોડના રોડના કામો મંજૂર કરાવવામાં આવ્યા છે.

  • 16 May 2023 09:51 AM (IST)

    રાજકોટના આટકોટ વિસ્તારમાં પાક નુકસાનીનો સરવે, વિસ્તરણ અધિકારીએ તપાસ હાથ ધરી

    રાજકોટના ( Rajkot )  આટકોટ વિસ્તારમાં પાક નુકસાનીના સરવે મુદ્દે TV9એ રજૂ કરેલા અહેવાલનો પડઘો પડ્યો છે. આટકોટમાં સરવેની કામગીરી માત્ર કાગળ પર થઇ હોવાનો કિસાન કોંગ્રેસે દાવો કર્યો હતો. જે બાદ TV9એ અહેવાલ દર્શાવી ખેડૂતોની વ્યથાને ઉજાગર કરી હતી. TV9 પર અહેવાલ પ્રસારિત થયા બાદ વિસ્તરણ અધિકારીની ટીમ આટકોટ પહોંચી અને સરવે અંગે તપાસ શરૂ કરી હતી.

    જો કે અસરગ્રસ્ત ખેડૂતોએ સરવેને લઇને ફરી અસંતોષ વ્યક્ત કર્યો છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે સરકાર સહાય ન ચૂકવવાના હેતુથી નુકસાનીના અલગ અલગ નિયમો અને પરિપત્રો દર્શાવે છે. ઘઉંનો પાક લેવા માટે ખેડૂતોએ ઘણું દેવું પણ કર્યું છે. ત્યારે જો પાકનું વળતર નહીં મળે તો ઉપવાસ આંદોલન તેમજ આત્મહત્યા સુદ્ધાં કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.

  • 16 May 2023 09:33 AM (IST)

    મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં હોડી પલટી જતાં ભાવનગરના 6 લોકો ડૂબ્યા, એક બાળકનું મોત, એક ગુમ

    મધ્યપ્રદેશના (Madhya pradesh) ઓમકારેશ્વરમાં હોડી પલટી જતાં ગુજરાતી પરિવારના એક બાળકનું મોત થયું છે. જ્યારે એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે. દુર્ઘટનામાં ભાવનગરના 6 લોકો ડૂબ્યા હતા. જેમાંથી ચાર લોકોને નાવિકોએ બચાવી લીધા છે. તો બીજીતરફ ઘટનામાં તંત્ર અને હોડી ચલાવનારની ઘોર બેદરકારી સામે આવી છે. હોડીમાં લાઈફ જેકેટ હોવા છતાં લોકોને પહેરાવવામાં નહોતા આવ્યા. જો લાઈફ જેકેટ પહેરાવેલા હોત તો તમામ લોકોને બચાવી શકાયા હોત. ઓમકારેશ્વરમાં 141 લાયસન્સ ધારક નાવિક છે. આ સિવાય 75થી 80 હોડીઓ ગેરકાયદે ચાલે છે. જેના પર તંત્રનો કોઈ જ અંકુશ નથી.

  • 16 May 2023 08:56 AM (IST)

    અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યમાં ફાયરિંગની ઘટના સામે આવી, ત્રણ લોકોના મોત

    અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ફાર્મિંગ્ટન નામના શહેરમાં ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે બે પોલીસકર્મી ઘાયલ થયા છે. પોલીસે કહ્યું કે શંકાસ્પદ હુમલાખોરને મારી નાખવામાં આવ્યો છે. ગોળીબારની ઘટનાને કારણે શાળાઓ બંધ કરવી પડી હતી. ફાર્મિંગ્ટન ન્યૂ મેક્સિકોની રાજધાની સાન્ટા ફેથી 320 કિલોમીટર દૂર આવેલું છે.

