Rajkot: માતાજી અને મૃત દાદીમાના નામે પત્ની અને બે સંતાન ઉપર જીવલેણ હુમલો! 3 મહિનાની માસૂમ બાળકીનું મોત
ઈજાગ્રસ્ત પત્ની બસંતી એ આંસુભરી આંખે જણાવ્યું હતું કે તેનો પતિ એવું બોલતો હતો કે માતાજીએ કહ્યું છે કે બધાને મારી નાખ એટલે તે છરી વડે મારવા લાગ્યો હતો બસંતી પોતાનો પતિ માનસિક રીતે અસ્થિર હોવાનો દાવો કર્યો હતો.

રાજકોટમાં ધુળેટીનો દિવસ અને મહિલા દિવસ લોહિયાળ બન્યા હતા અને અંધશ્રદ્ધાને કારણે એક નેપાળી પરિવાર વિખેરાઈ ગયો હતો. આજે જ્યારે લોકો રંગે રમી રહ્યા હતા તો ક્યાંક મહિલાઓનું સન્માન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે રાજકોટમાં આ અરેરાટીભરી ઘટના બની હતી. જેમાં નેપાળી પ્રેમબહાદુર સાઉદે મૃત દાદીમાં શરીરમાં આવતા હોવાનું કહીને પત્ની તેમજ 4 વર્ષીય મૃત ઉપર છરીથી જીવલેણ હુમલો કર્યો હતો અને આ શખ્સે પોતાની 3 માસની ફૂલ જેવી બાળકી ઉપર પણ હુમલો કરતા માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું. પોલીસે પત્નીની ફરિયાદના આધારે ગુનો નોંધીને હત્યારા પિતાને પકડી પાડ્યો છે.
મૃત દાદીમાએ કહ્યું પરિવારને મારી નાખ!
ઇજાગ્રસ્ત પત્ની બસંતીએ આંસુભરી આંખે જણાવ્યું હતું કે તેનો પતિ એવું બોલતો હતો કે માતાજીએ કહ્યું છે કે બધાને મારી નાખ એટલે તે છરી વડે મારવા લાગ્યો હતો, બસંતી પોતાનો પતિ માનસિક રીતે અસ્થિર હોવાનો દાવો કર્યો હતો. પ્રેમબહાદુરની પત્ની બસંતીના કહેવા પ્રમાણે બુધવારે વહેલી સવારે પ્રેમબહાદુર ઘરે આવ્યો હતો અને તેના શરીરમાં માતાજી પ્રવેશ્યા છે તેવું કહીને તેણે પરિવાર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.
સારવાર દરમિયાન ત્રણ મહિનાની દિકરી લક્ષ્મીનું મોત
રાજકોટના ઈન્દિરા સર્કલ વિસ્તારમાં આવેલા અજંતા એપાર્ટમેન્ટમાં ચોકીદારી કામ કરતા પ્રેમબહાદુર સાઉદ નેપાળીએ બુધવારે વહેલી સવારે પોણા પાંચ વાગ્યાના સમયે તેની પત્ની અને બે સંતાનો પર છરી વડે હુમલો કર્યો. આ બૂમાબૂમ સાંભળીને સ્થાનિકો પણ ભેગા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.
જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ પ્રેમબહાદુરની પત્ની બસંતી નેપાળી તેના 4 વર્ષના પુત્ર નિયત અને તેની 3 મહિનાની દિકરી લક્ષ્મીને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં લક્ષ્મીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનામાં બસંતી અને તેનો પુત્ર નિયત હજુ પણ સિવિલ હોસ્પિટલમાં છે જ્યાં તેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
Rajkot: માતાજી અને મૃત દાદીમાના નામે પત્ની અને બે સંતાન ઉપર જીવલેણ હુમલો, 3 મહિનાની માસૂમ બાળકીનું મોત | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/gZ7kYwQYlM
— Tv9 Gujarati (@tv9gujarati) March 8, 2023
બનાવની જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને આરોપી પ્રેમબહાદુર ભાગવામાં સફળ થાય તે પહેલા જ તેની ધરપકડ કરી હતી. રાજકોટ પશ્ચિમ ઝોનના એસીપી ભાર્ગવ પંડ્યાએ કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ ઘરકંકાસ હોવાનું અનુમાન છે. પ્રેમબહાદુરે પોતાના મૃતક દાદીમા પોતાના શરીરમાં પ્રવેશતા હોવાનો દાવો કર્યો હતો અને તેના કારણે આ કૃત્ય કર્યાની કબૂલાત આપી હતી. જો કે પોલીસે આ શખ્સને પકડીને વધુ પુછપરછ શરૂ કરી છે. આ કિસ્સામાં આ લોહિયાળ જંગ પાછળ અંધશ્રધ્ધા જ જવાબદાર છે કે અન્ય કોઇ કારણ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.