ગુજરાતમાં વધુ એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ટૂંકાવ્યો, જાણો શું છે સમગ્ર ઘટના?
બી. ટેક.ના એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ટૂંકાવ્યો. પોલીસનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચ્યો પંરતુ કેમ આત્મહત્યા કરી તેનું કારણ હજુ અકબંધ છે.

ગુજરાત રાજ્યમાં રોજબરોજ આત્મહત્યા થવાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આત્મહત્યાના બનાવમાં સૌથી વધુ કેસો વિદ્યાર્થીઓના હોય છે. આવો જ એક કિસ્સો ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં બન્યો છે. વાત એમ છે કે, વડોદરાની ખ્યાતનામ એમ.એસ. યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ટૂંકાવ્યો છે. આ વિદ્યાર્થી બી. ટેક.માં બીજા વર્ષમાં અભ્સાસ કરતો હતો અને એમ. વિશ્વેશ્વરાય હોસ્ટેલમાં રહેતો હતો. સમગ્ર મામલાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
શું બનાવ બન્યો?
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્સાસ કરતા અભિષેક મિશ્રા નામના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધાની માહિતી બહાર આવી છે. તેનો મૃતદેહ એમ. વિશ્વેશ્વરાય હોસ્ટેલમાં મળી આવ્યો છે. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચે એ પહેલા જ વિદ્યાર્થીનું મોત નિપજી ગયું હતું. વિદ્યાર્થીની બોડીને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે.
પોલીસે કાર્યવાહી શરૂ કરી
મળતી માહિતી મુજબ, અભિષેક મૂળ જમ્મુ-કાશ્મીરનો રહેવાસી હતો અને વડોદરામાં અભ્યાસ કરવા માટે આવ્યો હતો. મૃતક વિદ્યાર્થીના પરિવારને આ ઘટના અંગે જાણ કરી દેવામાં આવી છે. હાલમાં, પોલીસે વિદ્યાર્થી વિશે હોસ્ટેલના વોર્ડન તેમજ તેની સાથે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને મિત્રોનું નિવેદન લેવાનું શરૂ કર્યું છે. વધુમાં પોલીસે વિદ્યાર્થીના હોસ્ટેલના રૂમની પણ તપાસ હાથ પર લીધી છે. આનાથી વિદ્યાર્થીએ કોઈ સ્યુસાઇડ નોટ લખી છે કે કેમ તે અંગેની માહિતી મળી શકે છે. જો કે, હજુ સુધી વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કેમ કર્યો તે અંગેની કોઇ સચોટ માહિતી બહાર નથી આવી.