  • 16 May 2023 08:44 AM (IST)

    Gir Somnath : કથિત તાંત્રિક વિધિના નામે 93 લાખની ઠગાઇનો પર્દાફાશ , 10 લોકોની ધરપકડ

    ગીર સોમનાથ(Gir Somnath) જિલ્લાની તાંત્રિકોની ટોળકીએ પૈસાની જરૂરીયાત વાળા લોકોને પૈસાનો ઢગલો કરાવી દેવાની માયાજાળમાં ફસાવીને લાખોની રકમ પડાવી છેતરપીંડી(Fraud)આચરતી હોવાનો એલસીબીએ પર્દાફાશ કરી 10 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી તાંત્રિક વિધિમાં ઉપયોગ લેનાર નકલી ખોપડી, સાચો સાપ, મોબાઈલ જેવી વસ્તુઓ તથા રોકડા રૂ. 6.46 લાખ, 21 તોલા સોનું સહિત 19 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

  • 16 May 2023 08:41 AM (IST)

    ગીરસોમનાથ જિલ્લાના 152 માછીમાર માદરે વતન પરત ફર્યા, પરિવારજનોમાં હર્ષઉલ્લાસનો માહોલ

    પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ગીરસોમનાથ જિલ્લાના 152 માછીમારો ( Gujarat Fishermen )  માદરે વતન પરત ફર્યા છે. પહેલા વડોદરા અને ત્યારબાદ બસ મારફતે વડોદરાથી વેરાવળ વતનમાં પરત ફરેલા માછીમારો પરિવારજનોને ભેટી પડ્યા હતા. આ સમયે હરખના આંસુ સાથે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. માછીમારોનું સ્વાગત કરવા માટે પ્રધાન પરસોત્તમ સોલંકી વેરાવળ પહોંચ્યા હતા. તેમણે તમામ માછીમારોને આવકાર્યા હતા. આ માછીમારોએ કોરોનાનો મહત્વનો તબક્કો પાકિસ્તાનની જેલમાં પસાર કર્યો હતો.

  • 16 May 2023 08:39 AM (IST)

    અર્જુન તેંડુલકરને ડોગ બાઈટ ! LSG vs MI મેચ પહેલા બની મોટી ઘટના

    IPL 2023માં લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચ પહેલા એક મોટી ઘટના સામે આવી છે. અર્જુન તેંડુલકરને એક શ્વાન કરડ્યો છે. આ ઘટનાનો ખુલાસો અર્જુને પોતે કર્યો જ્યારે તે લખનૌના એકાના સ્ટેડિયમમાં એલએસજીના ખેલાડીઓને મળી રહ્યો હતો. જણાવી દઈએ કે ડાબોડી ઓલરાઉન્ડર અર્જુન તેંડુલકર મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે.

  • 16 May 2023 08:08 AM (IST)

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે, 20 મેના રોજ અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) એક દિવસીય ગુજરાત(Gujarat)  પ્રવાસે આવશે. તેવો 20 મેના રોજ અમદાવાદ- ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અંદાજે રૂપિયા 355 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં તેવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવનાર વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં નારણપુરા વિસ્તારમાં TP- 29માં રૂપિયા 2.93 કરોડના ખર્ચે તૈયાર થયેલા જિમ્નેશિયમ અને લાયબ્રેરીનું લોકાર્પણ કરશે.

  • 16 May 2023 07:38 AM (IST)

    ન્યુઝીલેન્ડમાં મોટી દુર્ઘટના, ચાર માળની હોસ્ટેલમાં ભીષણ આગથી છ લોકોના કરૂણ મોત

    New Zealand Fire: ન્યુઝીલેન્ડમાં ચાર માળની હોસ્ટેલમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સથી મળેલી માહિતી અનુસાર, વડાપ્રધાન ક્રિસ હિપકિન્સે આ ઘટના અંગે માહિતી આપી છે. પીએમ ક્રિસ હિપકિન્સ પાસેથી મળેલી માહિતી અનુસાર, વેલિંગ્ટનમાં ભીષણ આગને કારણે છ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જોકે પોલીસ પાસે મૃત્યુના ચોક્કસ આંકડા નથી, પરંતુ આ આંકડો વધી શકે છે. આ સાથે તેઓ એમ પણ કહે છે કે મૃતકોની સંખ્યા 10થી ઓછી છે.

