અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત UPL કંપનીના પ્લાન્ટમાં લાગી આગ, જોતજોતામાં આગે ધારણ કર્યુ વિકરાળ સ્વરૂપ, 5 દાઝ્યા, જુઓ વિડીયો
પ્રાથમિક તબક્કે આગ ક્યાં કારણોસર લાગી તેની કોઈ માહિતી હજુ સુધી જાણી શકાઈ નથી. સવારે સાડાસાત વાગ્યાના અરસામાં અચાનક UPL કંપનીમાં ઇમરજન્સી સાયરનો ગુંજવા લાગી હતી

અંકલેશ્વર(Ankleshwar) જીઆઈડીસીમાં આવેલ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીના યુનિટ 1 માં આગ ફાટી નીકળતા દોડધામ મચી છે. ઘટનાનાં પગલે કંપની ઉપરાંત જીઆઈડીસીના ફાયર ફાઈટર મદદે બોલાવાયા છે. પ્રાથમિક તબક્કે આગ ક્યાં કારણોસર લાગી તેની કોઈ માહિતી હજુ સુધી જાણી શકાઈ નથી. સવારે સાડાસાત વાગ્યાના અરસામાં અચાનક UPL કંપનીમાં ઇમરજન્સી સાયરનો ગુંજવા લાગી હતી અને કર્મચારીઓને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેને બુઝાવવા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ તરફ રવાના કરાયા હતા. અંતરથી પ્લાન્ટમાં ધુમાડાના ગોટા ઉડતા નજરે પડી રહ્યા છે
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીના યુનિટ 1 માં આગ ફાટી નીકળતા દોડધામ મચી
દૂરના અંતરેથી દેખાઈ રહ્યા છે ધુમાડા
ફાયરફાઈટર ઘટનાસ્થળે રવાના કરાયા#fire #Ankleshwar #Gujarat #TV9News pic.twitter.com/Q6oEmy1Vct
— Tv9 Gujarati (@tv9gujarati) May 6, 2022
સવારના સુમારે અચાનક યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડના યુનિટ – 1 ના MCP પ્લાન્ટમાં પ્રેસર ટેન્ક ધડાકા સાથે ફાટતાં આગળ ફાટી નીકળી હતી. ધડાકા સાથે લાગેલી આગમાં નજીકમાં કામ કરતા 5 કામદારો તેની ઝપેટમાં આવી ગયા હતા. કંપનીના અન્ય કર્મચારીઓએ તેમને પ્લાન્ટની બહાર કાઢી એમ્બ્યુલન્સમાં તમામને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. આ ઈજાગ્રસ્ત કામદારોની હાલત સ્થિર હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. ઘટનાના પગલે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ , જીપીસીબી અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ દોડી ગઈ હતી.
આગની ઘટના બાદ પવનની દિશા નજીકના રહેણાંક વિસ્તાર તરફ હોવાના કારણે ધુમાડાઓએ પટેલ નગર વિસ્તારમાં આકાશમાં ધુમાડા છવાયા હતા. ધુમાડાના કારણે ભયભીત બનેલા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. કેમિકલ કંપનીમાં લાગેલી આગના કારણે સ્થાનિકો જીવન જોખમની ચિંતામાં ભયભીત પણ બન્યા હતા. સ્થાનિકોએ મોં ઉપર માસ્ક બાંધી દીધા હતા અને તંત્રના આદેશનો ઇંતેજાર કરવા લાગ્યા હતા.
આગની ઘટનામાં 5 લોકો દાઝી ગયા હતા જેમને અંકલેશ્વર જીઆઇડીસીની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઇજાગ્રસ્તોની વિગત મેળવવાની કામગીરી શરૂ કરી છે. ઘટના સંદર્ભે યુપીએલ ગ્રુપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. ઘટના બાદ પોલીસ , જીપીસીબી અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ મામલાની સ્વતંત્ર તપાસ શરૂ કરી શકે છે.