  • 16 May 2023 07:05 AM (IST)

    Surat : સચિન તેંડુલકરની સહી વાળું બેટ ઓકશનમાં મુકાયું, બેટ પર લાગી આટલા લાખની બોલી

    સુરતમાં(Surat)  લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા લેબગ્રોન ડાયમંડ ક્રિકેટ લીગ-2023 નું આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટના અંતે ક્રિકેટ જગતના લેજેન્ડ સચિન તેંડુલકરનું(Sachin Tendulkar) સહી વાળું બેટ( Bat) ઓકશનમાં મુકાયું હતું. જે 7. 51 લાખમાં બોલી લગાવી ખરીદી લેવાયું છે. બેટના ઓકશનમાં મળેલી રકમ વેલ્ફર ફંડમાં વાપરવામાં આવનાર હોવાનું એસોસિએશનના હોદેદારોએ જણાવ્યું હતું. સુરતમાં લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા આ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીવર્ગમાં એકતા, વિશ્વસનીયતા તેમજ આત્મીયતા વધે તે હેતુથી લેબગ્રોન ડાયમંડ એસોસિએશન ની સ્થાપના થઇ છે.

    Surat : સચિન તેંડુલકરની સહી વાળું બેટ ઓકશનમાં મુકાયું, બેટ પર લાગી આટલા લાખની બોલી
  • 16 May 2023 06:53 AM (IST)

    Gujarat Weather Forecast : આજે સુરત, પોરબંદર સહિત અનેક જિલ્લાઓમાં ગરમીથી મળશે રાહત

    હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 45% રહેશે.

    આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જ્યારે 23% ભેજવાળુ વાતાવરણ રહેશે. ભરુચમાં મહત્તમ તાપમાન 40 રહેશે જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 38 રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 રહેશે.

  • 16 May 2023 06:52 AM (IST)

    Surat : ટ્રકમાં ઘઉંના ભૂસાની આડમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરી ઝડપાઈ, કુલ 46.28 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

    આમ તો ગુજરાતમાં દારુબંધી ( liquor ) છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર દારુનો જથ્થો ઝડપાતો રહે છે. બુટલેગર પોલીસથી બચીને દારુને ગુજરાતમાં લાવવાના વિવિધ કિમીયા અજમાવતા હોય છે. સુરતના કોસંબા નજીક નેશનલ હાઈવે પાસેથી દારૂ ભરેલી ટ્રક પોલીસે ઝડપી પાડી છે.

  • 16 May 2023 06:45 AM (IST)

    Breaking News: ભાવનગર ડમીકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, કુલ 44 આરોપી ઝડપાયા

    ભાવનગર(Bhavnagar)  ડમીકાંડમાં(Dummy Kand)  વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે . જેના પગલે એફઆઇઆરમાં નોંધાયેલા 22 અને અન્ય 22 સહિત અત્યાર સુધી કુલ કુલ 44 આરોપી ઝડપાયા છે. જેમાં એસ.ઓ.જી ક્રાઇમે ડમીકાંડના વધુ એક આરોપીને ઝડપ્યો છે. જેમાં પોલીસે ભગીરથભાઇ અમૃતભાઇ પંડયા ઉ.વ.૨૮ ધંધો પ્રાઇવેટ નોકરી રહે.પ્લોટ વિસ્તાર ઘાટલવાળા તા.તળાજા જિ.ભાવનગર ની ધરપકડ કરી છે.

  • 16 May 2023 06:44 AM (IST)

    જમ્મુ-કાશ્મીરમાં NIAના 13 સ્થળો પર દરોડા

    નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આતંકવાદીઓને મદદ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરતા 13 સ્થળો પર દરોડા પાડ્યા છે. એનઆઈએ દ્વારા અનંતનાગ, શ્રીનગર, પુલવામા, શોપિયાં અને બડગામ જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા હતા. NIAએ તેમની પાસેથી ઘણા દસ્તાવેજો રિકવર કર્યા છે.

  • 16 May 2023 06:40 AM (IST)

    વૈશાલીમાં બદમાશોએ આરજેડી કાર્યકરના ઘરમાં ઘૂસીને ગોળી મારી

    વૈશાલીમાં બદમાશોએ ઘરમાં ઘૂસીને આરજેડી કાર્યકરની ગોળી મારીને હત્યા કરી નાખી. ઘટના બાદ તરત જ આરજેડી કાર્યકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણકારી મળતા જ આરજેડી ધારાસભ્ય ડૉ. મુકેશ રોશન સદર હોસ્પિટલ પહોંચ્યા છે. હોસ્પિટલની બહાર ભારે ભીડ જોવા મળી રહી છે.

Published On - May 16,2023 6:38 AM

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">